બે નંબરી માલની હેરફેર માટે GST નંબરોનો ઉપયોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની જે 9 વેપારી પેઢીઓનાં નામે ઇ વે બીલો બન્યાં છે એ બધામાં એ વેપારીઓનાં જીએસટી નંબરોનો ઉપયોગ થયો છે. એ નંબરો કાંઇ રેઢા નથી હોતા. આ માટે જેતે પેઢીનાં માલિકનાં પાન કાર્ડનો ઉપયોગ થયાનું જીએસટીએ સ્પષ્ટ કર્યું છે. વળી ઇ વે બીલો જનરેટ કરવા હોય તો જીએસટી નંબર વિના એ શક્ય નથીજ નથી. જીએસટીનાં સુત્રોએ જણાવ્યું કે, આ ઇ વે બીલો જનરેટ કરવા જે તે વેપારી પેઢીનાં માલિકોનાં પાન કાર્ડ મેળવી તેના આધારે જીએસટી નંબરો મેળવીને ઇ વે બીલો જનરેટ કરાયા હતા. તેમાં વેપારીઓની સંમતિ હતી કે નહીં, વળી આવા ઇ વે બીલો નિકળ્યા હોય અને પોતે માલ ન મોકલ્યો હોય તો પણ જેતે પેઢીએ તો જીએસટી ભરવો જ પડે. તો આવા સંજોગોમાં તેઓએ આ પ્રકારની ફરિયાદ કરી કે નહીં ? આ બધા મુદ્દાને લઇને તપાસ થઇ રહી છે. આ કૌભાંડ ક્યારથી ચાલતું હતું અને આ સિવાય બીજી કોઇ પેઢીઓનાં આ રીતનાં ઇ વે બીલો જનરેટ થયા છે કે નહીં, એ બધી બાબતો પણ ચકાસાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ટૂંકા ગાળામાં બીલો જનરેટ થતાં શંકા ગઇ
ઇ વે બીલ જનરેટ કરતી આખી સીસ્ટમ પર જીએસટી તંત્રની સતત વોચ હોય છે. જેમાં આ પેઢીઓનાં નામે ટૂંકા ગાળામાં આટલી મોટી રકમનાં બીલો જનરેટ કરાતાં શંકા ગઇ હતી. અને તેના આધારે તપાસ કરાતાં આખું ભોપાળું બહાર આવ્યું હતું. હકીકતે કોઇપણ પેઢીને ઇ વે બીલ જનરેટ કરવા માટેનો તેના વેપાર, અગાઉ નિકળેલા ઇ વે બીલો, વગેરે બાબતોને લઇને ચોક્કસ સમયગાળો હોય છે. આ સમયગાળા કરતા ટૂંકા ગાળામાં આ બીલો જનરેટ થયા હતા.

ઇ વે બીલની જોગવાઇ |જીએસટી લાગુ પડ્યા બાદ જે માલને છૂટ મળી હોય તેના સિવાયના 50 હજારથી વધુની કિંમતના માલને શહેરની બહાર મોકલવો હોય ત્યારે ઇ વે બીલની જરૂર પડે છે. અને તે ઓનલાઇન જનરેટ થાય છે. જીએસટી તંત્ર ટ્રકો રેન્ડમ પદ્ધતિથી રોકીને તેમાંના માલ અને ઇ વે બીલનું વેરીફિકેશન કરતું હોય છે. ઇ વે બીલ ફકત જીએસટી નંબર હોય તો જ જનરેટ થાય.

સીધી વાત
સવાલ | નવેયનાં બીલો કોઇ એકજ વ્યક્તિએ જનરેટ કર્યા ?

જવાબ | એની તપાસ ચાલુ છે.

સવાલ | નવેય વેપારીઓને તેની ખબર હતી ?

જવાબ | એ પણ તપાસનો વિષય છે. અમારી ટીમો તેના પર જ કામ કરી રહી છે.

સવાલ | આ બીલો પર સીંગદાણા ગયા છે ?

જવાબ | હા.

સવાલ | બે નંબરી માલની હેરફેર માટે આ વેપારીઓનાં જીએસટી નંબરોનો ઉપયોગ થયો ?

જવાબ | હા.

વી.એમ.ગુર્જર, જોઇન્ટ ડાયરેકટર, જીએસટી

બે નંબરી માલ માટે ઇ વે બીલનો ઉપયોગ કરાયો
અન્ય સમાચારો પણ છે...