તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસો નહિ પરંતુ અષાઢ મહિનો હોય તેમ મેઘરાજા શનિવારથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આસો નહિ પરંતુ અષાઢ મહિનો હોય તેમ મેઘરાજા શનિવારથી ધોધમાર વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે ગરબીના મોટા આયોજન કરનારા અનેક આયોજકો મુંઝવણમાં મુકાયા છે. વરસાદ બંધ થવાનું નામ ન લેતા આખરે અનેક આયોજકોએ નોરતાના પ્રથમ દિવસે ગરબા જ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દરમિયાન ભારે વરસાદના કારણે ગરબા બંધ રહેતા ખેલૈયાના રંગમાં ભંગ પડયો છે. હવામાન વિભાગની હજુ 48 કલાકની ભારે વરસાદની આગાહી હોય ખેલૈયા અને આયોજકોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માત્ર ભૂદેવો માટે ઝાંઝરડા ચોકડી સ્થિત મધુરમ ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. દરમિયાન ભારે વરસાદના કારણે રવિવારે ગરબા બંધ રાખવામાં આવ્યા છે. જયારે શ્રીગૌડ માળવીય બ્રહ્મ સમાજ દ્વારા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરેલ છે જેમાં ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઇ જતા રવિવારે ગરબા બંધ રાખવામાં આવેલ હોવાનું શૈલેષભાઇ દવેએ જણાવ્યું હતું. જયારે ગ્રીન સિટી પાસેની ફળદુ વાડી ખાતે ઉમાવંશી યુવા સોશ્યલ ગૃપ દ્વારા ઉમા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. દરમિયાન ભારે વરસાદના કારણે રવિવારે ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચેતનભાઇ ફળદુ અને લલીતભાઇ ત્રાંબડીયાએ જણાવ્યું છે. જયારે ગ્રીન સિટી ખાતે રોયલ કલબ દ્વારા કલબ મેમ્બરો માટે આયોજીત ગરબીમાં પણ નોરતાના પ્રથમ દિવસે ગરબી બંધ રાખવામાં આવી હોવાનું બ્રિજેશભાઇ પટેલીયાએ જણાવ્યું છે. જયારે સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધી સમાજના જ્ઞાતિજનો માટે ઝાંઝરડા ચોકડી પર નવરાત્રીનું આયોજન કર્યું છે જેમાં વરસાદના કારણે રવિ અને સોમ એમ 2 દિવસ ગરબી બંધ રાખવામાં આવનાર હોવાનું રાજુભાઇ નંદવાણીએ જણાવ્યું છે. આમ, વરસાદના કારણે નોરતાના પ્રથમ દિવસે જ ખેલૈયાઓ નવરાત્રીનો આનંદ ઉઠાવી શકયા નથી. દરમિયાન હજુ પણ ભારે વરસાદની આગાહી હોય કેવો વરસાદ પડે છે તેના આધારે સોમવારે ગરબી ચાલુ રહેશે કે નહી તે નક્કી કરવામાં આવનાર હોવાનું આયોજકો એ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...