જૂનાગઢ: ચોમાસાની શરૂઆત થતાની સાથેજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા જોવા મળી રહી છે. શહેરના દાતાર રોડ વિસ્તારના લોકો ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં આવેલી ગટર જામ થઇ જતા પાણીનો નિકાલ થઇ શકતો નથી. પરિણામે રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ અંગે અનેક વખત તંત્રને રજુઆત કરવામાં આવી છે પરંતુ આ તરફ જોવાની પણ જાણે કોર્પોરેશનના જવાબદારોને ફુરસત ન હોય તેમ જણાય રહ્યું છે.
રોગચાળો ફાટી નિકળે તે પહેલા કામગીરી કરાશે ? લોકોમાં ઉઠતા સવાલો
આ વિસ્તારમાં ગટરના દુર્ગન્ધ યુકત પાણીથી અનેક પ્રકારનો રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત વ્યકત થઇ રહી છે. ત્યારે રોગચાળો અજગર ભરડો લે તે પહેલા કોર્પોરેશન તંત્ર આ મામલે યોગ્ય પગલાં લે તેવી સ્થાનીક રહેવાસીઓમાંથી માંગ ઉઠી રહી છે. માત્ર સામાન્ય વરસાદમાં જ આ સ્થિત સર્જાઇ હોય ધોધમાર વરસાદમાં કેવી સ્થિત સર્જાશે તેની તો કલ્પનાજ કરવી રહી. ગટર જામ થવાના કારણે થોડા સમય પહેલા કોર્પોરેશને કરેલી પ્રિ- મોન્સૂન કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. આ કામગીરી ખરેખર થઇ છે કે પછી માત્ર કાગળ પરજ કામગીરી કરવામાં આવી છે તેની પણ તપાસ થવી જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.