જૂનાગઢમાં ફરસાણ, મિઠાઇ, દૂધ, ઘી વગેરેમાં બેફામ ભેળસેળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ મીઠાઇ, ફરસાણ, દૂધ, ઘી વગેરની ડિમાન્ડમાં જબ્બર વધારો થયો છે. ત્યારે આ ઘરાકીનો ગેરલાભ ઉઠાવવાની તમન્ના ધરાવતા અનેક વેપારીઓ માત્રને માત્ર કમાઇ લેવાની લ્હાયમાં ભેળસેળને જાણે મુખ્ય વ્યવસાય બનાવી દીધો હોય તેમ બેફામ પણે ભેળસેળ શરૂ કરી દીધી છે. જન આરોગ્યની જરા પણ ચિંતા કર્યા વિના માત્રને માત્ર ગ્રાહકીનો પૂરે પૂરો ગેરલાભ ઉઠાવી લેવાની વૃત્તિ ધરાવતા અનેક વેપારીઓએ ખાધ્ય ચિજોમાં મોટાપાયે ભેળસેળ શરૂ કરી દીધી છે.
 
ત્યારે કોર્પોરેશન તંત્રની ફૂડ શાખાએ હવે આવા ભેળસેળીયા તત્વો પર ઘોંસ બોલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા તત્વો સામે કાયદાનો દંડો પછાડવાનો સમય પાકી ગયો છે. જૂનાગઢ શહેરના અનેક વેપારીઓ જાણે કે ભેળસેળના કાયદાથી પર હોય તેમ બિન્દાસ્ત રીતે, ખુલ્લેઆમ ભેળસેળ કરી રહ્યા છે.
 
આમ કરીને તેઓ જાણે કે કોર્પોરેશનની ફૂડ શાખાને પડકાર ફેંકી રહ્યા હોય તેવી માહોલ ઉભો કરી રહ્યા છે. શા માટે આવા તત્વોને કાયદાનોકોઇ ડર નથી રહ્યો તે સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યો છે. ત્યારે લોકોના મનમાં કોર્પોરેશનની ફૂડ શાખાની કામગીરી પ્રત્યે ઉઠતા શંકાસ્પદ સવાલોના નિરાકરણ માટે પણ કોર્પોરેશનની ફૂડ શાખાએ મેદાનમાં આવવાની જરૂર છે અને ભેળસેળીયા તત્વોને કાયદાનું ભાન કરાવવાની તાતી જરૂરીયાત છે.
અન્ય સમાચારો પણ છે...