તૃણાહારી પ્રાણીઓમાં ૮ ટકાનો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તૃણાહારી પ્રાણીઓમાં ૮ ટકાનો વધારો
- સત્તાવાર આંક જાહેર : ગિર-ગિરનારનાં જંગલમાં ગત પ , ૬ મેનાં રોજ ગણતરી હાથ ધરાઈ હતી
- ગત વર્ષ ૧,૨૪,૮૮૦ હજાર હતા હવે ગણતરી બાદ ૧,૩૨,પ૦૩ થયા

ગિર-ગિરનારનાં જંગલ વિસ્તારમાં ૨૦ દિવસ પૂર્વે તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરાઇ હતી. ગણતરી બાદ આ પ્રાણીઓની સંખ્યામાં ૮ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સાથે તૃણાહારીઓની સંખ્યા બમણાથીયે વધુ થઇ છે. એ મુજબ હવે સાવજોને ભોજન માટે ગિર અને ગિરનાર જંગલમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ તૃણભક્ષી પ્રાણીઓનું 'મેનુ’ મળી રહેશે. એમ સાસણનાં ડીએફઓ સંદિપકુમારે જણાવ્યું હતું. ગત વર્ષે હાથ ધરાયેલી ગણતરીમાં ૧,૨૪,૮૮૦ તૃણાહારીઓ જોવા મળ્યા હતા. જેમાં મોર અને વાનર (લંગૂર)નો પણ સમાવેશ થતો હતો. જ્યારે આ વર્ષે એ સંખ્યા ૧,૩૨,પ૦૩ ની થઇ છે. આમ વનવિભાગે ગત પ અને ૬ મેનાં રોજ હાથ ધરેલી તૃણભ્રક્ષી પ્રાણીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે જંગલમાં સાવજોને ખોરાક માટે મુખ્ય આધાર તૃણાહારી પ્રાણીઓ હોય છે. અને એ માટે સાવજો ખોરાકની શોધમાં રહેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે થયેલી તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી બાદ ગિર જંગલનાં વિસ્તારને ધ્યાને રાખીને પ્રાણીઓની ગણતરી કરીએ તો સાવજોને ખોરાક માટે વધુ પ્રાણીઓ મળી રહેશે. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ ૭૯ જેટલા પ્રાણીઓ મળશે. દર વર્ષે કરવામાં આવતી તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી તા. પ અને ૬ મે નાં રોજ કરાઇ હતી. બે દિવસ સુધી જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં પણ ગણતરી થઇ હતી. જેમાં વનતંત્રનાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ૮ જાતનાં પ્રાણીઓનાં ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમાં ગણતરીનાં અંતે સૌથી વધુ ચિત્તલ, જંગલી ભૂંડ, ચિંકારા, મોર, વગેરેમાં વધારો નોંધપાત્ર પ્રમાણમાં છે. કુલ મળીને ૧,૩૨,પ૦૩ તૃણાહારીઓ નોંધાયા છે.

સાવજોનાં ખોરાક માટે સારા અણસાર : ડો. સંદિપકુમાર

સાસણનાં ડીએફઓ ડો. સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર જંગલનો ૧૪૧૨ ચોરસ કિમીનો વિસ્તાર છે. અને ગિરનારનો વિસ્તાર ૧૮૧ ચોરસ કિમી છે. આ વખતે તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા વધી છે. જે સાવજોનાં આહાર માટે સારા અણસાર છે. ખાસ કરીને દર સ્કવેર કિમીએ સાવજોને ૭૯ તૃણભક્ષી પ્રાણીઓ મળી રહેશે. વિસ્તારની દૃષ્ટિએ આ સરેરાશ અંદાજ છે.

બચ્ચાંની સંખ્યા વધુ : આવતા વર્ષે પણ વધારાની પૂરી શક્યતા

ડીએફઓ ડો. સંદિપકુમારે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગણતરી કરનાર ટીમનાં સભ્યોનાં એવું ધ્યાને આવ્યં છે કે, ચિત્તળ, સાબર, સહિ‌તનાં પ્રાણીઓનાં બચ્ચાંની સખ્યા સૌથી વધુ જોવા મળી છે. એ મુબજ આવતા વર્ષે તૃણાહારીઓમાં વધારો થવાની પૂરી શક્યતા છે.

ચૌશિંગા ૨૦૧૧માં ઘટયા બાદ સંખ્યા જળવાઇ

ચૌશિંગાની સંખ્યામાં ૨૦૧૦-૧૧ની ગણતરી વખતે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૨-૧૩માં તેની સંખ્યા ૮૧૦ની હતી. તે હવે ૨૦૧૩-૧૪માં ૭પ૬ જોવા મળ્યા હતા. આ અંગે ડીએફઓ ડો. સંદિપકુમાર જણાવે છે કે, તેમાં કોઇ ઘટાડો નથી. પરંતુ અમુક જગ્યાએ આ પ્રકારનાં પ્રાણીઓ છે.