ઊના: જમીનનાં પ્લોટીંગ પ્રકરણમાં બાબરીયા RFOની ગોધરા બદલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વન વિભાગની જમીનને રેવન્યુ બતાવી સરકારી અધિકારીઓએ પ્લોટ મેળવ્યા હતા

ઊના: ગીરગઢડા તાબેનાં બાબરીયા રેન્જની વન વિભાગની જમીનને રેવન્યુ બતાવી સરકારી અધિકારીઓએ ખોટા દસ્તાવેજોનાં આધારે પ્લોટ મેળવી લીધા બાદ આરએફઓની સંડોવણી પણ ખુલવા પામતા ખાતાકીય કાર્યવાહી બાદ તેમની ગોધરા ખાતે બદલી કરી દેવાનો હુકમ થયો છે.ગીરગઢડા તાબેનાં બાબરીયા રેન્જની વન વિભાગની જમીનને રેવન્યુ બતાવી 7 જેૃટલા સરકારી અધિકારીઓએ ખોટા દસ્તાવેજોનાં આધારે પ્લોટ મેળવી લીધા બાદ આ જમીનમાં મોટાપાયે ખોદકામ કરી વૃક્ષોનું નિકંદન પણ કાઢી નાંખ્યું હતું.

ત્યારબાદ ઊનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે વનવિભાગની મિલીભગતથી આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરતા આ પ્લોટ મેળવનારમાં બાબરીયાનાં આરએફઓ કે.ડી.ચાવડાની પણ સંડોવણી બહાર આવી હતી. પોતાની ફરજવાળી જગ્યાથી માત્ર થોડા અંતરે ચેકપોસ્ટ નજીક આ વન્યબાબુએ પણ પ્લોટની માંગણી કરી હતી અને ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઘણા લાંબા સમયથી તેમની સામે ખાતાકીય કાર્યવાહી ચાલતી હતી.

આખરે અગ્ર મુખ્ય વનસંરક્ષકની કચેરી ગાંધીનગરે ગત 27 મે 2015નાં રોજ આરએફઓ ચાવડાની સંતરામપુર રેન્જ ગોધરા ખાતે બદલી કરતો હુકમ કર્યો છે અને બદલીવાળી જગ્યાએ તાત્કાલીક હાજર થવા આદેશ કરાયો છે. એટલું જ નહીં સંબંધીત અધિકારી મળવાપાત્ર જોઇનીંગ ટાઇમ ઉપરાંત જો રજા પર રહેશે તો આવી રજાઓ બિનઅધિકૃત ગેરહાજરી તરીકે ગણવામાં આવશે એવું પણ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે. જમીન કૌભાંડમાં હાલ આરએફઓની બદલી થઈ છે ત્યારે આગળનાં તબક્કે હવે કોનો વારો આવશે તે પણ ચર્ચાઈ રહ્યું છે.

કૌભાંડ બહાર આવ્યા બાદ અજાણનું ગાણું ગાતા’તા

આરએફઓ ચાવડા પોતાના બીટ વિસ્તારની હદ જાણતા હોવા છતાં રેવન્યુ કર્મચારી અને અધિકારીઓ સાથે મીલીભગત કરી 200 ચો.મી.નો પ્લોટ મંજુર કરાવી લીધો હતો. આ કૌભાંડ બહાર આવ્યા બાદ જે તે સમયે તેઓ કશુ બોલવા તૈયાર ન હતાં અને પોતે સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું ગાણું ગાતા હતાં.
અન્ય સમાચારો પણ છે...