તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભજનનાં કાર્યક્રમમાં મંજીરાની બબાલ, કોળી શખ્સે આધેડને પતાવી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાઃ ગીરગઢડાનાં મઘરડી ગામે સોમવારે ભજનનાં કાર્યક્રમમાં કોળી આધેડે મંજીરા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા કોળી શખ્સે લાકડીનો ઘા માથામાં મારી આધેડને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

મઘરડી ગામે સોમવારનાં રાત્રીનાં સમયે બાપા સીતારામનાં ઓટલા પરની જગ્યા પર ભજનનો કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં આધેડ લાખાભાઇ મેઘાભાઇ પરમાર મંજીરા વગાડવામાં મગ્ન હતા અને ભજનની ભારે રમઝટ જામવા સાથે લોકો ભકિતમય બની ગયા હતાં. દરમિયાન રાત્રીનાં 12 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમમાં આવેલા કોળી શખ્સ બિજલ ડાયા મકવાણા નામનાં શખ્સે લાખાભાઇ પાસેથી મંજીરા વગાડવા માંગતા લાખાભાઇએ મંજીરા હું વગાડું છું તને નહીં આપું એવું કહેતા બસ આ સામાન્ય વાતમાં બિજલે ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરી ક્રોધાવેશમાં આવી લાખાભાઇને લાકડીનો જોરથી ઘા મારી દેતા પડી ગયા હતાં.
આ મામલો ઉગ્ર બનતા ઉપસ્થિત લોકો મામલો થાળે પાડવા લાગી ગયેલ અને એ વખતે લાખાભાઇ ફરી ઉભા પણ થઇ ગયા હતાં. પરંતુ બિજલનાં માથે જાણે કે કાળ સવાર થયો હોય એમ ફરી એક વખત લાખાભાઇનાં માથાનાં ભાગે લાકડીનો જીવલેણ ઘા ઝીંકી દેતા સ્થળ પરજ લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં તેમને તાત્કાલીક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવનાં પગલે ગીરગઢડા પોલીસે હોસ્પિટલે દોડી જઇ મૃતકની બહેન ભાણીબેન ભાલીયાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ વાળા અને સ્ટાફે ગણત્રીની કલાકોમાં જ હત્યારા બિજલને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોળી પરિવારમાં માતમ છવાયો

ભજનનાં ભકિતભર્યા કાર્યક્રમમાં મંજીરા વગાડવાની સાવ નજીવી બાબતે આધેડની હત્યા કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જયારે મોભીનાં મોતથી કોળી પરિવારમાં માતમ છવાયો હતો.
અન્ય સમાચારો પણ છે...