તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી જીતેલા સાંસદોનો શપથગ્રહણ સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન | પ્રમુખ ટ્રમ્પવિરોધી અને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ નેન્સી પેલોસી અમેરિકી પ્રતિનિધિ સભા એટલે કે નીચલા ગૃહનાં અધ્યક્ષપદે ચૂંટાયાં છે. તેઓ અગાઉ 2007થી 2011 સુધી આ પદ સંભાળી ચૂક્યાં છે. આ પદ પર ફરી પહોંચેલાં એકમાત્ર મહિલા સાંસદ છે. પેલોસીની જીત એવા સમયે થઇ છે કે જ્યારે મેક્સિકો સરહદે દીવાલ બનાવવા ફંડની પ્રમુખ ટ્રમ્પની માગ પર શટડાઉન છે અને પેલોસી ટ્રમ્પની આ યોજનાની વિરુદ્ધ છે. અમેરિકામાં ગત વર્ષના અંતે મધ્યસત્ર ચૂંટણી થઇ હતી. આ ચૂંટણી બાદ નીચલા ગૃહમાં વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી બહુમતીમાં આવી ગઇ છે. અધ્યક્ષપદે ચૂંટાવા અંગે નેન્સીએ કહ્યું કે આ વર્ષ અમેરિકામાં મહિલાઓને મતાધિકાર મળ્યાનું 100મું વર્ષ છે. પહેલી વાર ગૃહમાં 100થી વધુ મહિલાઓ પહોંચી છે.

નેન્સી પેલોસી અમેરિકાના સૌથી શક્તિશાળી મહિલા બન્યાં
અમેરિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ બાદ ત્રીજું મોટું પદ અધ્યક્ષનું છે. પ્રથમ બે હોદ્દા પર પુરુષો છે. આ દૃષ્ટિએ નેન્સી પેલોસી અમેરિકાનાં સૌથી શક્તિશાળી મહિલા બની ગયાં છે. સાથે જ તેઓ વિપક્ષનું નેતૃત્વ પણ કરશે.

ટ્રમ્પવિરોધી મહિલા સાંસદ નેન્સી પેલોસી નીચલા ગૃહના અધ્યક્ષ બન્યાં, આ પદ પર ફરી પહોંચેલાં પ્રથમ મહિલા, પહેલી વાર સાંસદે કુર્રાનના શપથ લીધા હતા
ઇલ્હાન: કુર્રાનના શપથ લેનારા પ્રથમ મહિલા સાંસદ
મધ્યસત્ર ચૂંટણીમાં પહેલી વાર બે મુસ્લિમ ઉમેદવાર ઇલ્હાન ઉમર અને રાશિદા તાલિબે વિજય મેળવ્યો છે. બંને ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીત્યાં. ઇલ્હાને હિજાબ પહેરીને કુર્રાનના શપથ લીધા. તેઓ આમ કરનારાં અમેરિકી ઇતિહાસમાં પ્રથમ મહિલા સાંસદ છે.

અમેરિકી સ્પીકર બનવાનો મતલબ
અમેરિકી બંધારણ મુજબ જરૂર પડ્યે ઉપપ્રમુખ બાદ સ્પીકર પ્રમુખની જગ્યા લઇ શકે છે. પ્રતિનિધિ સભામાં બહુમતી ધરાવતા પક્ષનું લેજિસ્લેટિવ એજન્ડા પર નિયંત્રણ હોય છે. આ પક્ષ ડિબેટના નિયમો પણ નક્કી કરે છે. ટ્રમ્પ સામે મહાભિયોગ માટે નેન્સી પર તેમના પક્ષના સભ્યોનું દબાણ છે. જોકે, તેમનું કહેવું છે કે રાજકીય કારણોસર કોઇની સામે મહાભિયોગ ન લાવવો જોઇએ. નેન્સી મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના વ્યૂહરચનાકાર પણ રહ્યાં. આ પહેલાં તેઓ ઓબામા સરકારની હેલ્થ સ્કીમ ‘અફોર્ડેબલ કેર’ને મંજૂરી અપાવવા માટે લડાઇ લડ્યાં.

ઇલ્હાન 23 વર્ષ પૂર્વે કેન્યાના રેફ્યૂજી કેમ્પમાંથી આવી હતી
ઇલ્હાન ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર મિનેસોટાથી સાંસદ બની છે. શપથગ્રહણ પહેલાં તેણે ટિ્વટ કર્યું કે 23 વર્ષ પહેલાં તે કેન્યાના એક રેફ્યૂજી કેમ્પમાંથી તેના પિતા સાથે વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર પહોંચી હતી. આજે સાંસદ તરીકે શપથ લેવા ફરી તે જ એરપોર્ટ પરથી તેના પિતા સાથે આવી.

અન્ય સમાચારો પણ છે...