Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડુંગળીની કાપણી-સંગ્રહ યોગ્ય રીતે કરે તો ખેડૂતો કમાણી કરી શકે
તાજેતરમાંજ ડુંગળીના ભાવો આસમાને આંબી ગયા પછી સરકારે વિદેશથી આયાત કરતાં ભાવો પાછા કાબુમાં આવ્યા છે.
આ બધો લાભ ઘણુંખરું વેપારીઓ લઇ જતા હોય છે. પણ જો ખેડૂતમિત્રો પદ્ધતિસર 4 થી 5 મહિના સુધી ડુંગળીનો સંગ્રહ કરે તો તેને સારા ભાવ મળી શકે.
ડુંગળીનો સંગ્રહ કરવા માટે થાંભલા પર લટકાવીને, સીકા પદ્ધતિ અને મેડા પદ્ધતિ એમ 3 રીતો પ્રચલિત છે
થાંભલા પદ્ધતિ : જૂનાગઢ કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો કહે છે, ડુંગળીના સંગ્રહ માટે ડુંગળીને પાન સાથે ઝુડીઓ બનાવીને થાંભલા ફરતે ગોળ લટકાવાય છે. જેમાં નીચેના ભાગે પાયો પહોળો થાય અને ઉપર જતાં થર ઓછો થતો જાય એ રીતે શંકુ આકારમાં ઝુડી ગોઠવાય છે. આ પદ્ધતિમાં સીઝન પ્રમાણે વજનમાં થતા થર સિવાય અન્ય રીતે થતું ઘટાડાનું પ્રમાણ અોછું છે. કારણકે, ડુંગળી થાંભલા પર લટકતી હોવાથી ચારે બાજુથી હવાની અવરજવર રહે છે. આ પદ્ધતિ નાનાથી મધ્યમ પ્રકારના સંગ્રહ માટે અનુકૂળ છે.
મેડા પદ્ધતિ : થકી લાંબા ગાળા કે વધુ જથ્થામાં ડુંગળીનો સંગ્રહ કરી શકાય છે. ખાસ પ્રકારના મેડામાં 5 માસ કે તેથી વધુ સમય સુધી ડુંગળીનો સંગ્રહ કરી શકાય. તે વધુ હવા ઉજાસવાળી જગ્યામાં બનાવવા જોઇએ. તે જમીનથી 3-4 ફૂટ ઉપર લાકડાની કે વાંસની પટ્ટીઓ વચ્ચે એક ઇંચ જગ્યા રહે એ રીતે પ્લેટફોર્મ બાંધી બનાવાય છે. આવા પ્લેટફોર્મ ઘણીવાર એકની ઉપર એક એમ કરતાં વધારે હોય છે. પ્લેટફોર્મ ઉપર 3થી 5 ફૂટ ઉંચાઇ રહે એ રીતે પાંદડા વગરની ડુંગળીનો સંગ્રહ કરાય છે. આ માટેના બાંધકામમાં દીવાલમાં હવાની સતત અવરજવર રહે એ માટે અસંખ્ય બારી રાખવી. એનાથી તાજી હવા દાખલ થાય, ગરમ ભેજવાળી હવા બહાર નિકળી જાય.
સીકા પદ્ધતિ : જે ખેડૂતને નાના જથ્થામાં ઘર વપરાશ માટે ડુંગળીનો સંગ્રહ કરવાનો હોય તેઓ દોરીની જાળી (નેટ) બનાવી તેની અંદર 40થી 60 કિલોના જથ્થામાં ડુંગળીને હવામાં અદ્ધર લટકાવાય છે. આ પદ્ધતિમાં ફરતે હવાની અવરજવર વધુ રહેતી હોવાથી તેમાં વજનની ઘટ સિવાય ખાસ કોઇ બગાડ થતો નથી. આ સંગ્રહ પદ્ધતિ સૌથી ઉત્તમ ગણાય. પરંતું આ પ્રકારના સંગ્રહમાં જગ્યા વધુ જોઇએ. આથી તે મધ્યમથી મોટા જથ્થાના સંગ્રહ માટે અપનાવવી મુશ્કેલ છે.
ડુંગળીની કાપણી માટે આટલું ધ્યાન રાખો
જાત પ્રમાણે 4 થી 5 મહિને કાંદા કાપણી માટે તૈયાર થાય છે.
છોડના પાન પીળા પડી જાય અને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કાંદા કાપણી માટે તૈયાર છે એમ સમજવું.
કાપણી સમયે હવામાન ઝાકળવાળું, બહુ ઠંડુ કે તડકાવાળું હોવું જોઇએ નહીં. કે ગરમ પવન ફૂંકાતો હોવો જોઇએ નહીં.
કાપણી પહેલાં હાથથી અથવા હળવો સમાર કે પાટિયું ફેરવી છોડનો ઉપરનો ભાગ ઢાળી દેવો.
કાપણી માટે હાથથી છોડ ખેંચી લેવા કે જરૂર પડે તો ઓજારનો ઉપયોગ કરવો. પણ કાંદાને ઇજા ન પહોંચે એનું ધ્યાન રાખવું.
ડુંગળી ચિમળાઇ જતી અટકાવવા ખેતરમાં જ છાંયાવાળી ખુલ્લી જગ્યામાંં 10થી 15 દિવસ રાખવા.