મોદીના કાર્યક્રમ માટે જૂનાગઢ, પોરબંદર, વેરાવળ ST ડિવીઝનની બસો ફાળવાઇ
એસટીનાં અનેકરૂટ કેન્સલ થતાં મુસાફરો રઝળી પડશે
દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂને રાજકોટ આવવાના હોય તેના માટે ભીડ એકઠી કરવા તંત્ર ઉધે કાંધ થયું છે. માટે દર વખતની જેમ વખતે પણ એસટીનો સહારો લેવામાં આવ્યો છે.જેમાં જૂનાગઢ ડિવીઝનના ત્રણ ડેપોમાંથી 79 એસટી બસોને રાજકોટ મોકલવામાં આવશે.
રાજકોટ ખાતેના અાજી ડેમમાં નર્મદાના નીરના વધામણા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂન ગુરૂવારે રાજકોટ આવવાના હોય તેના ભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા એસટી તંત્રની સેવા લેવામાં આવી રહી છે. જૂનાગઢમાંથી પણ એસટીની અનેક બસોને રાજકોટ રવાના કરી દેવામાં આવી છે. અંગે માહિતી આપતા જૂનાગઢ એસટી વિભાગના ડિવીઝનલ ટ્રાફિક ઓફિસર એચ.એન.ખાંભલાએ જણાવ્યું હતું કે જૂનાગઢ ડિવીઝન અન્ડર ત્રણ ડેપો આવે છે.જેમાં જૂનાગઢ ડેપોમાંથી 40, પોરબંદર ડેપોમાંથી 17 અને વેરાવળ ડેપોમાંથી 22 મળી એસટીની કુલ 79 બસો ફાળવી દેવાઇ છે. બસો રાજકોટ જવા રવાના પણ થઇ ગઇ છે જે કાર્યક્રમ સમાપન થયા બાદ પરત ફરશે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં એસટી બસો ફાળવી લેવાતા અનેક રૂટો રદ થતા ભારે હાલાકી ભોગવવી પડશે તેમ એસટીના મુસાફરોએ જણાવ્યું હતું. લોકોને એસટીના અભાવે ખાનગી વાહનનો સહારો લેવો પડશે અને ઉઘાડી લૂંટનો ભોગ બનવું પડશે.