તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં વિકાસના કામો બન્યા કમાણીનું સાધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવતા વિકાસના કામો અધિકારીઓ માટે કમાવાનું માધ્યમ બની રહ્યા છે. એકના અેક રસ્તા અને શહેરની ફૂટપાથો વારંવાર તોડવામાં આવે છે અને બાદમાં ફરી બનાવવામાં આવે છે. અણઆવડત વાળા અધિકારીઓના કારણે એકતો પ્રજાના નાણાંનો વેડફાટ થાય છે બીજી તરફ લોકોનો એક સુવિધા મળે ત્યાં બીજી સુવિધાથી હાથ ધોવા પડે છે અથવા તેને લઇને લાંબા સમય સુધી હેરાન પરેશાન થવું પડે છે. હાલમાં શહેરના રેલવે સ્ટેશન સામેના રોડની બાજુમાં ગટરની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરીને લઇને લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલી ફૂટપાથ તોડી નાંખવામાં આવી છે. ત્યારે કામ પૂર્ણ થયે ફરી ફૂટપાથ બનશે ખરી ? અને બનશે તો પણ પહેલા જેવી મજબૂત કામગીરી થશે ખરી ? તેવા સવાલો સ્થાનિક લોકોમાં ઉઠવા પામ્યા છે. મનપાના અધિકારીઅોની અણઆવડતના કારણે શહેરમાં અગાઉ પણ અનેક વખત રસ્તા ખોદવામાં આવ્યા હતા. રસ્તા બની ગયા બાદ ગટર, પાણીની લાઇન, ટેલીફોનના કેબલ તેમજ પીજીવીસીએલના કેબલ વગેરે નાંખવા માટે રસ્તાને વારંવાર તોડવામાં આવ્યા છે અને ફરી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ગટર માટે ફૂટપાથોનું નિકંદન નિકળી રહ્યું છે. બાદમાં ફરી ફૂટપાથ બનાવાશે. આમ, મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી થઇ રહેલા શહેરના વિકાસ કામો મનપાના અધિકારીઓ માટે કમાવાનું માધ્યમ બની રહ્યાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

કામનાં સ્થળે બેરીકેટ કર્યું ન હોય અકસ્માતની વધતી સંભાવના
જૂનાગઢ | એક તરફની ફૂટપાથ ગટરના કામ માટે ખોદી નાંખવામાં આવી છે જયારે બીજી તરફની ફૂટપાથ પર બાજુની ગટરની સફાઇ કરી તેના કાદવ, કિચડને ફૂટપાથ પર નાંખી દેવામાં આવતા આ ફૂટપાથ પણ ચાલવા લાયક રહી નથી. આ ઉપરાંત આ ફૂટપાથ પર જાહેરાતના બોર્ડ તેમજ પીજીવીસીએલના પોલ પણ આવેલા હોય પબ્લીક ફૂટપાથનો ઉપયોગ કરી શકતી નથી. તસ્વીર - ભાસ્કર

કામનું બોર્ડ નથી |નિયમ મુજબ જયાં કામ થતા હોય ત્યાં કામ કરનાર કોન્ટ્રાકટરનું નામ, ફોન નંબર, કયું કામ, કેટલા રૂપિયાનું કામ, કયાં મટિરીયલ્સનો ઉપયોગ, કામ પર દેખરેખ રાખનાર અધિકારીનું નામ અને નંબર તેમજ કામ પુર્ણ કરવાની સમય મર્યાદા વગેરે લખવાના હોય છે જેથી લોકોને કોઇ ફરિયાદ કરવી હોય તો કરી શકે. જોકે આ નિયમની અમલવારી થતી નથી અને અમલવારી કરાવવાની મનપાના અધિકારીઓ તસ્દી લેતા પણ નથી માટે આડેઘડ કામ ચાલે છે.

બેરીકેટ ન કરાતા અકસ્માતનો ભય |જયાં કામ થતું હોય ત્યાં લાલ પટ્ટી બાંધી બેરીકેટ કરવાનું હોય છે જેથી દૂરથી અાવતા વાહન ચાલક, રાહદારીને ખબર પડે કે કામ ચાલુ છે જેથી અકસ્માતથી બચી શકાય. જોકે રેલવે સ્ટેશનની સામેના રોડ બાજુ થતા કામોમાં આવું બેરીકેટ નથી જેથી ખાસ કરીને રાત્રીના સમયે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...