માણાવદર પાલિકાનાં બાંધકામ સમિતીનાં ચેરમેન પર હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આંગણવાડીનાં નબળા કામ અંગે કહેતી કોન્ટ્રાક્ટર પિતા-પુત્ર તૂટી પડ્યા

માણાવદર નગરપાલિકાનાં બાંધકામ સમિતિનાં ચેરમેન પર કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેના ઘેરા પડઘા પડ્યાં છે. આંગણવાડીનાં નબળા બાંધકામ અંગે કહેતા આ હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.

માણાવદરનાં બાવાવાડી વિસ્તારમાં નગરપાલિકા હસ્તકની આંગણવાડીનું છેલ્લા વિસેક દિવસથી કામ ચાલી રહયું હોય અને જેનો બાંધકામનો કોન્ટ્રાકટ કરશનભાઇ જલુ પાસે હોય પ્લાસ્ટરનું કામ નબળું થતું હોવાની હકિકત પાલિકાનાં ભાજપનાં સદસ્ય અને બાંધકામ સમિતિનાં ચેરમેન વસંતભાઇ લક્ષ્મીદાસ મારડીયાને મળતાં તેઓએ આ કામમાં સુધારો કરવા કોન્ટ્રાક્ટરને કહયું હતું.

દરમિયાન વસંતભાઇ મારડીયા આજે સવારનાં ૯.૩૦ વાગ્યાનાં અરસામાં ગાંધી ચોકમાં સ્વામીનારાયણ મંદિરે દર્શન માટે ગયેલ હતાં ત્યારે ત્યાં કરશન જલુ અને તેના પુત્રએ તેમને રોકી ભુંડી ગાળો આપી પાવડાનાં હાથાથી હુમલો કરી આડેધડ મંુઢમાર મારી શરીર તથા પગનાં ભાગમાં ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં આજે તું બચી ગયો છે, પાછો આડો આવીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયાં હતાં. હુમલાનો ભોગ બનનાર વસંતભાઇને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. આ બનાવનાં પગલે પાલિકાનાં પ્રમુખ જીતેશ પનારા સહિતનાં સદસ્યો હોસ્પિટલે દોડી ગયા હતાં. પોલીસે તપાસ હાથ ધરી છે.

- હુમલાનાં વિરોધમાં સોમવારે બપોર પછી શહેર બંધ

હુમલાનો ભોગ બનનાર પાલિકા બાંધકામ સમિતિનાં ચેરમેન વસંતભાઇ મારડીયા જીનીંગ ફેકટરીનાં માલિક અને યુવા ઉદ્યોગપતિ છે. તમામ વેપારી એસો.ને આ હુમલાને વખોડી કાઢયો છે. આ હુમલાનાં બનાવમાં તા.૧૩નાં સોમવારનાં બપોરનાં બે વાગ્યા પછી નાના - મોટા તમામ વેપારીઓ પોતાનાં ધંધા - રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે.