શાસન તંત્ર દિશાવિહીન હોય તો જ ધર્માંતરણ થઇ શકે : શંકરાચાર્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ હિન્દુઓ દેશમાં છલનાથી ધર્મભ્રષ્ટ થઇ રહ્યા છે. આ એક રાજકીય ષડયંત્ર છે. જ્યારે શાસનતંત્ર દિશાવિહીન હોય તો જ ધર્માંતરણ થઇ શકે. વૈચારિક ક્રાંતિ, ઉત્કૃષ્ટ વિચારનાં બળથીજ તેને રોકી શકાય. લાઠી, ગોળીથી તે રોકી ન શકાય. કોંગ્રેસની સરકારે 3 વર્ષ પહેલાં જૈનોને લઘુમતી ઘોષિત કરી કલમનાં એકજ ઝાટકે લાખ્ખો-કરોડો હિન્દુઓને વિધર્મી બનાવી દીધા.

આ રીતે બંધારણની એ કલમનો ભંગ કર્યો જેમાં એવું સ્પષ્ટ દર્શાવાયું છે કે, હિન્દુ તેમજ બૌદ્ધ, જૈન, શીખ, તમામ સંપ્રદાયોમાં માનતા હોય તેઓ હિન્દુ છે. આ પ્રકારનાં દિશાવિહીન શાસનતંત્રને રસાતાળ કરવાનું બળ સનાતન ધર્મનું પાલન કરતા લોકોએ કેળવવું પડશે. એમ જગન્નાથપુરી સ્થિત ગોવર્ધન મઠનાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીએ જૂનાગઢ ખાતે આજે વિચાર ગોષ્ઠિમાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું હતું. કેશોદનાં પૂર્વ ધારાસભ્ય માધાભાઇ બોરીચાએ પૂછેલા ધર્માંતરણ અંગેનાં પ્રશ્નનો જવાબ આપતાં તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, હાલ ભારતમાં જે શિક્ષણપદ્ધતિ પ્રવર્તમાન છે એને લીધે તમારૂં મસ્તક 2 ટકા જેટલું પણ હિન્દુત્વ નહીં ધરાવી શકે.

એ પણ એક પ્રકારનું ધર્માંતરણ જ છે. ધર્માંતરણ રોકવા માટે વિચાર ગોષ્ઠિ, સેમિનાર, સંવાદ થકી પણ પ્રયાસો કરી શકાય. જ્યારે ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ પૂછેલા કાશ્મીરનીસમસ્યા અંગેનાં સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જો સરદારે ગાંધીજીની કાશ્મીર સમસ્યાનો હલ નહેરુ પર છોડી દેવાની વાત ન માની હોત તો અને પોતાની રીતે તેની સમસ્યા ઉકેલી હોત તો આજે એ સમસ્યા જ ન હોત. પાકિસ્તાન 14 ઓગષ્ટ 1947 થી જે રસ્તે ચાલે છે એ રસ્તે તેનું અસ્તિત્વ બહુ લાંબું નહીં ટકે. તેને ભારત વિરૂદ્ધ ભડકાવનાર અમેરિકા અને બ્રિટનનો પણ અપકર્ષ નક્કી છે. આગામી સમયમાં પાકિસ્તાન આપણું જ હશે. મને કહેતાં દુ:ખ થાય છે કે, આજે સ્વતંત્ર ભારતમાં પણ હિન્દુઓ એક નંબરનાં નાગરિક નથી. વર્તમાન પ્રધાનમંત્રી પોતાની સુઝબુઝ ઉદ્ભાષિત કરે. તેમણે આ તકે અન્ય પ્રશ્નોનાં પણ ઉત્તર આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...