મનપાને 16 વર્ષમાં 2500 કરોડની ગ્રાન્ટ છત્તાં ઉડીને આંખે વળગે તેવું કામ નહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા 2002થી અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારથી લઇને આજ સુધીમાં અંદાજે 2500 કરોડની ગ્રાન્ટ આવેલી છે. જોકે આટલી ગ્રાન્ટ છત્તાં એકપણ કાર્ય એવું નથી કે ઉડીને આંખે વળગે. ત્યારે અા મામલે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું છે કે, શહેરમાં ફૂટપાથો પાછળ કરોડો ખર્ચયા જેના પર પેશકદમી થઇ ગઇ છે. ભવનાથમાં મારબલ તૂટી ગયા છે. દામોદર કુંડ તેમજ નરસિંહ મહેતાના ચોરા પાછળ કરોડોનું આંઘણ કર્યું છત્તાં આજે તેની રમણીયતા પહેલા જેવી રહી નથી. ઉપરકોટમાં લાઇટ એન્ડ શાઉન્ડ શો માં કરોડો ખર્ચયા પરંતુ સાધનો પણ ગાયબ થઇ
ગયા છે.

નરસિંહ સરોવર માટે કરોડો ફાળવ્યા છત્તાં સ્થિતી દયનીય છે. ગત વર્ષે ભવનાથના મિનીકુંભના આયોજનમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે વર્ષોથી બનતા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આજે છાણા થપાતા હોય જાણે છાણા થાપવાની સ્પર્ધા યોજાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટાઉન હોલના રિનોવેશનમાં ભ્રષ્ટાચારના આક્ષપો બાદ તપાસ સોંપાઇ છે, તપાસ થઇ નથી. 2005માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 કરોડના ખર્ચે પીવાના શુદ્ધ પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું હજુ સુધી શુદ્ધ પાણી જૂનાગઢની જનતાને નસીબ થયું નથી. શહેરમાં સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલનો ખર્ચ કરાયો છે પરંતુ તેનો ઉપયોગ થતો નથી.

બુદ્ધિજીવીઓ આગળ આવે

મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં આવે છે. પોતાના ખર્ચા પર કાપ મૂકવાના બદલે પ્રજાના માથે વેરા વધારાનો બોજ લાદી દેવામાં આવે છે. ત્યારે આ મામલે શહેરના ડોકટરો, વકીલો, એન્જીનિયરો, બિલ્ડરો, શૈક્ષણીક અને સામાજીક સંસ્થાના બુદ્ધિજીવીઓએ આગળ આવવું જરૂરી છે અને આ રીતે થતા ખોટા ખર્ચા પર બ્રેક લાગે તે માટે પ્રયાસ કરવો જરૂરી છે. દિલ્હીમાં સરકાર જેમ જનતાના નાણાંનો કરકસર યુકત ઉપયોગ કરી લોકોને સારી સુવિધા ફ્રીમાં આપી શકે તો જૂનાગઢના શાસકો મસમોટા ટેક્ષ ઉધરાવ્યા બાદ કેમ સુવિધા આપી શકતા નથી તે મામલે પ્રજાએ મંથન કરવાનો સમય પાકી ગયો છે.

સ્પોર્ટસ સંકુલમાં થાય છે છાણાં થાપવાની સ્પર્ધા !

અનેક પ્રોજેકટો કાગળ પર, અનેકમાં નાણાંનો વેડફાટ

અન્ય સમાચારો પણ છે...