તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડર ડરમાં ફરક છે, સર્જીકલ સ્ટ્રાઇકથી કોંગ્રેસ ડરી ગઇ : મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે દેશમાં એક ડરનું વાતાવરણ બનાવાયું છે. પણ ડર ડરમાં ફરક છે. સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી કોંગ્રેસ ડરી ગઇ છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે દેશમાં, અમદાવાદમાં બોંબ ધડાકા થતા હતા. ત્યારે તમને સામો જવાબ આપતાં કોણે રોક્યા હતા ? જો તમારામાં જવાબ આપવાનું નૂર ન હોય તો અમને તો એ કામ કરવા દો. હવે જ્યાંથી એવા લોકોને ખાતર પાણી મળે છે એ પાકિસ્તાનમાં તેને ઉગતુંજ પૂરું કરી નાંખવું છે. મારે તો ખાલી એટલું કહેવાનું હોય કે, તમને છૂટ છે ભાઇ. એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ખાતેની જાહેરસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું.

ભાજપનો ટ્રેક રેકોર્ડ અને કોંગ્રેસનું ટેપરેકોર્ડર
ભાજપનો ટ્રેક રેકોર્ડ | વડાપ્રધાને ભાજપના ટ્રેક રેકોર્ડમાં આતંકવાદ સામે લડત, ગરીબી, વિકાસ, રોજગાર, શૌચાલય, વગેરે મુદ્દાઓ જોવા મળશે એમ જણાવ્યું હતું.

કોંગ્રેસનું ટેપ રેકોર્ડર | કોંગ્રેસના ટેપ રેકોર્ડરમાં માત્ર એકજ કેસેટ વાગે છે મોદી હટાવો... મોદી હટાવો..... મોદી હટાવો.....

કોંગ્રેસ દેશમાં બે વડાપ્રધાન ઇચ્છે છે
જે કોંગ્રેસને સરદારે પોતાના પરિશ્રમથી સિંચી હતી. એ જ કોંગ્રેસ આજે દરેક હિન્દુસ્તાનીનાં હૃદયને ચોટ પહોંચાડવા માંગે છે. શું આ દેશમાં બે પ્રધાનમંત્રી હોવા જોઇએ ? એવો સવાલ મોદીએ જનમેદનીને કર્યો હતો. સરદારે જૂનાગઢ, હૈદ્રાબાદનાં નિઝામનાં પ્રશ્નો અને સંકડો રિયાસતોને ભારતમાં વિલીન કરી. પણ નહેરુએ એક મુદ્દો પોતાની પાસે રાખ્યો.

પોરબંદરનાં ભાજપનાં ઉમેદવારનાં ચહેરા પર પ્રચારનો થાક
પોરબંદર ભાજપનાં ઉમેદવાર રમેશ ધડુકનાં ચહેરા પર થાક નજરે પડ્યો હતો. મોદીનાં ભાષણ દરમિયાન બગાસા ખાતા તેમજ આંખો ચોળતા નજેર પડ્યા હતા. તસ્વીર - મેહુલ ચોટલીયા

મધ્યપ્રદેશ ટ્રેલર છે, કોંગ્રેસ સત્તામાં આવશે તો ફિલ્મ બનાવશે
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બધું 6 મહિનામાં તળિયા ઝાટક કરી નાંખ્યું. ગુજરાત તો બચી ગયું. હવે દેશને બચાવી લો. હિન્દુસ્તાન જો તેમને હાથ લાગી ગયું તો ફિલ્મ એવી ઉતરશે કે, આપણા હાથમાં કાંઇ નહીં રહે.

કોંગ્રેસે હિન્દુસ્તાનની સેનાને શસ્ત્રવિહીન બનાવી દેવાની વાત કરી છે : વડાપ્રધાન
કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં ગુનેગારને જામીન મળવાના અધિકારની વાત કરી છે. તેમણે હિન્દુસ્તાનની સેનાને તો શસ્ત્ર વિહીન કરવાની વાત કરીજ છે. સાથે ગુનેગારને જામીનનો અધિકાર હોવો જોઇએ એવી પણ વાત કરી છે. તો શું તેઓને પોતાના ભવિષ્યનો અંદાજ આવી ગયો છે ? મેં તેમણે જેલના દરવાજા સુધી તો પહોંચાડીજ દીધા છે. હવે તેમને અંદર મોકલવાના છે.

