દલિત પ્રૌઢ પર હુમલાનાં કેસમાં આરએફઓ ગોઢાણીયાની ધરપકડ કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને કિસાન સંઘનું આવેદન
-
વિસાવદર પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પત્ર આપ્યા બાદ કાર્યવાહીની માંગ

વિસાવદર નજીક થોડા દિવસ પૂર્વે મૃત નરસિંહનાં મામલામાં વન વિભાગ દ્વારા દલિત પ્રૌઢ પર થયેલા દમનનાં વિરોધમાં આજે સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા એમ બે સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી આ બનાવમાં સંડોવાયેલા વિસાવદરનાં આરએફઓ ગોઢાણીયાની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી હતી.

સૌરાષ્ટ્ર દલિત સંગઠને આપેલા આવેદનમાં જણાવાયું હતું કે, મૃત સિંહ ઇનફાઇટમાં મરી ગયો હોવા છતાં ફોરેસ્ટનાં આ અધિકારી સહિ‌તે ગુનો કબુલવા વિકલાંગ એવા દલિત પ્રૌઢ મનજીભાઇ નારણભાઇ પરમાર પર જે દમન ગુર્જા‍યુ છે તેની વિસાવદર પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. જ્યારે વિકલાંગ વ્યક્તિને અંતરીયાળ વાડીમાં બંધક બનાવી વન વિભાગનાં આ અધિકારીએ જે કૃત્ય કર્યુ છે તેનો રોષ છે. આ માટે એફઆઇઆર દાખલ કર્યા પછી પણ તેની તાત્કાલિક ધરપકડ કરવામાં નથી આવતી તે અન્યાય વલણ છે. આ વન વિભાગનો પ્રથમ બનાવ નથી પરંતુ ગીર બોર્ડરમાં ગામડાનાં ખેડૂતો મજૂરો અને મંદિરોમાં આવતા શ્રદ્ધાળું સાથે જે વર્તન થઇ રહ્યું છે તે ચિંતાનો વિષય છે. સિંહ તો ગુજરાતનું ગૌરવ છે અને કયારે પણ ખેડૂતો હોય કે દલિતો સિંહને મારી નાંખવાની વાત વ્યાજબી નથી. ઉલટાનું સિંહોની રક્ષા માટે પીવાનાં પાણી સહિ‌તની વ્યવસ્થા આ વિસ્તારમાં કરવામાં આવે છે.

જેથી ગુનો કબુલ કરવા એક વિકલાંગ દલિતને મજબુર કરી વન વિભાગ શંકાનાં દાયરામાં આવ્યું છે. જો આરએફઓ ગોઢાણીયાની તાત્કાલિક ધરપકડ નહી થાય તો હોળીનાં તહેવારમાં જ જંગલી અધિકારીઓની હોળીનાં બેનર સાથે જૂનાગઢ અને અમરેલીમાં વિશાળ રેલી નિકળશે અને જ્યાં સુધી આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં નહી આવે ત્યાં સુધી આંદોલનનાં કાર્યક્રમો આપવામાં આવશે. બીજી બાજુ ભારતીય કિસાન સંઘ વિસાવદર શાખા દ્વારા સિંહનાં મૃત્યુનાં કેસમાં દલિત કિસાન પર થયેલા અત્યાચારને વખોડી અને તટસ્થ તપાસ કરી આવા વન અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી અગાઉનાં મોટી મોણપરી ગામે પણ ખેડૂતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરી માંગણી તાત્કાલિક સંતોષવામાં નહી આવે તો કિસાન સંઘ પણ આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.