જૂનાગઢ: ઉપરકોટમાં 100 વર્ષ જૂના ફિલ્ટર પ્લાન્ટનું કામ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અવરોધ ઉભો થાય એ પહેલાં ઉપરકોટમાં વોટર વર્કસનાં બ્યુટીફીકેશનની કામગીરી શરૂ)
 
જૂનાગઢ: જૂનાગઢનાં ઉપરકોટમાં નવાબી કાળનો ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે. તે વર્ષોથી બંધ હાલતમાં છે. નવાબનાં સમયમાં લોકોને તેમાંથી પીવાનું શુદ્ધ પાણી મળતું હતું. હવે ફરી લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે મનપાએ પ્રયાસો હાથ ધર્યા છે. અને વર્ષોથી બંધ પડેલા 100 વર્ષ જૂના ફિલ્ટર પ્લાન્ટને પુન:જીવિત કરવાનો પ્રારંભ કર્યો છે. એટલુંજ નહીં અહીં ટર્બાઇન અને બેરલડ્રમનાં જોડાણથી આગામી સમયમાં વિજળીનું પણ ઉત્પાદન કરવામાં આવશે.
 
પ્યોરીફાયરનાં શુદ્ધિકરણની કામગીરી શરૂ કરી છે
 
જૂનાગઢમાં વિકાસનાં કામોમાં કેટલાક લોકો ખોટી દખલગીરી કરતા હોવાથી મનપાએ શાંત ઢબેથી નવાબીકાળનાં બંધ રહેલા પ્યોરીફાયરનાં શુદ્ધિકરણની કામગીરી શરૂ કરી છે. એક સદી પહેલાં આ પ્યોરીફાયરની સ્થાપના થઇ હતી. ત્યારબાદ તે દાયકાઓથી બંધ છે. મનપાએ વડોદરાની ટીમને બોલાવી ભંગાર હાલતમાં રહેલા ટર્બાઇનને ફરી ચાલુ કરાવ્યો છે. એક અનોખા આયોજન મુજબ આ એન્ટીક ટર્બાઇન અને બેરલડ્રમનાં જોડાણથી ઓરડા પૂરતી વિજળીનું ઉત્પાદન કરાશે. ચાર તબક્કાની કામગીરી પ્રમાણે પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ છે. શુદ્ધ પાણી માટે તેમજ ફરવાલાયક સ્થળ તરીકેનું આયોજન સ્પષ્ટ છે.
 
કાદવ કાઢતાં 30 હજાર લિટર પાણી વધુ સમાશે
 
વડોદરાની ટીમમાં રાહુલ શર્મા અને મનીષ વડગામાએ ઉપરકોટનાં તળાવમાંથી 7 ફૂટ કાદવનો નિકાલ કર્યો હતો. જેનાં કારણે 30 હજાર લિટર પાણીનો વધુ સંગ્રહ શક્ય બન્યો છે. આથી જૂનાગઢમાં એકથી દોઢ દિવસ સુધી વધારે પાણી ચાલશે.
 
એપ્રિલનાં અંત સુધીમાં કામ પૂર્ણ થવાનો અંદાજ
 
પ્યોરીફાયર જૂનું હોવાથી કાટ લાગ્યો છે. કામ અઘરૂં છે. એટલે થોડી વાર લાગે તેમ છે. તેના અમુક પાર્ટસ બહારથી મંગાવવા પડે છે. લગભગ એપ્રિલ માસનાં અંત સુધીમાં આ કામ પૂર્ણ થશે.- વી. જે. રાજપુત, કમિશ્નર, મનપા
 
પ્રાયોગિક ધોરણે ખાનગી કંપની ખર્ચ ભોગવે છે
 
પ્રાથમિક તબક્કો હોવાથી કામગીરી શક્ય છે કે કેમ ? તે જાણવા માટે હાલ તો વડોદરાની કંપની ખર્ચ કરે છે. તેમજ ઉપરકોટમાં બ્યુટીફીકેશન માટે અમુક ભાગમાં સફાઇ પણ કરી છે.
 
રાજકીય કિન્નાખોરીનો ભોગ ન બને એ જોવું રહ્યું
 
જૂનાગઢમાં અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાં છે. જેના કારણે આજે પણ આ પ્રોજેકટ અદ્ધરતાલ છે. તેનું જાગતું ઉદાહરણ એફએમ રેડિયો, નરસિંહ મહેતા તળાવ બ્યુટિફીકેશનનું કામ છે. આ પ્રોજેક્ટ પણ રાજકીય કિન્નાખોરીનો ભોગ ન બને અને તંત્રને સ્વતંત્ર રીતે કામ કરવા દેવાય એ પણ જૂનાગઢનાં વિકાસ માટે જરૂરી છે.
 
બહાઉદ્દીન વોટર વર્કસ તરીકે ઓળખાતું
 
ઉપરકોટમાં તળાવનો પાયો 22મી માર્ચ 1897નાં રોજ નંખાયો હતો. ત્યારબાદ દાયકાનાં બાંધકામ બાદ પાણીનાં શુદ્ધિકરણ માટે ફિલ્ટર પ્લાન નંખાયો હતો. ત્યારે તે બહાઉદ્દીન વોટર વર્કસ તરીકે ઓળખાતું હતું.
 
ચાર તબક્કામાં શું કામગીરી હોઇ શકે ?
- પ્રથમ તબક્કામાં ટર્બાઇન રીપેર કરવું
- દ્વિતીય તબક્કામાં બેરલડ્રમની સફાઇ અને સતત ફરશે
- તૃતીય તબક્કામાં વિજળી ઉત્પન્ન થશે
- ચોથા તબક્કામાં તે એન્ટીક હોવાથી પ્રવાસીનું આકર્ષણ વધશે
અન્ય સમાચારો પણ છે...