સૌરાષ્ટ્રનાં પાણી અને માછીમાર મુદ્દે મોદીનાં એલાન
પાણી માટે દેશમાં અલગ મંત્રાલય બનશે
ગિરનાર રોપ-વે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ-કચ્છમાં પ્રવાસન વધ્યું
પોલિટીકલ રીપોર્ટર | જૂનાગઢ

હું સૌરાષ્ટ્ર-કચ્છમાં જે રીતે પાણીની સમસ્યાઓ ઉકેલી એનું મોડલ આખા દેશમાં અપનાવવા માંગું છું. હવેની અમારી નવી સરકારમાં પાણી માટેનું ખાસ અલગ જળશક્તિ મંત્રાલય અસ્તિત્વમાં આવશે. એમ વડાપ્રધાને પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું. તો માછીમાર યુવાનોને પોતાનાં સ્વપ્નોને અનુરૂપ ડીપ સી ફિશીંગ કરી શકે એ માટે ખેડૂતોની માફકજ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ અાપવાનું અને 10 હજાર કરોડની મત્સ્ય સંકલ્પ યોજના પણ પોતાની સરકારે બનાવ્યાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમારો એક સેટેલાઇટ માછીમારોને દરિયામાં દિશા, કેચ ક્યાં મળે, એ માટે ઉપયોગી છે. કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, તો જે કામો આઝાદી પછી થવા જોઇતા હતા એ શૌચાલય, ગરીબોને ઘરનાં ઘર, ઘરમાં વીજળી, ગેસ કનેક્શન આ બધા કામો છેક 70 વર્ષે મારા ભાગે કરવાનાં આવ્યા છે. આયુષ્યમાન ભારત થકી દુનિયાની મોટામાં મોટી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને આવરી લેવાની યોજના છે. ભાજપની સભામાં ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમા, રમેશ ધડુક, મનસુખ માંડવીયા, જવાહર ચાવડા, ગિરીશ કોટેચા, પુનિત શર્મા, સંજય કોરડીયા, પ્રદિપ ખિમાણી, યોગી પઢિયાર, શશીકાંત ભિમાણી સહિતનાં હાજર રહ્યા હતા.

સીએમએ કાર્યકર્તાઓને કહ્યું, જૂનાગઢ જીત્યા તો 26 બેઠક જીત્યા અેવું માનજો
નામ લઇ હોદ્દેદારોને ઘેર-ઘેર સંપર્ક કરવા કડક શબ્દોમાં કહ્યું
પોલિટીકલ રીપોર્ટર. જૂનાગઢ

જાહેરસભા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં ભાજપનાં કાર્યકર્તાઓ તેમજ હોદેદારો સાથે ચર્ચા કરી હતી. સુત્રોનાં માનીએ તો, સીએમએ કાર્યકર્તાઓને કડક શબ્દોમાં કહ્યું હતું કે, જૂનાગઢની બેઠક જીત્યા તો 26 બેઠક જીત્યા તેવું માનજો. એટલુંજ નહીં ભાજપનાં મુખ્ય નેતાઓનાં નામ લઇ ઘેર-ઘેર સંપર્ક કરવા પણ કહ્યું હતું. સીએમનાં કડક વલણથી આ બેઠકમાં સોંપો પડી ગયો હતો.

ભાજપનાં કાર્યકરે મોદીના ભાષણ વખતેજ વિરોધ કર્યો
વડાપ્રધાન મોદીનું ભાષણ ચાલુ હતું એ વખતે મેદનીમાં ઉપસ્થિત ભાજપનાંજ એક કાર્યકર ઉમેશ વાડોલીયાએ કોઇ કારણોસર વિરોધ કરતાં સિનીયર આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...