સર્પદંશથી પુત્રનું મૃત્યું થયાના 12 કલાકમાં મહિલાએ ડિલેવરી દરમિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્પદંશથી પુત્રનું મૃત્યું થયાના 12 કલાકમાં મહિલાએ ડિલેવરી દરમિયાન પુત્રને જન્મ આપતા ગમગીન પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના વિરડી ગામના પ્રવિણભાઇ ભરડાના 1 વર્ષ અને 4 માસના પુત્રને સવારે 8:30 વાગ્યે સર્પે દંશ દેતા તેનું સારવાર મળે તે પહેલા મૃત્યું નિપજયું હતું. આ ઘટનાને કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. દરમિયાન તેમના સગર્ભા પત્નીએ રાત્રીના 8:30 વાગ્યે બાળકને જન્મ આપતા પરિવારમાં ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. જોકે,12 કલાકમાં પરિવારમાં ખુશી પરત લાવવામાં સ્થાનિક આશાવર્કર કલાબેન વેગડાનો મહત્વનો રોલ રહ્યો હતો. વાત જાણે એમ બની હતી કે, પ્રવિણભાઇના પુત્રને સર્પે દંશ દેતા તેઓ છકડો રિક્ષામાં પુત્રને સારવાર માટે લઇ ગયા હતા જેને કારણે પ્રાથમિક સારવાર ન મળવા ઉપરાંત સમયસર હોસ્પિટલે ન પહોંચતા બાળક ગૂમાવવો પડયો હતો. જયારે સાંજે પ્રવિણભાઇના પત્નીને પ્રસવની પીડા ઉપડી ત્યારે આશાવર્કર કલાબેન વેગડાએ સવારની ઘટનાને વર્ણવી ખાનગી વાહનને બદલે 108માં લઇ જવા પરિવારજનોને સમજાવી દીધા હતા. બાદમાં 108ને ફોન કરતા ઇઅેમટી કૌશીક ગામી અને પાયલોટ ભરતભાઇ નંદાણીયાએ તુરત પહોંચી ગયા હતા. જોકે સવારે પુત્ર ગૂમાવ્યો હોય ગમના કારણે મહિલાની સ્થિતી અર્ધબેભાન જેવી હતી. એવામાં હોસ્પિટલે પહોંચે તે પહેલા બાળકનું માથું બહાર આવી ગયું હતું. જોકે આવી સ્થિતીમાં પણ પ્રાથમિક સારવાર અને બાદમાં માળીયા હાટીના સીએચસીમાં મળેલી યોગ્ય સારવારના કારણે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આમ, ગૂમાવેલો પુત્ર 12 કલાકમાં પરત મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...