તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્બિન આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલનો રાતનો નજારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના હાર્બિન શહેરમાં હાલ એન્યુઅલ આઇસ એન્ડ સ્નો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં 12 દેશના 64 આર્ટિસ્ટે આઇસ સ્કલ્પ્ચર તૈયાર કર્યા છે. રાત્રિના સમયે અહીંનો નજારો માણવાલાયક હોય છે. રંગબેરંગી રોશનીમાં આઇસ સ્કલ્પ્ચર્સ રોશનીથી ઝળહળી ઊઠે છે. ફેસ્ટિવલ નિહાળવા માત્ર ચીન જ નહીં પણ દુનિયાભરના સહેલાણીઓ ઊમટી પડે છે.

ન્યૂઝ વોચ
કૃષ્ણકાંત ઉનડકટ

વા વર્ષની શરૂઆત સાથે જ દેશ ઇલેક્શન મોડમાં આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના પહેલા જ દિવસે ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં સરકાર સામે ઉઠાવાયેલા તમામ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપ્યા. રફાલ અને રામમંદિર એ વિશે પણ તેમણે વાત કરી. શુક્રવારે રાફેલનો મુદ્દો સંસદમાં અને રામમંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટ, આરએસએસ અને વિહિપમાં ગાજતો રહ્યો. એ સાથે જ વડાપ્રધાનની 100 જાહેરસભાના પણ શ્રીગણેશ થઈ ગયા. ચૂંટણી નજીક આવતી જાય છે એમ એમ કોંગ્રેસ અને ભાજપ બંનેનો મૂડ પરખાઈ રહ્યો છે. ત્રણ રાજ્યોમાં જીત પછી કોંગ્રેસ વધુ એગ્રેસિવ બની છે. ભાજપ ત્રણ રાજ્યોમાં હાર પછી વધુ એક્ટિવ થયો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણા લાંબા સમયથી ભાજપ ઉપર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર રાફેલ મામલે પ્રહારો કરતા આવ્યા છે. ચોકીદાર ચોર છેથી માંડીને વડાપ્રધાન ખોટું બોલે છે ત્યાં સુધીની વાતો રાહુલ ગાંધીએ કરી. જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી કરતા રાહુલે આખરે સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા કરવાની હા પાડી. ત્રણ દિવસ સુધી સંસદમાં રાફેલ વિશે વાતો થઈ. શુક્રવારે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને રાહુલના દરેક પ્રશ્નોના વન બાય વન જવાબો આપ્યા. ગુપ્તતાનું નામ લઈને જે વાતો સરકાર જાહેર કરવાની ના પાડતી હતી તેના પણ જવાબો આપ્યા. સવાલ એ છે કે હવે વાત પૂરી થઈ જશે? એનો જવાબ છે ના. રાફેલનો મુદ્દો ઘડીકમાં શાંત પડવાનો નથી.

એક રાફેલ ફાઇટરની કિંમત 670 કરોડ હોવાનું સિતારમને કહ્યું. કોંગ્રેસ એવી વાત કરતી હતી કે, રાફેલની કિંમત 526 કરોડની હતી એ વધી કેવી રીતે ગઈ? સંરક્ષણ પ્રધાને કહ્યું કે, રાફેલની કિંમત 526 કરોડ હતી એવી તો ક્યાંય વાત જ નથી. તેનો કહેવાનો મતલબ એ હતો કે, એ કોંગ્રેસે ઉપજાવી કાઢેલી કિંમત છે. રાફેલનો સોદો નવ ટકા ઓછા ભાવે થયો હોવાનું અને એડિશનલ વોરંટી પણ મળી હોવાનું સિતારમને કહ્યું. સિતારમને વાત પૂરી કરી એ પછી રાહુલે અનિલ અંબાણીનું નામ આપીને સવાલ કર્યો કે, એમની પસંદગી કોણે કરી? કોણે એમનું નામ આપ્યું? સિતારમને એનો પણ જવાબ આપ્યો. જોકે, એ જવાબમાં માત્ર ઓફસેટ પાર્ટનરની પસંદગીના નિયમો વિશે જ વાત કરી. અમુક બાબતોની ચોખવટ કરવાનું તેમણે ટાળ્યું હતું. રાફેલ મામલે હવે કોંગ્રેસ પાસે એક જ મુદ્દો ઓફસેટ પાર્ટનરનો રહ્યો છે. આગામી સમયમાં એ જ સવાલ પુછાતો રહેવાનો છે કે, અનિલ અંબાણીની પસંદગી કેમ કરવામાં આવી? તેમને કેટલી રકમ મળી? રાહુલ આ વિશે સીધી વડાપ્રધાન સામે જ આંગળી ચીંધે છે. રાહુલને ખબર છે કે, ભાજપ હવે આ એક જ મામલામાં ભીંસમાં આવી શકે એમ છે. બાકી બધી વાત તો સાચી, પણ એક વાત તો છે જ કે અનિલ અંબાણી અંગે ભાજપમાંથી કોઈ ફોડ પાડીને કંઈ બોલતું નથી. ભાજપ આ મામલે બેકફૂટ પર દેખાઈ રહી છે. જોવાનું એ રહે છે કે, તેના વિશે કોઈ ચોખવટ કરવામાં આવશે કે કેમ? કોંગ્રેસ જેપીસીની ડિમાન્ડ પકડી રાખશે કે પડતી મૂકશે? ભાજપ કોંગ્રસના આક્ષેપો સામે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ આગળ ધરશે. ક્રિષ્ટિન મિશેલ જે કબૂલાત કરશે એનો ઉપયોગ ભાજપ ચૂંટણીમાં કરવામાં બાકી રાખશે નહીં.

