ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી ન જોઇએ’ એવો મહત્ત્વનો સિદ્ધાંત આપણા બંધારણમાં છે. આપણું બંધારણ આરોપીને નિર્દોષતા સાબિત કરવાની તમામ તકો આપે છે. જોકે સવાલ એ છે કે જ્યારે એ સાબિત થઇ જાય કે વ્યક્તિ ગુનેગાર છે પછી એને સજા ક્યારે મળવી જોઇએ? ફાંસીની સજાને લઇને લોકોમાં જાતજાતના મતમતાંતર છે. એક વર્ગ એવું માને છે કે ફાંસીની સજા ન હોવી જોઇએ. બીજો એક વર્ગ એવું માને છે કે અમુક ગુનાની સજા તો મૃત્યુદંડ જ હોવી જોઇએ. બંધારણમાં ફાંસીની સજાની જોગવાઇ છે. કાયદામાં એવું કહેવાયું છે કે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં જ આ સજા આપવામાં આવે. આમ છતાં, ફાંસીનો ચુકાદો આપી દેવાયો હોય એ પછી તેના અમલમાં આપણા દેશમાં જેટલો વિલંબ થાય છે એટલો ભાગ્યે જ કોઇ દેશમાં થતો હશે.

દિલ્હીની નિર્ભયા ઉપર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી હમણાં ફગાવી દેવામાં આવી. આ ઘૃણાસ્પદ બનાવ બન્યો એને કેટલો સમય થયો? એ ગોઝારો દિવસ હતો 16મી ડિસેમ્બર 2012નો. આ ઘટનાએ આખા દેશને ખળભળાવી દીધો. આરોપીઓ મુકેશસિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા, રામસિંહ અને એક સગીર આરોપીની ધરપકડ થઇ. સગીર તો તેની સજા ભોગવીને છૂટી પણ ગયો. એક આરોપી રામસિંહે દિલ્હીની તિહાર જેલમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. બાકીના ચાર આરોપીઓ ઉપર કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. સુપ્રીમે તો એનું કામ પૂરું કરી લીધું. હવે ગુનેગારો પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાનો એક ઉપાય બાકી રહ્યો છે. નિર્ભયા પર દુષ્કર્મની ઘટનાને છ વર્ષ જેટલો સમય થયો છે. હજુ કોણ જાણે ક્યારે ગુનેગારોને અપાયેલી સજાનો અમલ થશે.

દેશમાં એવા કેટલાયે કિસ્સાઓ મોજૂદ છે જેમાં ફાંસીની સજા આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ દયાની અરજી પણ ફગાવી દીધી છે પણ તેમને ફાંસીના માંચડે ચડાવવાનું મુહૂર્ત જ આવતું નથી. તેના કારણે એક સૂર એવો પણ ઊઠ્યો છે કે કાં તો ફાંસીની સજા જ રદ કરી દો અને જો રાખવી હોય તો જેની તમામ વિધિ પૂરી થઇ છે તેને ફટાફટ ફાંસી આપી દો. જેને ફાંસીની સજા ફરમાવાઇ છે તેના માટે પણ આ જરૂરી છે, તેને તો ફાંસીની સજા મળવાની છે અને હવે મરવાનું છે એ ડરે રોજેરોજ મરવું પડે છે. નિર્ભયાના કેસમાં એક ગુનેગારે તો હજુ સુપ્રીમમાં અરજી પણ નથી કરી. તેના વકીલ કહે છે કે એ હવે અરજી કરશે. મતલબ કે જ્યાં સુધી અરજીની કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી હજુ અમલની વાત લટકતી રહેવાની છે. જે ત્રણ ગુનેગારોની અરજી સુપ્રીમે ફગાવી દીધી છે તેના વકીલોએ તો બીજા દેશોએ ફાંસીની સજા રદ કરી છે એની દુહાઇ આપીને ફાંસીની સજા રદ કરવાની જ માંગણી કરી હતી. વકીલો તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે બ્રિટન, અમુક લેટિન અમેરિકન દેશો અને ઓસ્ટ્રેલિયાએ મૃત્યુદંડ આપવાનું બંધ કર્યું છે એટલે આપણા દેશે પણ ફાંસીની સજા આપવાનું બંધ કરી દેવું જોઇએ. આ અનુસંધાને સુપ્રીમ કોર્ટના જજીસે એવું કહ્યું હતું કે બીજા દેશોએ બંધ કર્યું એટલે આપણા દેશે કરવું જોઇએ એ વાત યોગ્ય નથી. બીજી વાત એ કે બંધારણમાં ફાંસીની સજાની જોગવાઇ છે અને અદાલતો બંધારણને અનુસરે છે અને જે યોગ્ય લાગે એ ચુકાદો આપે છે.

