Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં ઇતિહાસનાં અભ્યાસુ છાત્રોનાં વાલીઓએ પણ આપ્યા જવાબો
ધોરણ 6 થી 8 નાં વિજેતાઓમાં પ્રથમ બે સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું
જાણો જૂનાગઢ ક્વિઝનાં 4 ચેમ્પિયનો પૈકી 3 છાત્રાઓ
જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આજે સવારે એકલવ્ય પબ્લિક સ્કુલ ખાતે જાણો જૂનાગઢનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ જૂનાગઢવાસીઓમાં એક વાત ઉડીને આંખે વળગે એવી હતી. ચેમ્પિયન બનેલાઓમાં દિકરીઓની બહુમતી રહી. તેમાંયે ધો. 6 થી 8 ની કેટેગરીમાં તો પ્રથમ બે વિજેતા સરકારી શાળાઓની છાત્રાઓ હતી.
આજે સવારે 10 વાગ્યે ઝાંઝરડા રોડ પર આવેલી એકલવ્ય પબ્લિક સ્કુલ ખાતે યોજાયેલા જાણો જૂનાગઢનાં ગ્રાન્ડ ફિનાલેમાં ઉપસ્થિત થયેલા પ્રથમ બે રાઉન્ડનાં વિજેતાઓ, તેમનાં વાલીઓ અને અન્ય ઇતિહાસમાં રસ ધરાવતા જૂનાગઢવાસીઓમાં ભારે ઉત્તેજના સાથે ઉત્સાહ જોવા મળતો હતો. પ્રથમ રાઉન્ડનાં પહેલા સવાલથીજ સ્પર્ધકોની સાથે ઓડીયન્સ પણ જૂનાગઢનાં ઐતિહાસિક સવાલો પર વિચાર કરી જવાબ આપવા ઉત્સુકતાથી હાથ ઉંચા કરતું હતું. પ્રત્યેક સવાલો સાથે લોકોનાં મનમાં તેનો જવાબ શો હોઇ શકે તેની ગડમથલ શરૂ થઇ જતી હતી. તો અમુક બાજુમાં બેઠેલા સાથે તેની રસપૂર્વક ચર્ચા કરી અંદાજ લગાવતા હતા. જે સવાલોના જવાબો સ્પર્ધક ટીમ આપી શકે સવાલ છેલ્લે ઓડિયન્સને પૂછવામાં આવતો હતો. જે સાચો જવાબ આપે તેને જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ લખેલી એક બોલપેનની ભેટ અપાઇ હતી. સ્પર્ધકો પણ જે સવાલ પૂછાય તેમાં એકબીજા સાથે ચર્ચા કરી સાચો જવાબ ક્યો તેના પર ચર્ચા કરતા હતા. જોકે, સ્પર્ધકોને સૌથી વધુ પડકાર વર્ષને લગતા જવાબો અાપવામાં રહ્યો હતો. જ્યારે તસ્વીર જોઇને તેને લગતા બે થી ત્રણ જવાબો આપવામાં સૌથી વધુ ગુંચવણ કોલેજ વિભાગનાં સ્પર્ધકોમાં રહી હતી. ધો. 4-5 અને ધો. 6 થી 8 ની કેટેગરીવાળા સ્પર્ધકોએ આખી સ્પર્ધા પ્રત્યે સૌથી વધુ ગંભીરતા અને તૈયારી કરી હોય એની પ્રતિતી સ્પષ્ટપણે થતી હતી. તેમાંયે ધો. 4-5 નાં છાત્રોએ કોલેજ અને તેનાથી સિનીયર વિદ્યાર્થીઓનાં રાઉન્ડ વખતે કેટલાક સવાલોનાં સાચા જવાબો આપી ઉપસ્થિતોની પ્રશંસા મેળવી હતી. પ્રથમ વખત જેને સવાલ પૂછાય અને આખો જવાબ સાચો હોય તો 10 માર્ક અને અડધો જવાબ સાચો હોય તો 5 માર્ક અપાતા હતા. દરેક કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં માઇનસ માર્કીંગ નહોતું. પરંતુ ત્યારપછીનાં રાઉન્ડમાં ખોટો જવાબ આપનારનાં 5 માર્ક કાપી પણ લેવાતા હતા. જેમની સ્પર્ધા પૂરી થઇ જતી હતી તેઓ પણ ઓડિયન્સમાંથી જવાબ આપવા માટે છેવટ સુધી બેઠા રહ્યા હતા. અાખી સ્પર્ધામાં ઓડીયન્સ છેવટ સુધી લાઇવ રહ્યું હતું તેની ઉડીને આંખે વળગે એવી વિશેષતા રહી હતી. ઓડીયન્સમાં પણ અમુક ઇતિહાસનાં અભ્યાસુઓએ અસંખ્ય સવાલોનાં સાચા જવાબો આપી અન્યોમાં આકર્ષણ જગાવ્યું હતું. સ્પર્ધામાં એલવ્ય પબ્લિક સ્કુલનાં સંચાલક ચેતન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંસ્થાનાં સંચાલક નિલેશ ધુલેશિયાનો સહયોગ અભૂતપૂર્વ રહ્યો હતો. શાળાનાં પરેશ જોષીનો સ્પર્ધાનાં સંચાલનમાં છેવટ સુધી સહયોગ રહ્યો હતો. સ્પર્ધાની પ્રશ્નોત્તરી ભેંસાણ સરકારી કોલેજનાં પ્રિન્સિપાલ ડો. વિશાલ જોષીએ તૈયાર કરી હતી. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ જૂનાગઢવાસીઓમાં જાણે કે ઉત્સાહનું ચાર્જીંગ કરી રહ્યો છે.
જાણો જૂનાગઢ સ્પર્ધામાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ જોડાયા હતાં તસ્વીર- મેહુલ ચોટલીયા
ધો. 4-5 નાં છાત્રોમાં જબરદસ્ત રસાકસી, 4 વિજેતા ઘોષિત કરાયા
ધો.4-5ની કેટેગરીમાં સૌથી વધુ રસાકસી રહી હતી. ત્યાં સુધી કે ફાઇનલ રાઉન્ડનાં અંતે પ્રથમ ત્રણને બદલે રાઉન્ડનાં ચારેયને વિજેતા ઘોષિત કરાયા હતા. કોલેજનાં છાત્રોને જે સવાલો અઘરા લાગ્યા હતા તેના જવાબો કેટેગરીનાં સ્પર્ધકોની જીભનાં ટેરવે રહ્યા હતા.
કોલેજ કેટેગરીમાં માત્ર બે વિજેતા
કોલેજનીકેટેગરીમાં બે ટીમોને શૂન્ય પોઇન્ટ મળતાં છેલ્લે સુધી માત્ર બે સ્પર્ધકો ફાઇનલ રાઉન્ડ સુધી રહ્યા હતા. જોકે, બંને વિજેતા છાત્રાઓ એકજ કોલેજની હતી.
ફાઇનલ રાઉન્ડનાં વિજેતાઓ
સ્ટુડન્ટનું નામ કોલેજ વિભાગ
1ચાવડા નિરાલી કે. સૌ. એજ્યુકેશન બી.એડ કોલેજ
2 પિઠીયા અસ્મિતા એન. સૌ. એજ્યુકેશન બી.એડ કોલેજ
સ્ટુડન્ટનુંનામ ધોરણ 9-12 વિભાગ
1ભાદરકા ક્રિષ્ના ડી. અેન.બી.કાંબલીયા હાઈસ્કુલ
2 જીકાર ભવન ટી. એન.પી. ભાલોડીયા હાઇસ્કુલ (ગુજ)
3 કુબાવત હિતાક્ષી યુ. ડી. કે. ભરાડ વિદ્યામંદીર
સ્ટુડન્ટનુંનામ ધોરણ 6-8 વિભાગ
1સૈયદ ફેજાનેરજા એમ. સરગવાડા પ્રાથમિક શાળા
2 બામરોલીયા હેતલ એસ. મારી પ્રાથમિક શાળા
3 સોલંકી રવિના કે. સિધ્ધાર્થ પ્રાથમિક સ્કુલ
સ્ટુડન્ટનુંનામ ધોરણ 4-5 વિભાગ
1ખુંગલા હર્ષ કે. આલ્ફા હાઇસ્કુલ
2 ઝાલાવાડીયા દેવ એ. આર. એસ. કાલરીયા ગુજ. પ્રા.શાળા
3 મકવાણા નિરવ પી. કૃષ્ણ વિદ્યા મંદિર
4 પરમાર ધૈર્ય સંજયભાઇ સરસ્વતી હાઈસ્કુલ