જસદણના શિવરાજપુર ગામના આધેડને કોંગો ફિવર, દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાંરોગચાળો વકરવા સાથે સ્વાઇન ફ્લૂ પણ વકર્યો છે. જસદણના શિવરાજપુર ગામના એક આધેડને કોંગો ફિવરના લક્ષણ જણાતા અહીંની સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં દાખલ કરાયા છે. પરીક્ષણમાં કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રે ગંભીર નોંધ લઇને તકેદારી રૂપે પગલાં લીધા છે. બીજી તરફ કહેર મચાવી રહેલા સ્વાઇન ફ્લૂથી જસદણના દોલતપરના પ્રૌઢાનું મૃત્યુ થયું છે. સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના હજી 6 દર્દી સારવાર હેઠળ છે, તમામ 6ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

શિવરાજપુરમાં રહેતા ખેડૂત નાનજીભાઇ વસ્તાભાઇ ઝાપડિયા (ઉ.વ.45)ને તબિયત નાદુરસ્ત રહેતી હતી, તેમને કોંગો ફિવર હોવાની શંકાથી વધુ સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરાયા છે. નાનજીભાઇના લોહી સહિતના નમૂના લઇ પરીક્ષણ માટે પુના લેબોરેટરીમાં મોકલી અપાયા હતા, પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબે નાનજીભાઇને કોંગો ફિવર હોવાની જિલ્લા આરોગ્યતંત્રને જાણ કરી હતી. આરોગ્યતંત્ર દ્વારા શિવરાજપુરમાં સર્વેલન્સ ટીમને મોકલી તકેદારીના તમામ પગલાં લેવા સૂચના અાપી છે.

જ્યારે સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર હેઠળ રખાયેલા 7 દર્દી પૈકી રાજકોટના બે, ગોંડલ, જૂનાગઢ, જામનગરના 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જસદણના દોલતપરના મુક્તાબેન ભુવા (ઉ.વ.50)ને સ્વાઇન ફ્લૂ હોવાની શંકાથી અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, લોહી સહિતના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા, પરંતુ રિપોર્ટ આવે પહેલાં પ્રોઢાએ દમ તોડી દીધો હતો. જેના પગલે આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...