જે બાળકને લંડનની સ્ત્રી દત્તક લેવાની હતી તેની દલાલી માટે અપહરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદનાં માણેકવાડા પાસે એક પટેલ કિશોરનું બે બુકાનીધારીઓએ અપહરણ કરી તેને મારી નાંખવા પ્રયાસ થયો હતો. પરંતુ તેની સાથે રહેલા તેના બનેવીને અપહરણકારો સાથે મારામારી થઈ હતી. જેમાં કિશોર અને તેના બનેવીને ઈજા થઈ હતી.

માળિયા હાટીનામાં રહેતા હરસુખ છગન કરડાણી તેમના સાળા ગોપાલ સેજાણી (ઉ. 11) સાથે ગઇકાલે રાત્રે 11:30 વાગ્યાનાં અરસામાં હોન્ડા સિટી કારમાં માળિયા હાટીના પાછા આવતા હતાં. ત્યારે ઉલ્ટી થતાં કાર રોકી હતી. એ દરમ્યાન બે બુકાનીધારી બાઇકસવારો આવ્યા હતા. અને ગોપાલને ઉઠાવી જવા પ્રયાસ કર્યો હતો. એ વખતે હરસુખભાઇએ તેમનો સામનો કરતાં તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આથી બંને શખ્સોએ હરસુખભાઇનાં પેટમાં છરી મારી બાદમાં ગોપાલને બાઇક પર ઉઠાવી ગયા હતા.

છરી મારીને નાસી ગયા
જો કે, તેઓએ રસ્તામાંજ ગોપાલના પેટમાં પણ છરી મારી તેને પણ રસ્તા પર મૂકી નાસી ગયા હતા. હાઇવે પરથી પસાર થતા એક રીક્ષા ચાલકનું ધ્યાન જતાં તેણે ગોપાલને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન હરસુખભાઇ સહિતનાંને ગોપાલને ઉતારી દીધાની ખબર પડતાં તેને અને હરસુખભાઇને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે હરસુખભાઇએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જૂનાગઢ એલસીબીએ બે શખ્સોને દબોચી લઇ તેની આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં કેશોદનાં એક દરબાર શખ્સને બાળક પોતાને હસ્તક દત્તક અપાય તો પૈસા મળે એવી લાલચ જાગી ઉઠી હતી.

દત્તક લેનાર મહિલાનો ભાઈ હતો હાજર
લંડન સ્થિત એનઆરઆઈ આરતીબેન ગોપાલને દત્તક લઈ રહ્યા છે. અને તેના પાસપોર્ટની કાર્યવાહી માટે  બુધવારે ટ્રેનમાં રાજકોટ ગયા હતા. બાદમાં આરતીબેનનાં ભાઈ મિતેષભાઈની કારમાં તેઓ માળિયા હાટીના પરત ફરતા હતા. જેમાં મિતેષભાઈનો કાર ડ્રાયવર પણ સાથે હતો.

પિતાનું મોત, માતાએ બીજું ઘર માંડ્યું
ગોપાલના પિતા ગોવિંદભાઈ વેરાવળ ખાતે રેલ્વેમાં નોકરી કરતા હતા. છ વર્ષ પહેલાં તેમનું બિમારીથી મોત થયું હતું. બાદમાં પાંચેક મહિનામાં જ માતાએ પણ નવું ઘર માંડ્યું હતું. તે 6 ભાઈબહેનમાં સૌથી નાનો છે. બે બહેનોના લગ્ન થઈ ગયા છે. આથી તે પરિણીત બહેન સાથે હરસુખભાઈને ત્યાં રહે છે. તેનો મોટો ભાઈ રીક્ષા ચલાવી પેટિયું રળે છે.

7 વર્ષનો હતો ત્યારથી બહેન-બનેવી પાસે છે ગોપાલ
પિતાના મૃત્યુ બાદ બે બહેનો સાથે ગોપાલ પણ તેના બેન-બનેવી પાસે માળીયા હાટીનામાં રહેતો હતો. બનેવી હરસુખભાઈને રાજકોટના સંપર્કથી લંડનના આરતીબેનને બાળક દત્તક લેવાની ઈચ્છા હોવાની ખબર પડતાં તેમનો સંપર્ક કરીને સમગ્ર વિધિ પૂર્ણ કરી હતી. બુકાનીધારી અપહરણકારો સાથે ઝપાઝપી થતાં બાળક અને તેના બનેવીને છરી ભોંકી દીધી  અને રીક્ષા ચાલક દવાખાને લઈ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...