'બર્થડે નથી ઉજવવો, મારે બાળકોને નોટ-પેન આપવા છે'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રેરણા: દિવ્ય ભાસ્કરનું શિક્ષણની જ્યોત અભિયાન વાંચ્યા બાદ માત્ર 9 વર્ષની માસુમ બાળકી પ્રેરાઇ
- ભરૂચની છાત્રા જૂનાગઢ નાનાને ઘેર વેકેશન માણવા આવી છે

જૂનાગઢ: દિવ્ય ભાસ્કરે પ્રગટાવેલી શિક્ષણની જ્યોત અભિયાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દિવ્ય ભાસ્કરનાં અભિયાનથી પ્રેરાઇને ભરૂચની નાનકડી એવી ધો. 4માં અભ્યાસ કરતી છાત્રાએ પોતાનાં જન્મ દિવસે કેક કાપવાને બદલે જરૂરીયાતમંદ બાળકો માટે નોટ-પેન આપવા પોતાનાં નાન-નાનીને કહ્યું. તેમણે દિવ્ય ભાસ્કર કાર્યાલયે કહ્યું હતું કે, મારે બર્થડે નથી ઉજવવો. પણ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવી છે.

જેનામાં ભણવાની ધગશ છે. પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાનાં કારણે ભણી શકતા નથી. એવાં બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે દિવ્ય ભાસ્કરે અભિયાન શરૂ કર્યું છે. જેમાં શાળા સંચાલકો, સામાજીક સંસ્થાઓ, દાતાઓ આગળ આવી રહ્યા છે. પરંતુ દિવ્ય ભાસ્કરનાં અભિયાનથી પ્રેરાઇ 9 વર્ષની નાગર ક્રિષ્ના મનિષભાઇ આગળ આવી છે. ક્રિષ્ના ભરૂચમાં ધો. 4માં અભ્યાસ કરે છે. પરંતુ હાલ વેકેશનમાં જૂનાગઢ પોતાનાં નાના-નાનીને ઘેર આવી છે. ક્રિષ્ના રોજ છાપું વાંચે. તેણે દિવ્ય ભાસ્કરમાં શિક્ષણની જ્યોત અભિયાન વિશે વાંચ્યું હતું.

આજે તા. 29નાં રોજ તેનો જન્મ દિવસ હતો. આજનાં બાળકોમાં સામાન્ય રીતે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ છે. પરંતુ ક્રિષ્નાનાં વિચારો હિમાલય જેવા ઉંચા છે. તેણે નાના-નાનીને કહ્યું, મારે જન્મ દિવસે જરૂરિયાતમંદ બાળકોને નોટ-પેન આપવાં છે. કેકનો ખર્ચ ન કરતા. નાના જગદીશભાઇ યાદવે દોહિત્રીની માંગણી પ્રમાણેજ નોટ, પેન, પેન્સિલ, રબ્બર, વગેરે સ્ટેશનરીની વસ્તુઓ ખરીદી. અને ક્રિષ્નાને લઇ દિવ્ય ભાસ્કરની ઓફીસે આવ્યા. અને 5 ડઝન નોટબુક, 11 બોકસ પેનસીલ, 2 બોકસ બોલપેન, 6 બોકસ ચેક રબ્બર, 2 બોકસ સંચો અને 46 નંગ ફુટપટ્ટી આપી. ક્રિષ્નાએ કહ્યું, દિવ્ય ભાસ્કરમાં વાંચી આવા બાળકોને મદદ કરવાનુ મને મન થયું.

મેં નાનીને વાત કરી હતી. તેમણે મને મદદ કરી મારા જન્મ દિવસે બાળકો માટે નોટ, પેન લઇ આપવામાં મદદ કરી છે. મારા દરેક જન્મ દિવસે હું જરૂરીયાતમંદ બાળકોને કંઇને કંઇ આપું જ છું. એક નાની બાળકીનાં હિમાલય જેવડા ઉંચા વિચારો મોટેરાંને પણ નતમસ્તક કરી દે એવા છે. કરોડો રૂપિયા કમાતા કેટલાય લોકોને જાણે આ બાળકી કંઇક કહી ગઇ હોય એવું લાગ્યા વિના રહેતુ નથી.
અન્ય સમાચારો પણ છે...