ઊના પાસે મોતીસર ગામમાં ઘુસી ત્રણ સિંહણે કર્યુ ગાયનું મારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ગીરગઢડા પંથકનાં જંગલ બોર્ડરને અડીને આવેલા મોતીસર ગામમાં ગુરૂવારે પરોઢીયે ત્રણ સિંહણોએ આવી ચઢી એક ગાયનો શિકાર કરી મારણની મિજબાની માણી હતી. ચોમાસા દરમિયાન સાવજોનાં ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા વધ્યા હોય લોકોમાં ગભરાટનો માહોલ પ્રસર્યો છે.
ગીરગઢડા પંથકનાં જંગલ બોર્ડરનાં ગામોમાં રોજ સાવજનાં ધામા

ગીરગઢડા પંથકનાં મોટાભાગનાં ગામો ગીરજંગલ બોર્ડર અડીને આવેલા છે. ત્યારે ચોમાસાનાં સમયમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનાં ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આંટાફેરા વધી ગયાં છે. આમ તો સામાન્ય દિવસોમાં પણ કયાંકને કયાંક સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ નજરે પડતાં રહે છે. દરમિયાન જંગલ બોર્ડરને અડીને આવેલા મોતીસર ગામમાં બુધવારનાં વહેલીસવારનાં અરસામાં શિકારને શોધતી ત્રણ સિંહણો ગામમાં આવી ચઢી હતી.
જંગલ વિસ્તારમાંથી ગામોમાં આવી ચઢતાં વન્ય પ્રાણીઓ
ગામની શેરીઓમાં લટાર મારીને એક રખડતી ભટકતી ગાયનો શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણી હતી. અત્રે નોંધનીય બની રહેશે કે, ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા ગામો અને સીમ વિસ્તારોમાં અવાર – નવાર વન્ય પ્રાણીઓ આવી ચઢી માલઢોરનો શિકાર કરતાં રહે છે. બુધવારે વહેલી સવારે એક સાથે ત્રણ સિંહણ મોતીસર ગામમાં આવી ચઢતાં અને એક ગાયનું મારણ પણ કરતાં લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. જંગલ વિસ્તારમાંથી ગામોમાં આવી ચઢતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી પંથકનાં લોકોમાંથી માંગણી ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...