પરબમાં સીએમનું હેલિકોપ્ટર ન ઊડ્યું, કારમાં સતાધાર જવું પડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 ભેંસાણ: અષાઢી બીજ નિમીતે મુખ્યમંત્રી પરબ દર્શન કરી સતાધાર હેલીકોપ્ટર મારફત આવવાના હતા, પરંતુ બપોર બાદ વિસાવદર પંથકમાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસતા હેલીકોપ્ટરને અનુકુળ વાતાવરણ ન હોવાના કારણે મુખ્યમંત્રી પરબથી હેલીકોપ્ટરને બદલે મોટર માર્ગ સતાધાર આવ્યા હતા.
 
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અષાઢી બીજ નિમિત્તે બપોરે ત્રણ કલાકે પરબ આવી દર્શન કર્યા હતા. ત્યાર બાદ સાડાચાર વાગ્યાની આસપાસ વિસાવદરના સતાધાર રોડ પરના હેલીપેડ હેલિકોપ્ટર મારફત આવી સીધા સતાધાર જઇ આપાગીગાની સમાધીનાં દર્શન કરી મુખ્યમંત્રી  હેલીકોપ્ટર મારફત પરબ પહોંચ્યા હતા. પરંતુ વરસાદી માહોલ હોવાના કારણે હેલિકોપ્ટરને  વિસાવદરને બદલે રાજકોટ મોકલી દીધું હતું અને મુખ્યમંત્રી રૂપાણી મોટર માર્ગે સતાધાર આવવા નિકળ્યા હતા. 
 
ભારે વરસાદના કારણે સતાધાર પરબના મેઇન રસ્તાના બદલે સીએમના કાફલાને  પરબથી ભેંસાણ અને ભેંસાણથી મોટાકોટડા  થઇ માણેકવાડા અને વિસાવદરથી સતાધાર સુધી જવા માટે 15 કિમીનું વધારે અંતર કાપવુ પડયું હતું. ત્યારબાદ સીએમે ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી.અને પ્રસાદ લઇ મોટર માર્ગે જૂનાગઢ એન ત્યાથી રાજકોટ ગયા હતા. 
 
ભેંસાણ પાસેના પરબ ધામમાં અષાઢી બીજનો મેળો જામ્યો હતો. અને 5 થી 7 લાખ જેટલા લોકો ઉમટી પડયા હતા. આ તકે રૂપાણીએ જણાવ્યું હતું કે અમરમાં અને દેવીદાસબાપુએ રક્તપિતયા અને દુખીયારાઓની સેવાકરી પોતાનું જીવન સમર્પિત કર્યું ત્યારથી જ બીજનાં મેળાનું મહાત્મ વધ્યું છે. 
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગાયોની કતલ કરનારાઓને સરકાર કડક સજા કરશે. અને ગૌવંશની હેરાફેરી કરતાં વાહનો અને વેચનારાઓને પણ સજા કરાશે. ખેડૂતોની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સૌની યોજના અંતર્ગત રાજકોટમાં હાલ નર્મદાનું પાણી પહોંચી ગયું છે. આવનારા સમયમાં ખેડૂતોનાં ખેતરો સુધી પાઇપ લાઇન મારફત પાણી પહોંચાડાશે.
અન્ય સમાચારો પણ છે...