જૂનાગઢ: પદ્મ શ્રી વિજેતા લોકગાયિકા દિવાળીબેન ભીલનું અવસાન

Sarman Ram

Sarman Ram

May 19, 2016, 01:41 PM IST
દિવાળીબેનની ફાઈલ તસવીર
દિવાળીબેનની ફાઈલ તસવીર
જૂનાગઢ: ગુજરાતી કોયલની ઉપમા જેમને મળી છે એવા પદ્મશ્રી અને જેસલ તોરલનાં ભજન 'પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..., તેમજ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે', અને 'હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તામા મનમાં નથી' જેવાં અઢળક લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યા નથી. તેમનું આજે દુ:ખદ અવસાન થયું છે.
દિવાળીબેનની સ્મશાનયાત્રા સાંજે 7 વાગ્યે તેમના ગાંધીગ્રામની ભુવનેશ્વરી સોસાયટી શેરી નં. 6 ખાતેની નિકળી હતી. એ વખતે પદ્મશ્રીનાં પ્રોટોકોલ મુજબ, જિલ્લા કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દિવાળીબેનની અંતિમયાત્રામાં પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, સહિતનાં અનેક નામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. અને તેમને અંતિમ વિદાય આપી હતી. દિવાળીબેનનાં ભાંડુઓમાં નાના ભાઇ બાલુભાઇ હયાત છે. જ્યારે તેમનાથી મોટા શારદાબેન તેમજ બીજા બે નાનાભાઇઓ બચુભાઇ અને બાબુભાઇએ વર્ષો પહેલાં આ ફાની દુનિયા છોડી દીધી છે. તેમની લોક ગાયક તરીકેની કારકિર્દીમાં મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે સૌથી હીટ ગીત રહ્યું છે.
મુખ્યમંત્રી આનંદીબહેને પાઠવ્યો શોક સંદેશ
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સુપ્રસિદ્ધ લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબહેન ભીલનાં દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્તિ કરી હતી. તેમણે શોકાંજલી પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતી લોકસંગીત અને સાહસ-શૌર્યગાથા-ભજનો-લોકગીતોને પોતાના કંઠનાં કામણથી ઘરે ઘરે ગુંજતા કરનારા દિવાળીબહેનની વિદાયથી એક વરિષ્ઠ, પરિપક્વ અને લોકગાયિકાની ખોટ ગુજરાતી સંગીત જગતને પડી છે.
દિવાળીબેન બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં હતા

દિવાળીબેન ભીલનો જન્મ 2 જૂન, 1943માં અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં દલખાણિયા ગામે થયો હતો. દિવાળીબેનનાં પિતા પુંજાભાઇ રેલ્વેમાં નોકરી કરતાં હતા જ્યારે માતા મોંઘીબેન ગૃહિણી હતા. દિવાળીબેન નવ વર્ષના હતા ત્યારે તેમનાં પિતાને જૂનાગઢ રેલ્વેમાં નોકરી મળતાં તેમનો પરિવાર જૂનાગઢ આવીને વસ્યો. પુંજાભાઇએ જૂનાગઢ આવી પુત્રી દિવાળીબેનને રાજકોટ પરણાવ્યા હતા. પરંતુ પુંજાભાઇને વેવાઇ સાથે વાંધો પડતાં દિવાળીબેનનાં લગ્ન તોડી નાખ્યા હતાં. દિવાળીબેન માત્ર બે દિવસ સાસરે રહ્યાં પછી પિયર પરત આવી ગયાં. અને ભાઇ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યાં. ત્યારપછી તેમણે ક્યારેય લગ્ન કરવાનો વિચાર નહોતો કર્યો.
દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી
દિવાળીબેન અભણ હોવાથી ભાઇને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે નાની-મોટી નોકરી કરતા હતા. તેમજ ડોકટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી. અભણ હોવા છતાં દિવાળીબેન દવાખાનાનું તમામ કામ કરી જાણતા હતા. ઉપરાંત બાલમંદિરમાં નોકરી કરી, નર્સોને ત્યાં રસોઇ બનાવવા જેવી નોકરીઓ પણ કરી હતી. દિવાળીબેનનો તીણો અવાજ અને ઘેરો લહેકો તળપદી ગીતોને માધુર્ય બક્ષે તેવો હતો. આથી તેઓ નવરાત્રીનાં તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતાં. બાળપણથી લોકગીતો, ભજનો ગાવાનો શોખ હતો. તેમજ તેમનો કંઠ મધુર હતો. આથી વણઝારી ચોકની ગરબી લોકોમાં ખુબ પ્રિય બની ગઇ હતી. નવરાત્રીનાં સમયે આકાશવાણીનાં ઉચ્ચ અધિકારીઓ અને ગાયક સ્વ.હેમુ ગઢવી નવરાત્રીનું રેકોર્ડિંગ કરવા જૂનાગઢ આવ્યા હતાં. ત્યારે સૌપ્રથમ વાર લોકોએ દિવાળીબેનને સાંભળ્યા હતા.
બે દિવસ પહેલાં પરીવારને ગીત સંભળાવ્યું, પછી વાચા બંધ
દિવાળીબેન છેલ્લા થોડા દિવસોથી બિમાર હતા. પરમ દિવસે તેમણે ફળિયામાં પરિવારજનોને બેસાડી તેઓ સમક્ષ રામનાં બાણ વાગ્યાં, હરિનાં બાણ વાગ્યાં ગીત ગાયું હતું. બાદમાં ગઇકાલથી તેઓ બોલવા માંગતા હતા. પરંતુ બોલી નહોતા શકતા. વાચા તેમને સાથ નહોતી આપતી. એમ તેમના ભત્રીજા વિજયભાઇએ જણાવ્યું હતું. જ્યારે આજે તેમણે સવારે ભાખરી અને ચા નો નાસ્તો કર્યો હતો. એમ તેમનાં નાનાભાઇ બાલુભાઇએ જણાવ્યું હતું.

પ્રથમ કાર્યક્રમમાં રૂપિયા 5 વળતર મળ્યું હતું
દિવાળીબેને 15 વર્ષની ઉંમરે સૌપ્રથમ વાર રેકોર્ડિંગ કર્યું હતું દિવાળીબેનને સૌપ્રથમ સ્ટેજ પ્રોગ્રામ કાર્યક્રમમાંથી રૂ. 5 વળતર રૂપે મળ્યા હતા. જે જોઇને દિવાળીબેન અચંબામાં પડી ગયા અને ખુશ થયાં હતા. તે વખતે 5 રૂપિયા નાની રકમ ગણાતી.
આગળ ક્લિક કરો અને વાંચો દિવાળીબેને 15 વર્ષની ઉંમરે સૌપ્રથમ વાર રેકોર્ડિંગ કર્યું
X
દિવાળીબેનની ફાઈલ તસવીરદિવાળીબેનની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી