જિંદગી જિન્દાદિલીનું બીજું નામ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહૂર ઉર્દૂ શાયર મીરઝા ગાલીબની આ શાયરીની પંક્તિ અમર છે: જિંદગી જિન્દાદિલી કા નામ હૈ/ મુર્દાદિલ ખાક જીયા કરતે હૈ.

આ શાયરી પાંચથી વધુ દાયકા પહેલાં લખાયેલી. ત્યારે જિન્દાદિલી શબ્દ ખૂબખૂબ ગવાતો કે કાવ્યો-શાયરીમાં ટંકાતો. અંગ્રેજીમાં જિન્દાદિલીને મેગ્નેનિમિટી કહે છે. ઉર્દૂ કે હિન્દીમાં તેના વ્યાપક અર્થો છે જે ઘણા સૌરાષ્ટ્રવાસીને ગુણો બાબતમાં લાગુ પડે છે. જિન્દાદિલી એટલે ઉદારતા, દાનશીલતા, નેકી, મહાનુભાવતા, મહામનસ્કતા, દરિયાદિલી, સદાશયતા અંગ્રેજીમાં આટલા બધા સમનાર્થી શબ્દો નથી. મેગ્નેનિમિટી એટલે જેનામાં ઉદાર (જુસ્સો) હોય તે અગર ખૂબ ઉદાર હોય તેવી વ્યક્તિ અને વારંવાર ભેટ-સોગદો મોકલવાની ટેવવાળો માણસ-બસ!

સૌરાષ્ટ્રમાં અને મારા મેટ્રિક સુધીના ભણતરવાળા શહેર મહુવામાં ધામી નામના જૈન શેઠ હતા તે સવારે તેની પેઢીમાં પૈસાનું પરચૂરણ લઈ બેસતા. તેમની પાસે કોઈ પણ આવીને હાથ લંબાવે તેને પાઈ પૈસો આપતા. તે ફકીર હોય, સાધુ હોય કે અમારા જેવા ટિનેજરો હોય! જિન્દાદિલી શબ્દ એટલો પ્રચાલિત થયો કે 1974માં ‘કોરા બદન’ નામની ફિલ્મમાં આશા ભોંસલેએ ‘જિંદગી જિન્દાદિલી કા નામ હૈ’ નામનું યાદગાર ગીત ગાયેલું તેમાં સુનીલ દત્ત હીરો હતો. મહેન્દ્ર દેહલવીએ આ ગીત લખેલું. ખરેખર શાયર મિરઝા ગાલિબને અનુસરીને ઘણા શાયરોએ જિન્દાદિલીનાં ગીત વધુ લંબાણથી લખ્યાં છે અને તે ફિલ્મમાં પણ વપરાયાં છે. એક ગીત જરા ધ્યાનથી સાંભળીને ટપકાવી લો: જિંદગી જિન્દાદિલી કા નામ હૈ/ જીના હૈ તો હંસ કે જીલે તું/ પ્યાર મેં ગમ કે જહર ભી પીલે તું/ નરમ નરમ હોઠો કે સૂર્ખ પૈમાને/ પી લે પી લે તું આ તું દીવાને/ મસ્તીઓ મેં ડૂબ જા રે બેખુદી કા લે મજા તું/ જિંદગી જિન્દાદિલી કા નામ હૈ, ચાર દિન કે હે ગમ/ કે યહ બાદલ, વક્ત બદલેગા આજ નહીં તો કલ.

આ વક્ત બદલેગાની પંક્તિ છેલ્લી છે પણ અમર છે. પહેલાંનાં ફિલ્મી ગીતો માણસને જીવવાની સાચી રાહની ફિલસૂફી ગાનારાં હતાં. સુનીલ દત્ત નવો નવો નવજવાન એક્ટર હતો. સાથે ફિલ્મની ‘મોટીબા’ ગણાય તેવી માલા સિંહા હતી. સુનીલ દત્તના જુવાન હોઠોમાં ત્યારે આ ગીત શોભતું હતું અને પ્રેક્ષકોને સધિયારો મળતો કે આ પીડા અને દુ:ખોના દિવસો ચાલ્યા જશે- જરૂર ચાલ્યા જશે. માટે ધીરજ ખોઈશ નહીં. (આજે આ ફિલ્મના ગીતને લગભગ પાંચ દાયકા થયા છે પણ આજે 2018માં આ ગીતના સ્પિરિટને પકડવા જેવો છે).