રાફેલનો મામલો સંસદમાં ચાલતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટમાં રામમંદિર વિશેનો કેસ હાથ ધરવામાં આવ્યો. બધાની નજર એના પર હતી કે, સુપ્રીમ કોર્ટમાં શું થાય છે? સુપ્રીમ કોર્ટે કહી દીધું કે, રામમંદિરના કેસની સુનાવણી માટે ત્રણ જજોની નવી બેન્ચ બનાવવામાં આવશે. આ બેન્ચ તારીખ 10મી જાન્યુઆરીએ સુનાવણી આગળ વધારશે. હજુ એ સવાલ તો લટકેલો જ છે કે, શું અદાલત રામમંદિરની સુનાવણી દરરોજ કરવાનું સ્વીકારશે ખરી? બીજો સવાલ એ કે, શું લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિરનો ચુકાદો આવવો શક્ય છે ખરો? એક વાત સમજવા જેવી છે કે સુપ્રીમ કોર્ટને ચૂંટણી સાથે કંઈ લાગતુંવળગતું નથી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ કંઈ કરે એ વાતમાં માલ નથી. ચૂંટણી આડે હવે સો દિવસ કરતાં પણ ઓછો સમય છે. માની લઈએ કે, સુપ્રીમ કોર્ટ રામમંદિરના કેસની સુનાવણી દરરોજ કરે તો પણ ચૂંટણી પહેલાં કોઈ નીવેડો આવે એ વાતમાં બહુ દમ લાગતો નથી. આરએસએસ અને વિહિપ સંસદમાં અધ્યાદેશ લાવીને રામમંદિર બનાવવાનું પ્રેશર સરકાર ઉપર નાખતા હતા. એનડીએના સાથી પક્ષ શિવસેનાએ પણ રામમંદિર નિર્માણની તારીખ જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાને આ બધાની વાતનો છેદ ઉડાડીને કહી દીધું કે, એવું કંઈ નહીં થાય. સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે. મતલબ કે રામમંદિર વિશે હમણાં તો કંઈ થાય એવું લાગતું નથી. આ ઘટનાથી એક વાત એ પણ સાબિત થાય છે કે ભાજપ ચૂંટણીમાં રામમંદિરને મુદ્દો બનાવવા માંગતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહેવાનું હતું એ ટીવી ઇન્ટરવ્યૂમાં કહી દીધું અને એ પછી આખા દેશમાં જાહેર સભાઓ કરવાનું પણ ચાલુ કરી દીધું. વડાપ્રધાન 70 દિવસમાં 100 જાહેર સભા કરવાના છે. એ હિસાબે તેઓ દર બે દિવસમાં ત્રણ જાહેરસભા કરવાના છે. આ જાહેરસભાઓ માટે નરેન્દ્ર મોદી દેશનાં 20 રાજ્યોમાં ફરી વળશે. લોકસભાની 132 બેઠકોને ધ્યાનમાં રાખીને તેમનો આ પ્રવાસ ગોઠવાયો છે. દેશના વડાપ્રધાને ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ આટલી બધી જાહેરસભાઓ કરી હોય તેવો દેશના ઇતિહાસનો આ પહેલો બનાવ છે. એક અંદાજ એ પણ લગાવવા જેવો છે કે, ચૂંટણી જાહેર થયા પછી તેઓ ક્યાંના ક્યાં ફરી વળશે? આમ જુઓ તો આખી ચૂંટણી વડાપ્રધાન પોતાના ખભે લઈને નીકળ્યા હોય એવું લાગે છે. જે 100 જાહેરસભાઓ ગોઠવાઈ છે એમાં ઘણાં સ્થળો એવાં છે જ્યાં ભાજપ બેઠક હાર્યું હોય. મતલબ કે એ વિસ્તારમાં ભાજપના કાર્યકરોને બુસ્ટઅપ કરવા માટે આ જાહેરસભાઓ યોજવામાં આવી છે. મોદીએ જાહેરસભાની શરૂઆત પંજાબના ગુરુદાસપુરથી કરી છે. પંજાબમાં કોંગ્રેસનું રાજ છે. ત્યાં ભાજપ અકાલીદળ સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઊતરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો અત્યારથી ચૂંટણીનું કામ શરૂ કરી દીધું છે, તેની સામે કોંગ્રેસ અને બીજા પક્ષોનાં હજુ ક્યાંય ઠેકાણાં દેખાતાં નથી.

