• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રથયાત્રામાં ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઇ બલરામે કરી નગરચર્યા

રથયાત્રામાં ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઇ બલરામે કરી નગરચર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં ભારે ભકિતભાવ પૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની16 મી રથયાત્રા યોજાઇ હતી. વરસતા વરસાદમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામે નગરચર્યા કરી હતી. રસ્તામાં ઠેર ઠેર અનેક સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રાતના સમુહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રથયાત્રા મહોત્સવ સમિતી દ્વારા ત્રિ દિવસીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.તા. 12 જુલાઇની રાત્રીના 9 વાગ્યે હાટકેશ્વર મંદિર ખાતે અમુદાન ગઢવી દ્વારા લોકડાયરો તેમજ મુકુંદભાઇ સૂચક દ્વારા આયોજીત રાધાકૃષ્ણ ભકિત સંગીત ગૃપ દ્વારા ભકિતસભર કાર્યક્રમ રજૂ થયો હતો. 13 જુલાઇએ વિષ્ણુયાગયજ્ઞ, સત્યનારાયણની કથા કરવામાં આવી હતી.

બાદમાં 14 જુલાઇએ ભગવાનને શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યે જગન્નાથજી મંદિર ગંધ્રપવાડા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પ્રસ્થાન પૂર્વે મોટાપીરબાવા મહંત તનસુખગીરી બાપુએ ચાંદીના સાવરણાથી રથયાત્રા રૂટમાં પહિંદ વિધી કરી હતી.આ તકે મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે.મેયર ગીરીશ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મનોજભાઇ જોષી, અરવિંદ સોની,જયસુખ બુટાણી,જીતુભાઇ ટાકોદરા,ભરત વાંક,જયેશ વાજા,શૈલેષભાઇ પારેખ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.રથયાત્રામાં જુદા જુદા ફલોટ્સ, રાસ અને ધૂન મંડળો જોડાયા હતા અને બેન્ડ વાજાની સંગીતમય સુરાવલી સાથે શહેરના વિવિધ વિસ્તારમાંથી રથયાત્રા પસાર થતા ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં ભાવિકોને મગ અને બૂંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. શહેરભરમાં ફર્યા બાદ રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી બાદમાં તમામ ભાવિકો માટે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો.

શહેરમાં ભકિતભાવ સાથે કાઢવામાં આવી ભગવાન જગન્નાથજીની 16મી રથયાત્રા
રથ જગન્નાથજી મંદિર, સેંજના ઓટા, લીંબડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા, પંચહાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોકથી જવાહર રોડ, ભીડભંજન મંદિર થઇને જગન્નાથજી મંદિર પરત આવ્યો હતો. ભક્તોએ દોરડાથી રથને ખેંચી માર્ગો પર ફેરવ્યો હતો. તસ્વીર-મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...