ઉનાનું આખું ગામ 27 વર્ષીય યુવાનથી ભયભીત, માતા પિતા રાખે છે સાંકળથી બાંધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના: ગીરગઢડા તાલુકાનાં જરગલી ગામે એક પરીવારને પોતાના એકમાત્ર જુવાનજોધ પુત્રને 6 વર્ષથી સાંકળોથી બાંધીને કેદ રાખવો પડે છે. પરિસ્થીતી એવી નાજુક છે કે ખુદ ગામલોકો તેનાથી ભયભીત છે. આથી લોકોએજ તેને ઘરમાં પૂરી રાખવા તેના માતા-પિતાને કહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ 4 હજારની વસ્તી ધરાવતું ગીરગઢડા પંથકનું  જરગલી ગામ ખેતી ઉપર નિર્ભર છે. ગામનાં મુળુભાઇ અને આતુબેનને રમેશ નામનો એકનોએક પુત્ર છે. જન્મથી તે એકદમ સ્વસ્થ જ હતો.

 

યુવાવયે પહોંચતાં ભાવનગરમાં હિરા ઘસી સારૂં એવું કમાઇને પરીવારનો પાલનહાર પણ બન્યો. માતા-પિતાએ 20 વર્ષની ઉમરે રમેશને પરણાવી પણ દીધો. જોકે, લગ્નનાં એકાદ વર્ષ બાદ એક સ્વજનની અંતિમવિધીમાં તે સ્મશાને ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ ફરી હિરા ઘસવા ભાવનગર ગયો. અને ત્યાં અચાનકજ તેને પાગલપનનો હુમલો આવ્યો. આથી અન્ય કુટુંબીજનો રમેશને બાંધીને તેના વતન મૂકી ગયા. બસ ત્યારથી આ પરિવારની જાણે કે, માઠી બેઠી. આજે રમેશ 27 વર્ષનો છે. છેલ્લા 6 વર્ષથી ગરીબ કોળી પરીવારનો જુવાનજોધ પુત્રની જીંદગી  સાંકળોમાં કેદ થઇ ગઇ છે. પુત્રને સ્વસ્થ જોવા અત્યારે તો તેના માતા-પિતા પેટે પાટા બાંધીને પાલન કરી રહ્યા છે.

 

અત્યાર સુધીમાં આ ગરીબ દંપતિએ દોરાધાગા, ધૂપ-દીપ અને લાખો રૂપિયા દવામાં ખર્ચી નાંખ્યા.  પરિવારની જમીન પણ રમેશની દવા માટે વેચી નાંખવી પડી. આમ છત્તાં હજુ સુધી એકપણ ઉપાય કારગત નથી નિવડ્યો. આથી ન છૂટકે રમેશને જાડી સાંકળોથી બાંધી રાખવો પડે છે. સ્થિતી એ છે કે, ગામ લોકો પણ રમેશના પાગલપને કારણે ભયભીત છે. ખુદ ગામલોકોએજ રમેશને ઘરમાં બાંધી રાખવા પરીવારને જણાવ્યું છે. લોકો કહે છે, જો આને છુટ્ટો રાખશો તો ગમે ત્યારે કોઇ નિર્દોષનો ભોગ લેવાઇ જશે. હાલ તો આ પરીવાર સરકાર પાસેથી કોઇ સારી હોસ્પીટલમાં સારવાર મળે તો કદાચ તે સારો થઇ જાય એવી અપેક્ષા સેવી રહ્યો છે. 

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...