વિશળવાવ ચોકી નજીકથી વેરાવળનો શખ્સ દારૂનાં જથ્થા સાથે ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં વિશળવાવ પોલીસ ચોકી નજીકથી ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે વેરાવળનાં એક શખ્સને કારમાં વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થાની ખેપ મારતા ઝડપી લઇ કુલ રૂા.૩,પ૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મળતી માહિ‌તી મુજબ જૂનાગઢમાં વિશળવાવ પોલીસ ચોકી નજીકથી એક શખ્સ વિદેશી દારૂનાં જથ્થા સાથે નીકળવાનો હોય એવી ચોક્કસ બાતમી ડિવાએસપી કચેરીનાં હે.કો. વી.આર.શીલુને મળી હતી.

જેથી તેમણે વિશળવાવ ચોકી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન મોડી રાત્રિનાં પોણા ત્રણ વાગ્યાનાં અરસામાં બાતમી મળી હતી એવી એક સેન્ટ્રો કાર ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસે તેને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૪૪ અને બિયરનાં ટીન નંગ- ૧૦૭ મળી આવ્યા હતા. જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઇલ સાથે વેરાવળનાં ભાલપરા વિસ્તારમાં રહેતા નિરવ ઉર્ફે ગટો હિ‌માંશુ દેસાઇને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી કુલ રૂા.૩,પ૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિરવ આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખલીલપુર રોડ પરથી ત્રણ જુવાનીયા દારૂ સાથે પકડાયા

બી ડિવિઝન પીએસઆઇ એન.એ.છુવારાએ ગત રાત્રિનાં પેટ્રોલીંગ દરમિયાન જોષીપરામાં રહેતા વિવેક રમેશ અપારનાથી, અભિષેક શૈલેષ રાણા અને ચિરાગ સુરેશ વાળાને બાઇકમાં દારૂની બોટલ સાથે નીકળતા ઝડપી લઇ રૂા.૨પ,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.