તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો સાફ સફાઇ નહી રાખે રોગચાળાનું પ્રમાણ વધશે : ડેંન્ગ્યું થશે તો 50 હજાર સુધીનો ખર્ચ, મૃત્યુ પણ થઇ શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં ડેન્ગ્યુંનો રોગચાળો ફાટી ન નિકળે તે માટે મનપા દ્વારા વ્યાપક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે લોકોની બેદરકારીને કારણે રોગચાળો વધી જવાની ભિતી વ્યકત થઇ રહી છે. આ અંગે મનપાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, વાતાવરણને લઇને રોગચાળો વધી શકે છે. ત્યારે ખાસ કરીને ચોખ્ખા પાણીમાં થતા મચ્છરના કારણે ડેન્ગ્યુંના રોગની સંભાવના વધી જાય છે. આવી સ્થિતીને ધ્યાને રાખી મનપાની ટીમ દ્વારા શહેરના 7000થી વધુ ઘરોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 6300થી વધુ ઘરોમાં ડેન્ગ્યુંના પોરા જોવા મળ્યા હતા. લોકો સાફ સફાઇમાં ઘોર બેદરકારી રાખી રહ્યા છે જેના કારણે ડેન્ગ્યુંનો રોગચાળો વધી જવાની સંભાવના વ્યકત થઇ રહી છે. ડેંન્ગ્યુંનો રોગ લાગુ પડે તો 50 હજારથી વધુનો સારવારનો ખર્ચ થઇ શકે છે. તેમજ દર્દીનું મૃત્યુ પણ નિપજી શકે છે. તેમ જણાવી ડો.રવિ ડેડાણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુંના મચ્છર પેદા થતા હોય છે ત્યારે ઘરમાં અનેક જગ્યાએ ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવતો ન હોય તે પાણીમાં ડેન્ગ્યુંના મચ્છર થઇ શકે છે. ત્યારે મનપા ગમે તેટલી કામગીરી કરે લોકોએ પણ સ્વચ્છતા જાળવવી પડશે. કારણકે આપણો દુશ્મન આપણા ઘરમાં જ પેદા થઇ રહ્યો છે.

આ પ્રકારનાં લક્ષણ જણાય તો સમજો ડેન્ગ્યું છે
તાવ આવે, શરીરમાં દુ:ખાવો થાય, આંખોના ડોળાના હલન ચલનથી દુ:ખાવો થાય, શરીર પર ઢીમચાના નિશાન દેખાય કે પેટમાં દુ:ખાવો થાય તો સમજી લેવું કે આ ડેન્ગ્યુંના લક્ષણ છે.

મચ્છરથી બચવા શું કરવું ?
વહેલી સવારે અને સંધ્યા સમયે ઘરના બારી બારણા બંધ રાખો. મચ્છર પ્રવેશી ન શકે તેવી ઝીણી જાળી બારી દરવાજામાં લગાવો. ઘરમાં ગુગળનો ધૂપ તેમજ લીમડાનો ધૂમાડો કરો. દવા યુકત મચ્છરદાની મચ્છરનો નાશ કરે છે માટે આવી મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખો તેમજ તમારી મચ્છરદાની દવાયુકત કરવા અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરો.

શહેરનાં પોશ એરીયામાં વધુ બેદરકારી
શહેરના રાયજી બાગ, રાધાકૃષ્ણ નગર, મધુરમ, દિપાંજલી, ઝાંઝરડા રોડ, મોતીબાગ જેવા પોશ અને એજ્યુકેટેડ ગણાતા વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. મોટાભાગના ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાયો ન હોય પાણીમાં ડેન્ગ્યુંના પોરા જોવા મળ્યા હતા.

કયાં કયાં સ્થળે ડેંન્ગ્યુંનાં પોરા બની શકે?
પાણી ભરેલા કુંડા, ટાંકા, ટાંકી, માટલા, રેફ્રીજરેટરની ટ્રે, નારીયલના પડેલા કાચલા, નકામા ટાયર, ડબ્બા, ટોઇલેટના પોખરા વગેરેમાં પાણી ભરાતા આવા ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુંના પોરા બની શકે છે. ત્યારે આવી જગ્યાને નિયમીત સાફ રાખો.

ડેંન્ગ્યુંનાં લક્ષણ જણાયે શું કરવું ?
ડેંન્ગ્યુંનાં રોગનાં લક્ષણ જણાય એટલે દર્દીએ તુરત અર્બન હેલ્થ સેન્ટર અથવા સરકારી દવાખાનામાં જઇ નિદાન કરાવી સંપૂર્ણ આરામ કરવો. પ્રવાહી ખોરાક વધુ લેવો. મચ્છરની ઉત્પતિ અટકાવો. આવી કાળજી રાખવાથી ડેંન્ગ્યુંનાં રોગમાંથી મુકિત મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...