વેઇટરની ઈમાનદારી | 25 લાખ રૂ. ભરેલી બેગ પોલીસને સોંપી
ચેન્નઈ | તમિલનાડુમાં એક વેઈટરની ઇમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઇના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં કસ્ટમર પોતાની 25 લાખ રૂપિયા ભરેલી બેગ ટેબલ પર જ મૂકીને જતો રહ્યો હતો, આ બેગ પર વેઈટર રવિની નજર પડતાં તેણે આ બેગ પોતાના મેનેજરના હવાલે કરી દીધી હતી. આસિસ્ટન્ટ મેનેજર એ. બાલુએ જણાવ્યું કે રવિએ જોયા વિના જ આ બિનવારસી પેકેટ મેનેજરને સોંપી દીધું હતું. આખો દિવસ પેકેટના માલિકની રાહ જોયા બાદ આ પેકેટ ખોલતા તેમાંથી 2000ની નોટના લગભગ 23 બંડલ મળ્યાં હતાં.
આ વાતની સૂચના પોલીસને આપવામાં આવી અને બેગ પોલીસના હવાલે કરવામાં આવી. ગુરુવારે 10.30 વાગ્યાના સુમારે કસ્ટમર બેગ સોફા પર ભૂલીને ગયો હતો. બેગને કાઉન્ટર પર પરત કરનાર વેઈટર રવિ કહે છે કે અમને શીખવાડવામાં આવ્યું છે કે કસ્ટમર જો કોઈ સામાન ભૂલી જાય તો કાઉન્ટર પર જમા કરાવી દેવો, અને મેં પણ તેમ જ કર્યું. આ વેઇટરનાં ઘણાં જ વખાણ થઇ રહ્યાં છે. ચેન્નાઈ પોલીસ દ્વારા ઇમાનદારીના ઇનામ સ્વરૂપે ઘડિયાળ અને બેગના માલિકે રવિને સોનાની વીંટી ભેટમાં આપી છે.
વેઈટરને ઈનામમાં ઘડિયાળ અને સોનાની વીંટી અપાઈ.