વડાપ્રધાન અને તેમની કક્ષાના નેતાઓ જ્યાં જાહેરસભા કરે, ત્યાં કોણ જીતે છે તેનો પણ હિસાબ રખાતો હોય છે. એક વાત તો છે જ કે નરેન્દ્ર મોદીમાં લોકોને અભિભૂત કરવાની ગજબની આવડત છે. એવો સવાલ થાય એ પણ સ્વાભાવિક છે કે, ભાજપ આટલો ઉતાવળો કેમ થયો છે? શું એને પરિણામોની ચિંતા કોરી ખાય છે? એવી શક્યતાઓ પણ કંઈ નાખી દીધા જેવી તો નથી જ! ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર ગઈ. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ 65 બેઠકો છે. ગત ચૂંટણીમાં ભાજપને આ ત્રણ રાજ્યોમાં 65માંથી 62 બેઠકો મળી હતી. વિધાનસભાની ચૂંટણીના હિસાબે ગણીએ તો આ ત્રણ રાજ્યોમાં ભાજપને 28થી 30 બેઠકો ઘટે તેમ છે. ગુજરાતમાં પણ ગત ચૂંટણીમાં તમામ 26 બેઠકો ભાજપને મળી હતી. આ વખતે એમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તરપ્રદેશની 80 બેઠકોમાંથી 71 બેઠકો ભાજપને મળી હતી. યુપીમાં વિપક્ષોનું ગઠબંધન થયું તો ત્યાં પણ ભાજપે ખોટ ખાવી પડે તેમ છે. ભાજપે કેટલી બેઠક ઘટે એમ છે એનો હિસાબ તો લગાવ્યો જ હોય એ સ્વાભાવિક છે. એના આધારે ભાજપે એ પણ ગોઠવ્યું જ હોય કે જે ઘટ પડે તેમ છે એ ક્યાંથી પુરાઈ શકે તેમ છે? એ કારણે જ ભાજપે ગયા વખતે જ્યાં ચૂંટણી હાર્યા હતા એ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અને એમના ડેડિકેશન પરથી કોંગ્રેસે અને બીજા વિપક્ષોએ ધડો લેવા જેવો છે અને વહેલી તકે પોતાના પ્રચારની સ્ટ્રેટેજી ઘડી કાઢવાની જરૂર છે. હજુ તો કોંગ્રેસે અનેક રાજ્યોમાં ગઠબંધનની ગૂંચ ઉકેલવાની છે. અનેક રાજ્યોમાં ગઠબંધનનું ચિત્ર અટપટું છે. ભાજપે તો મોરચો ખોલી દીધો છે. હજુ તો આ શરૂઆત છે, ખરો જંગ તો હવે શરૂ થવાનો છે. kkantu@gmail.com


રાફેલ અંગે સંરક્ષણ પ્રધાન સીતારમને આખરે સંસદમાં જવાબો આપ્યા રામમંદિર અંગે કોર્ટની નવી બેન્ચથી શું ફેર પડશે?
ચૂંટણી, રાફેલ, રામમંદિર અને મોદીની 100 જાહેરસભા
‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉરી’ એક જ દિવસે રિલીઝ થશે
11 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર અનુપમ ખેર-પરેશ રાવલ વચ્ચે ટક્કર
મુંબઇ | સિલ્વર સ્ક્રીન પર 11 જાન્યુ.એ વર્ષ 2019ની પહેલી ટક્કર થવાની છે. આ ટક્કર અનુપમ ખેરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને પરેશ રાવલની ફિલ્મ ‘ઉરી’ વચ્ચે થશે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં અનુપમ ખેર ઉપરાંત અક્ષય ખન્ના, સુઝેન બર્નેટ્ટ, આહના કુમરા અને અર્જુન માથુર મહત્વની ભૂમિકાઓમાં છે જ્યારે ‘ઉરી’માં પરેશ રાવલ સાથે વિક્કી કૌશલ, યામી ગૌતમ, કીર્તિ કુલ્હારી અને મોહિત રૈના પણ જોવા મળશે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર બનેલી છે, જેમાં અનુપમ ખેર મનમોહન સિંહના રોલમાં જોવા મળશે જ્યારે ‘ઉરી’ ફિલ્મ ઉરી હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. તેમાં પરેશ રાવલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના રોલમાં હશે.

25મીએ 3 ફિલ્મો ક્લેશ થશે
11 જાન્યુ.એ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉરી’ વચ્ચે ટક્કર બાદ 25 જાન્યુ.એ તો ત્રણ ફિલ્મો ક્લેશ થશે. તે દિવસે કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’, ઇમરાન હાશ્મીની ‘ચીટ ઇન્ડિયા’ અને નવાઝુદ્દીનની ‘ઠાકરે’ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ રાણી લક્ષ્મીબાઇની જ્યારે ‘ઠાકરે’ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક છે.

અન્ય સમાચારો પણ છે...