એમ તો ઘણા દેશો એવા પણ છે જેણે મૃત્યુદંડ આપવાનું બંધ કર્યું હતું અને પછી ફરીથી ફાંસીની સજા ચાલુ કરી હોય. પાકિસ્તાન એનું સૌથી મોટું ઉદાહરણ છે. પાકિસ્તાને 2008માં ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ડિસેમ્બર 2014માં પેશાવરમાં શાળા પર થયેલા ટેરરિસ્ટ હુમલા બાદ ફાંસીની સજા ફરી શરૂ કરી. પેશાવર એટેકમાં 132 બાળકો સહિત 140 લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા 30 મહિનામાં પાકિસ્તાને 465 લોકોને ફાંસીના માંચડે ચડાવી દીધા છે. મતલબ કે પાકિસ્તાનમાં સરેરાશ દર બે દિવસે એક ગુનેગારને ફાંસી આપવામાં આવી છે. ટેરરિઝમ સાથે સંકળાયેલા ગુનેગારોને કોઇ જાતના વિલંબ વગર ફાંસી આપી દેવાય છે. પાકિસ્તાન આજે દુનિયામાં ચીન, ઇરાન, સાઉદી અરેબિયા અને ઇરાક પછી મૃત્યુદંડ આપવામાં પાંચમા નંબરે પહોંચી ગયું છે.

રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા પછી ગત 23મી એપ્રિલના રોજ તેમણે દયાની પહેલી અરજી ફગાવી દીધી હતી. આ અરજી પત્ની અને પાંચ સંતાનોના હત્યારા જગત રાયની હતી. જગત રાયનો ફાઇનલ ચુકાદો સુપ્રીમે સપ્ટેમ્બર 2013માં આપી દીધો હતો. તે પછી પાંચ વર્ષે દયાની અરજી ફગાવાઇ. હજુ જગત રાયને ક્યારે ફાંસી અપાશે એ સવાલ છે. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની મુદત પૂરી થાય એ પહેલાં તેમણે દયાની 32 અરજીનો નિકાલ કર્યો હતો. તેમાંથી 28 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આપણા દેશમાં પાંચ વર્ષ અગાઉ તારીખ 9મી ફેબ્રુઆરી 2013ના રોજ સંસદ ભવન પર હુમલાના ગુનેગાર અફઝલ ગુરુ અને તે અગાઉ તારીખ 21મી નવેમ્બર 2012ના રોજ મુંબઇ હુમલાના ગુનેગાર અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી. આપણા દેશમાં ગયા વર્ષે એટલે કે 2017માં વિવિધ અદાલતોએ 109 ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી છે. તે અગાઉના વર્ષે એટલે કે 2016માં 136 ગુનેગારોને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ બધાના કેસો તો હજુ ઉપલી અદાલતોમાં ચાલી રહ્યા છે પણ એવા અનેક ગુનેગારો છે જેની દયાની અરજી રાષ્ટ્રપતિએ ક્યારનીયે ફગાવી દીધી છે. આપણે ત્યાં એવો કોઇ નિયમ કે સમયમર્યાદા નથી કે રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે પછી કેટલા સમયમાં ફાંસી આપી દેવામાં આવે. આવો નિયમ બનવો જોઇએ કે દયાની અરજી ફગાવી દેવાય પછી મેક્સિમમ આટલા દિવસમાં ફાંસીનો અમલ કરી દેવો જોઇએ. દેશના ગુનેગારોને ફાંસીનો ડર નથી તેનું એક કારણ એ પણ છે કે ફાંસીના માંચડા સુધી પહોંચતા તો આખી જિંદગી નીકળી જાય છે. જે લોકોને ફાંસી આપવાની છે એવા ખુંખાર ગુનેગારોની વાત જાણીએ તો એમ જ થાય કે આ લોકોને તો વહેલી તકે ફાંસી આપી દેવી જોઇએ. આપણે ત્યાં તો ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને પણ હજુ સુધી ફાંસી આપવામાં નથી આવી. અમુક કિસ્સાઓમાં તો રાજકારણ પણ વચ્ચે આવતું રહે છે. હાઇટ તો એ છે કે હવે જેને ફાંસી આપવાની છે એ ગુનેગારો એવી અરજીઓ કરી રહ્યા છે કે અમને ફાંસી આપવામાં બહુ વિલંબ થયો છે એટલે હવે અમને ફાંસીમાંથી મુક્તિ આપી દેવી જોઇએ. કોઇપણ કાયદાનો ડર તો જ રહે જો કાયદાનો કડક અમલ કરવામાં આવે. આપણે ત્યાં ફાંસીની સજાની જોગવાઇ તો છે પણ એના નિયમો બહુ હળવા અને સમય ખાઇ જાય એવા છે. સરકારે આ વિશે ગંભીરતીથી વિચાર કરવાની જરૂર છે. kkantu@gmail.com

અન્ય સમાચારો પણ છે...