તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશ્યલ મિડીયા પર થતો પ્રચાર નિરંકુશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. લોકસભાની બેઠક પરના ઉમેદવાર 70 લાખ સુધી અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. જો આ રકમથી વધુ ખર્ચ થાય તો આચાર સંહિતા ભંગની ફરિયાદ થઇ શકે છે. આ માટે ચૂંટણી તંત્રએ કેટલીક ટીમોને કામગીરી સોંપી છે. જોકે હાલ સોશ્યલ મિડીયાનો યુગ છે ત્યારે ઉમેદવારો પોતાના પ્રચાર માટે ભરપૂર માત્રામાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે સોશ્યલ મિડીયામાં થતા પ્રચાર સામે પણ મોનીટરીંગ કરવાનું હોય છે. આ માટે અધિકારીની નિમણૂંક કરી તેની જવાબદારી ફિકસ કરવામાં આવી છે. જોકે તેમ છતાં જૂનાગઢમાં સોશ્યલ મિડીયામાં થતા પ્રચાર પર મોનીટરીંગ કરવામાં આ અધિકારી વામણા પૂરવાર થઇ રહ્યા છે. જોવાની ખૂબી એ છે કે સોશ્યલ મિડીયામાં થતા પ્રચારનું મોનીટરીંગ કરવાની જવાબદારી કોની ? એ મામલે પણ ખો -ખો ની રમત રમાઇ રહી છે. અેથીયે વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જેની જવાબદારી છે તે પણ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બોલો ! અધિકારીની આવી લાજ કાઢવાની વૃત્તિથી રાજકીય પક્ષો ગેલમાં આવી ગયા છે અને અધિકારીની શાહમૃગ વૃત્તિનો ભરપૂર લાભ ઉઠાવી સોશ્યલ મિડીયા પર બેફામપણે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

એનઆઇસી અધિકારી સાથે સીધી વાત
સોશ્યલ મિડીયામાં થતા પ્રચાર પર મોનીટરીંગ રાખવાની જેની જવાબદારી છે તે એનઆઇસી (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર)ના અધિકારી આઇ.એ.બાદી સાથે કરેલી સીધી વાત.

Q | રાજકીય પક્ષોના સોશ્યલ મિડીયામાં કેટલા એકાઉન્ટ છે ?

A | આ કામગીરી મારામાં નથી આવતી ,ચૂંટણી શાખાને પૂછો ને ?

Q | પ્રશ્ન : કઇ રીતે તેના પર મોનીટરીંગ થાય છે ?

A | મને આ બાબતે કંઇ ખબર જ નથી !

Q | અત્યાર સુધીમાં કેટલો ખર્ચ ઉધારાયો છે, સોશ્યલ મિડીયા પરના પ્રચારનો ?

A | આ બાબતે પણ પણ ચૂંટણી શાખામાં કોઇકને પૂછજો ને !

એનઆઇસીને જ કામગીરીનો ઓર્ડર અપાયો છે !
એક અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે, સોશ્યલ મિડીયામાં થતા પ્રચાર પર દેખરેખની કામગીરીનો એનઆઇસી અધિકારીના નામે ચૂંટણી અધિકારીએ જ ઓર્ડર કાઢયો છે. તેમણે જ આ બાબતે રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે.

શા માટે સોશ્યલ મિડીયાનો સહારો ?
કાળઝાળ ગરમીમાં પ્રચાર કરવા જવું ન પડે. મોટાભાગના લોકો સોશ્યલ મિડીયા સાથે જોડાયેલા હોય આસાનીથી સંપર્ક થઇ શકે છે, લોકો સુધી મેસેજ પહોંચી શકે છે. રૂબરૂ જવામાં કયારે લોકોના રોષનો પણ ભોગ બનવું પડે છે. આવી સ્થિતીમાં સોશ્યલ મિડીયા જ લોક સંપર્કનું મજબૂત માધ્યમ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...