તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ આવનારનાં ફરવા માટેનાં લિસ્ટમાં ગિરનાર ઉપરાંત ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ આવનારનાં ફરવા માટેનાં લિસ્ટમાં ગિરનાર ઉપરાંત ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ મંદિર, દામોદર કુંડ, મ્યુઝિયમ, આટલાં સ્થળો તો હોય હોય ને હોયજ. ઉપલા દાતારની જમિયલશા પીરની જગ્યાએ વર્ષે લાખ્ખો યાત્રાળુઓ આવે છે. તો ગિરનારની પરિક્રમામાં આવતા આશરે 9 થી 10 લાખ યાત્રાળુઓ માટે તો તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરવી પડે છે. ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રિનો મેળો પણ પરંપરાગત યોજાતો આવે છે. આ મેળામાં દર વર્ષે અંદાજે 8 થી 10 લાખ ભાવિકો આવે છે. હવે તો રાજ્ય સરકારે તેને મીની કુંભનો દરજ્જો આપી દીધો છે. આ સિવાય વર્ષ દરમ્યાન મકર સંક્રાંતિ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને નાતાલની રજાઓમાં પ્રવાસીઓનાં ઘોડાપૂર ઉમટવા લાગ્યા છે. આ દિવસોમાં ગુજરાતભરનાં પ્રવાસીઓ આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ગીરનારના જંગલમાં અાવેલી જટાશંકર, કાશ્મીરીબાપુની જગ્યા, બોરદેવીની જગ્યા, સરકડીયા હનુમાનજીની જગ્યા, આત્મેશ્વર, ઇંટવા, મથુરેશ્વર મહાદેવની જગ્યા, રામનાથ મહાદેવ, વગેરે સ્થળોએ ભારે ભીડ હોય છે. આ રીતે અહીં નેચર ટુરિઝમ વિકસ્યું છે. ગીરનાર પર તો કોઇપણ સીઝનમાં યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુજ હોય છે. આખા ભારતમાંથી જૈન સંઘો ચાતુર્માસ ઉપરાંત વર્ષભર યાત્રાએ આવતા રહે છે. જૂનાગઢ શહેરમાં પણ હવે લોકો શનિ-રવિના દિવસોમાં ફક્ત ફરવાના હેતુથી બાઇક લઇને આવી પહોંચે છે. દોઢ દાયકા પહેલાં બનેલા અક્ષર મંદિર, જવાહર રોડ પર આવેલા સ્વામી નારાયણ મંદિરે પણ લોકો મોટી સંખ્યામાં અાવે છે. તો ભાદરવી અમાસનાં દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી દોઢથી પોણા બે લાખ ભાવિકોનો ધસારો રહે છે. ગીરનાર જંગલમાં વહેતા વોંકળામાં ખાસ ન્હાવા માટે પણ લોકો સૌરાષ્ટ્રભરમાંથી જૂનાગઢ આવતા થયા છે. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ દેશભરમાંથી ખેડૂતોની બસો નવી ટેક્નોલોજી નિહાળવા આખું વર્ષ મુલાકાતે આવતી રહેતી હોય છે. જામકાની ગિર ગાય આધારિત ખેતી અને જીવન પદ્ધતિ નિહાળવા તાજેતરમાં છેક બ્રાઝીલનાં પશુ તજજ્ઞો અાવી ગયા. અહીં હવે ગિર ગાય આધારિત ટુરિઝમ પણ વિકસ્યું છે. ટૂંકમાં પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢ આખા ગુજરાતનું હબ બની ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...