આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો : પોલીસનું હવામાં ફાયરીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો : પોલીસનું હવામાં ફાયરીંગ
- ૬ માસ પહેલાં માણાવદરમાંથી પકડાયેલા વિદેશી દારુ પ્રકરણમાં
- જૂનાગઢની ગ્રોફેડ મીલ પાસે બુટલેગર અને ટોળાંએ હુમલો કરતાં પીએસઆઇ એ સર્વીસ રીવોલ્વર અને ડીવાયએસપીનાં કમાન્ડોએ ચાર રાઉન્ડ ફાયર કર્યા

માણાવદરમાંથી છ માસ પહેલાં પકડાયેલા વિદેશી દારુનાં જથ્થામાં જૂનાગઢનાં કુખ્યાત બુટલેગરનું નામ ખૂલતાં પોલીસ તેને પકડવા ગત મધરાતે જૂનાગઢનાં ગ્રોફેડ મીલ પાસે સંજયનગરમાં પહોંચી હતી. અને આરોપીને પકડયો હતો. દરમ્યાન આરોપીને છોડાવવા તેના પિતા, ભાઇ અને પ૦ થી ૬૦ લોકોનાં ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસે સ્વબચાવમાં ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે, પોલીસ આરોપીને પકડીને લઇ જ ગઇ હતી. બનાવ અંગે માણાવદરનાં પીએસઆઇએ ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદરમાંથી છ માસ પહેલાં ૩૪ પેટી વિદેશી દારુ પકડાયો હતો. જેમાં જૂનાગઢનાં કુખ્યાત બુટલેગર રાજુ ડોસા રબારીનું નામ ખૂલ્યું હતું. આથી ગઇકાલે મધરાતે ૩ વાગ્યાનાં અરસામાં કેશોદનાં ડીવાયએસપી ભરતસંગ ટાંકની આગેવાનીમાં માણાવદર પીએસઆઇ આર. આર. ગઢવી અને કાફલો ગાંધીગ્રામમાં ગ્રોફેડ પાછળ આવેલા સંજયનગરમાં ત્રાટક્યો હતો. અને રાજુ ડોસા કોડીયાતરની અટક કરી હતી. જોકે, પોલીસે તેની અટક કરી એ વખતે રાજુ ડોસાનાં પિતા ડોસા રબારી, તેના ભાઇ સમીર ડોસાએ પ૦ થી ૬૦ લોકોનાં ટોળાં સાથે પોલીસ કાફલા પર પથ્થરમારો શરુ કરી દીધો હતો.

આથી પીએસઆઇ ગઢવીએ ટોળાંને વિખેરવા પોતાની સર્વીસ રીવોલ્વરમાંથી બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા. તો ડીવાયએસપી ટાંકનાં કમાન્ડોએ પણ બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા. જોકે, ટોળું આરોપીને પોલીસ પાસેથી છોડાવી શક્યું નહોતું.

પોલીસ રાજુ ડોસાને પકડીને માણાવદર પોલીસ મથકે લઇ જ ગઇ હતી. બનાવ અંગે માણાવદરનાં પીએસઆઇ ગઢવીએ જૂનાગઢનાં સી ડિવીઝન પોલીસ મથકમાં ડોસા રબારી, સમીર ડોસા અને ટોળાં સામે ફરજમાં રૂકાવટ અને પથ્થરમારો કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ જૂનાગઢનાં સીપીઆઇ આર. પી. ગૌતમ ચલાવી રહ્યા છે. એસપી સૌરભો તોલંબિયાએ આ અંગે જણાવ્યું હતું કે, અમે અલગ અલગ ટીમો બનાવીને આ વિસ્તારમાં કોમ્બીંગ કર્યું છે. અને સ્થિતીને કાબૂમાં લીધી છે.

પોલીસનું ગ્રોફેડ વિસ્તારમાં પેટ્રોલિગ

મધરાતે પોલીસ પાર્ટી પર પથ્થરમારાની ઘટનાને પગલે સી ડિવીઝન પોલીસે સવારથીજ ગ્રોફેડ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરી દીધું છે.

કોઇને ઇજા નહીં

ટોળાંએ કરેલા પથ્થરમારામાં જોકે, એકપણ પોલીસકર્મીને ઇજા થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. તો પોલીસે પણ સ્વબચાવમાં ફક્ત ટોળું વિખેરવા જ હવામાં ફાયરીંગ કર્યું હોઇ સામાપક્ષે પણ કોઇને ઇજા પહોંચી નથી.

હવેની કાર્યવાહી સીપીઆઇને હસ્તક

આ અંગે ડીવાયએસપી ટાંકે જણાવ્યું હતું કે, અમારે માણાવદરનાં દારુના ગુનામાં આરોપી રાજુ ડોસાને પકડવાનો હતો. તેની અટક કરી લેવાઇ છે. પથ્થરમારા અને ફાયરીંગના ગુનાની તપાસની કામગિરી હવે જૂનાગઢ સીપીઆઇહસ્તક છે.

ટોળું આરોપીને છોડાવવા આવ્યું 'તું : પીએસઆઇ ગઢવી

બનાવ અંગે પીએસઆઇ આર. આર. ગઢવીએ જણાવ્યું હતું કે, માણાવદરનાં દારુનાં ગુનામાં રાજુ ડોસા નાસતો ફરતો હતો. તે દરમ્યાન તે ગ્રોફેડ મીલ પાસે તેના ઘેર હોવાની બાતમી મળતાં તેને ઘેરથી અમે પકડયો હતો. એ વખતે એક આખું ટોળું તેને છોડાવવા પહોંચી ગયું. અને પથ્થરમારો કર્યો હતો. બાદમાં ટોળાંને વિખેરવા અમે સ્વબચાવમાં હવામાં ફાયર કર્યા હતા.