અંગ્રેજીમાં જેને ‘જનરોસિટી ઓફ સ્પિરિટ’ (Generosity of Spiril) કહે છે તે સૂત્ર પશ્ચિમના લેખક ડૉ. ડ્રાયફસે લખ્યું છે. આજે માત્ર પૈસાની ઉદારતા જ નહીં પણ બીજી ઘણી જાતની દરિયાદિલીની જરૂર છે. સૌથી વધુ દરિયાદિલી તમારી ભણેલગણેલી પત્ની પ્રત્યે રાખવાની છે. તમારી પત્ની તમે મધ્યમવર્ગના હો કે પૈસાપાત્ર હો પણ તેણે આ મોડર્ન ટેક્નિકલ અને મોબાઈલ યુગમાં જીવવા માટે મલ્ટિપલ સંબંધો રાખવા પડે છે! તમારી (સાચું?) પ્રેયસી કે પત્નીના આ મલ્ટિપલ સંબંધો વિશે તમારે ઉદાર બનવાનું છે. આજે દિલની વિશાળતાની ખૂબ જરૂર છે. જખ મારીને પણ ઉદાર બનવું પડશે. આજે પૈસાની તો ખૂબ જરૂર છે પણ પૈસો મળી જાય તે છતાં માણસ સંબંધનો તરસ્યો છે. એક ગરીબ માણસની જિંદાદિલી તમારી પૈસાની ઉદારતા કરતાં મહાન છે.

ડૉ. ડ્રાયફસે લખ્યું છે તે પુસ્તકમાં એક વાક્ય છે ‘લિવિંગ લાઈફ ફ્રોમ ધ ઈનસાઈડ આઉટ.’ આજે તમારે જિંદગીની દોડાદોડમાં સફળતા મેળવવા ઉપરાંત શાંતિ મેળવવાની છે. બાહ્ય જીવનને સમૃદ્ધ રાખવા સાથે હૃદયની ઉદારતા જાળવવાની છે. તમારે આ જમાનામાં કોઈની પણ સાથે અબોલા લેવાનું કે તડ અને ફડ કરીને સંબંધો તોડવાના નથી. આ જમાનો પરસ્પર સહકાર અને ક્ષમાભાવનાનો છે. આ કાદુ મકરાણીનો જમાનો નથી કે થોડુંક વાકું પડ્યું તથા ‘બહારવટે’ ચઢી જવાનું નથી! ખાસ તો હવે બહારવટું શબ્દ નકામો થયો છે પણ આજે જુદી જાતના ‘બહારવટાં’ આવ્યાં છે તમારે સંબંધોના ‘કાદુ મકરાણી’ બનવાનું નથી. તમારે ક્ષમાશીલ બનવાનું છે. રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિને અનુસરવાનું છે. છેલ્લે જો તમે નવા મહાત્માને જાણતા હો તો રાજર્ષિ મુનીની (સુરેન્દ્રનગર અગર જાખણ ગામ) વાતોને અનુસરવાનું છે.

કોઈ પણ મિત્ર કે નિકટની વ્યક્તિ કે પતિ કે પત્નીની વર્તણૂકના ન્યાયાધીશ બનવાનું નથી. અંગ્રેજીમાં જેને ‘નોન જજમેન્ટલ ઓટિટ્યુડ’ અર્થાત્ કોઈ પણ વિચાર કે વર્તનના આપણે ન્યાયાધીશ બનવાનું નથી. ન્યાયતંત્રમાં પણ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ અને પછી પણ પગથિયાં છે. તો આજ શ્રેષ્ઠ ટૂંકો રસ્તો છે અને તેનું જૂનું સૂત્ર અપનાવવાનું છે ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ.’ તમારે સાધુતા બતાવવા માટે રુદ્રાક્ષની માળા પહેરવાની જરૂર નથી પણ ક્ષમાનો ગુણ સદા દિલમાં રાખવાનો છે. સૌપ્રથમ તમારી પત્ની, પછી તમારાં સંતાનો અને પછી મિત્રોની ગુસ્તાખીને માફ કરવાની છે. ડૉ. ડ્રાયફસ કહે છે- જે વ્યક્તિમાં જનરસિટી ઓફ સ્પિરિટ હશે તે જ 21મી સદીમાં સુખેથી જીવી શકશે. આજે માત્ર લક્ષ્મીવાન હોવું તે સર્વસ્વ નથી. આજે તમારાં સંતાનોની લાઈફસ્ટાઈલ સાથે તમે સંમત ન થાઓ અને તમારી પત્ની હવેલી કે મંદિર દર્શન કરવાને બદલે લેડી ઝ ક્લબમાં જાય તો તે ઉદાર મનથી સ્વીકારી લેવાનું છે!


કાન્તિ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...