રાજ્યના તમામ બંદર પર બોટનો ખડકલો, 13000 બોટને 45 કરોડનું નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: ઓખી વાવાઝોડાને કારણે રાજ્યના માછીમારી ઉદ્યોગને અંદાજે 45 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.  માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટોને ઓખી વાવાઝોડાને અધવચ્ચેથી પાછા આવવું પડ્યું હતું. જેના કારણે તેમને ડિઝલ, રાશન, બરફ, ફિશિંગ નેટ સહિતની સામગ્રીનું એક બોટ દીઠ રૂ. 30થી 40 હજારનું નુકસાન થયું હોવાનું વેરાવળ માછીમાર એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું.  કમોસમી વરસદાને કારણે જગતના તાતને ઊભા પાક અને ખેતરમાં ખુલ્લામાં પડેલા તૈયાર માલનું પણ મોટું નુકસાન ગયું છે.

 

પોરબંદરમાં બોટના જમાવડાને પગલે ૩ બોટ પલટી ગઈ

 

ઓખી નામનું વાવાઝોડુ દરીયામાં સમાઈ જતા દરીયો પણ ધીમે ધીમે શાંત થઈ રહયો છે ત્યારે આજે પોરબંદરના જુના બંદરમાં પાર્ક કરવામાં આવેલી બોટોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમ્યાન દિવ્યગંગા, વિજય સાગર સહિતની ૩ બોટો ઉંધી વળી ગઈ હતી જેને કારણે બોટના મોટા ભાગને નુકશાન થયુ હતુ જેથી બોટ માલિકોને ૧૦ થી ૧રલાખ રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. પોરબંદરના બંદરમાં ૧ર૦૦ બોટ સમાઈ શકે તેટલી જ જગ્યા હોય તેમ છતા ૧પ૦૦થી પણ વધુ બોટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામે ભારે ધસારો થયો હતો.

 

માછીમારો ફરી દરિયામાં જવા તૈયાર, ડીઝલ પુરવા અને બરફની ખરીદી શરૂ કરાઈ

 

મંગળવારે મોડી રાત્રે ઓખી વાવાઝોડુ ફંટાઇ જતાં વાતાવરણ શાંત થઇ ગયુ હતું અને દરિયાનાં મોજા ઉછળતા બંધ થઇ જતા માછીમારોએ માછીમારી કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.તમામ બોટનાં માલિકોએ ફરી બોટમાં ડિઝલ પુરવા અને બરફની ખરીદી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાનાં પગલે મોટાભાગની બોટ માછીમારી કર્યા વિના પરત ફરી હોય બોટ માલિકોને આર્થિક નુકસાન વેઠવુ પડ્યુ હતું. તંત્રની સૂચના બાદ તમામ બોટ ફરી માછીમારી કરવા રવાના થશે.

 

સૂકી મચ્છી અને કપાસ પલળી ગયાં


ઓખી ચક્રાવાતને પગલે ગઇકાલે રાજુલા જાફરાબાદ પંથકમા આખો દિવસ છુટીછવાઇ મેઘમહેર થઇ હતી. જેને પગલે રાજુલા જાફરાબાદમા સુકવેલી મચ્છી પલળી જતા માછીમારોને વ્યાપક પ્રમાણમા નુકશાની થઇ હતી. તો કપાસના પાકને પણ નુકશાની થઇ હતી. સરકાર દ્વારા નુકસાની નો સર્વે કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે. 


બેટદ્વારકામાં ફેરી સર્વિસ શરૂ કરાઇ


દેશના પશ્ચિમી ક્ષેત્રમાં ઓખી ચક્રવાતે હાહાકાર મચાવી દેતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી.પરિણામે બેટ દ્વારકામાં દરિયામાં ચાલતી યાત્રિકો માટેની ફેરીબોટને પણ તાકિદે બંધ કરવામાં આવી હતી.જોકે ઓખી વાવાઝોડુ શાંત થતા બેટદ્વારકામાં ફેરીબોટની સવિધા ફરી કાર્યરત કરવામાં આવી છે. 

 

બોટ દીઠ 30 થી 40 હજારનું નુકસાન


એકલા વેરાવળનીજ 2500 બોટો ફિશીંગમાં ગઇ હતી. જેમાં ડીઝલ, રાશન, બરફ, ફિશીંગ નેટ, સહિતનું મુખ્ય નુકસાન થયું છે. બોટ દીઠ નુકસાનીનો આંકડો 30 થી 40 હજારનો થાય. એ રીતે જોતાં એકલા વેરાવળનાં બોટો માલિકોને 13 થી 15 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. - તુલસીભાઇ ગોહેલ, પ્રમુખ-માછીમાર બોટ એસો., વેરાવળ

 

 

અન્ય સમાચારો પણ છે...