જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વરસાદી પાણીથી મચ્છરોના ઉપદ્રવમાં વધારો થતા શહેરની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 1 માસમાં ઝાડા-ઉલ્ટી, શરદી-ખાંસી સહિતના દર્દીઓમાં વધારો થયો હોય તેમ 36,333 અોપીડી નોંધાઇ છે. ત્યારે રોગચાળો વધુ વકરે તે પહેલા આરોગ્ય તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આરોગ્ય વિભાગ અને મનપા દ્વારા ગંદા પાણીમાં દવાનો છંટકાવ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં ન આવતા શહેરીજનો પર રોગચાળો ખતરો બનીને ઝળુંબી રહ્યો છે. છેલ્લા 1 માસમાં શહેરની સિવીલ હોસ્પિટલમાં 36,333 ઓપીડી નોંધાઇ છે. ઝાડા-ઉલ્ટી સહિતના કેસ હોવાનું હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેરની સિવીલ હોસ્પિટલમાં છેલ્લા 1 માસમાં ઝાડા-ઉલ્ટીના 133, શરદી-ખાંસીના 43, ડેન્ગ્યુના 3, ટાઇફોડના 4 અને કમળાના 15 પોઝીટીવ કેસ નોંધાયા હતા. વરસાદી માહોલને કારણે લોકોએ પોતાનું આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઇએ, તેમજ સાથો સાથ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દવાનો છંટકાવ થાય અને ફોગીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે તો રોગચાળો અટકી શકે છે.