જૂનાગઢઃ સમઢિયાળા ગામે દલિત યુવાનો પર થયેલા અત્યાચારનાં પગલે રાજયભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. તેમજ દલિત સમાજે રાજય બંધનું એલાન આપ્યું હતુ.જેના પગલે જૂનાગઢ શહેર સવારથી સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ સવારથી દુકાને જ આવ્યા ન હતા.તેમજ દિવસભર દુકાનો બંધ રાખી હતી અને દલિત સમાજનાં બંધને સહકાર આપ્યો હતો. જૂનાગઢમાં દલિત સમાજ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દેખાવ કર્યા હતા.
સમઢિયાળાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત : દલિત સમાજ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યો દેખાવ
જૂનાગઢમાં સવારનાં સરદાર બાગ પાસે જૂનાગઢ શહેર અને જીજરી, સરદારગઢ, વેડવા, સુડવા, ધણફુલિયા સહિતનાં આસપાસનાં ગામનાં દલિત સમાજનાં લોકો રીક્ષા, ટ્રકમાં એકઠા થયા હતા.સરદારબાગ ખાતે એક કલાક કરતા વધુ સમય સુત્રોચ્ચાર કર્યા હતા.બાદ દલિત આગેવાન અને પૂર્વ મેયર લાખાભાઇ પરમારની આગેવાનીમાં રેલી યોજી હતી.કલેકટર કચેરી સુધી રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યુ હતું. અધિક કલેકટર આર. જી. જાડેજાને નીચે આવ્યા હતા. અને દલિત સમાજને સાંભળ્યા હતા.
દરેક સમાજે ટેકો આપતાં તમામનો આભાર માન્યો
દલિત સમાજનાં બંધને લઇ એસપી નિલેશ જાજડિયાની સુચનાથી ડીવાયએસપી એ.વી.ગખ્ખરનાં માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી,એ, બી, સી, તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રહ્યો હતો.તેમજ દિવસભર પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતુ. જૂનાગઢમાં બંધ દરમિયાન સંપૂર્ણ શાંતી રહી હતી. તેમજ જીતુભાઇ મણવર, દિનેશભાઇ પાતર, મુકેશભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ દાફડાએ જણાવ્યું હતું કે, બંધનાં એલાનને દરેક લોકો અને દરેક સમાજે ટેકો આપતાં તમામનો આભાર છે. જોકે, પ્રાંત અધિકારી એમ.ડી. સીણોજીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શાંતિપૂર્ણ માહોલમાં બંધ રહ્યું હતું.
કોંગ્રેસની રેલીમાંથી દલિતો જુદા પડી ગયા
જિલ્લા કોંગ્રેસનાં અનુસુચિત જાતી સેલ દ્વારા સરદાર બાગથી રેલી યોજવામાં આવી હતી. જોકે રેલી દરમિયાન કેટલાક દલિત સમાજનાં લોકો જુદા પડી ગયા હતા.અને કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસ લાભ ખાંટવા માંગે છે. કોંગ્રેસે રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આ તકે અનુસુચિત જાતી સેલનાં પ્રમુખ ચંદુભાઇ આલાભાઇ પરમાર, રાજુ સોલંકી સહતીનાં હાજર રહ્યા હતા. અને દલિત યુવાનો પર અત્યાચાર કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....