જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ચેટીચંડની ભવ્ય ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ અને સોરઠભરમાં સિન્ધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ સાહેબના પ્રાગટ્ય દિને સિંધી નુતન વર્ષની ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ હતી. જૂનાગઢ ખાતે સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન તથા ભારતીય સિન્ધુ સભા દ્વારા નિલકંઠ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 5 વાગ્યાથી જ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત પુલવામાના શહિદોને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ નવયુવાનો-બાળકો દ્વારા પ્રદર્શીત કરાયો હતો અને દેશ પ્રત્યેની ભાવના વધુ સુદ્રઢ બનાવવા સૌને પ્રેરીત કરાયા હતા. સિન્ધી બાળકો અને મહિલાઓ દ્વારા સિન્ધી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા સ્ટેજ શો અને ગ્રુપ ડાન્સ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. જામનગરના પ્રખ્યાત સિન્ધી સીંગર વિનુ જહાંગીયાણી તથા જૂનાગઢના ગીરીશભાઇ વિદ્યાણી દ્વારા સિન્ધી ગીતોની ધુમ મચાવવામાં આવી હતી. આ ઉપરાંત બહિરાણા સાહેબની ઘરમાં પધરામણી કરવામાં આવી હતી. આવતીકાલ તા.7 નાં રોજ વિશાળ શોભાયાત્રા યોજાશે. જેમાં સોરઠભરમાંથી જ્ઞાતિબંધુઓે જૂનાગઢ આવી પહોંચશે અને શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાશે. શોભાયાત્રા દરમિયાન લોકો માટે ઠંડાપીણા, પાણી, શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ તકે માત્ર સિંન્ધીબંધુઓ જ નહિ અન્ય લોકો પણ જોડાઇને શોભાયાત્રાનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...