લોકશાહી પર્વ |મારે ભલે એક પગ રહ્યો, કેલીપર્સ પહેરીને ચૂંટણી ફરજ બજાવીશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત દિવ્યાંગોને પણ ફરજ સોંપવામાં આવી છે. 40 ટકાથી નીચેની દિવ્યાંગતા ધરાવતા કર્મીઓને ચૂંટણી અંગેની ફરજ સોંપી ચૂંટણી તંત્રએ સામાન્ય કર્મી તેમજ દિવ્યાંગો વચ્ચેનો ભેદ મિટાવવાનો પ્રયાસ કર્યો છે. જૂનાગઢ લોકસભા હેઠળ 5 વિધાનસભા મતવિસ્તાર આવે છે. દરેક વિધાનસભા દિઠ એક બુથ દિવ્યાંગો દ્વારા સંચાલિત હશે.

એક બુથમાં કુલ 5 દિવ્યાંગોને ચૂંટણીની ફરજ સોંપવામાં આવશે. આમ, 5 પીડબલ્યુડી બુથમાં મળી કુલ 25 દિવ્યાંગો પોતાની ફરજ બજાવશે. આ માટે તાલીમ પણ આપવામાં આવી છે અને હજુ પણ તાલીમ આપવામાં આવશે. દરમિયાન આવી જ તાલીમ મેળવેલ એક દિવ્યાંગ અને હાલ બહાઉદીન કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ચંદુભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે,ભલે મારે એક પગ છે પરંતુ કેલીપર્સ પહેરીને પણ ચૂંટણી ફરજ બજાવીશ.

જયારે કૃષિ યુનિવર્સિટીના અેકઝીકયુટીવ ધવલભાઇ થાનકીએ જણાવ્યું હતું કે, આ કામગીરીથી અમારા કોન્ફીડન્સમાં વધારો થશે. બીજા કરશે તેના કરતા પણ વધુ સારી કામગીરી કરી ચૂંટણી તંત્રએ અમારા પર મૂકેલા વિશ્વાસને પરિપૂર્ણ કરીશું. દિવ્યાંગોને તક આપી છે તેનું ગૌરવ છે. જયારે નાયબ વન સંરક્ષક કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રભુદાસભાઇ ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે,મને ખુશી છેકે નિવૃત્તિના 1 વર્ષ પહેલા લોકશાહીના પર્વની ઉજવણીમાં શામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ફરજ સોંપી છે તો પૂરી નિષ્ઠાથી કરીશું.

અન્ય સમાચારો પણ છે...