પ્લાસ્ટીક વીણીને દિકરીનો કરીયાવર ભેગો કર્યો પરંતુ આગમાં બળીને ખાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

જૂનાગઢ: કરોડપતી પિતા હોય કે મજૂરી કામ કરતો પિતા તેને પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની ઇચ્છા હોય છે. દીકરીના લગ્નનો પ્રસંગ અનેરો કરવા માટે વર્ષોથી પિતા એક-એક રૂપિયા ભેગા કરતા હોય છે ત્યારે જ્યારે લગ્નની તારીખ નક્કી થઇ ગઇ હોય, તૈયારી શરૂ કરી દેવામાં આવી હાેય અને એવા સમયે અચાનક એવી કોઇ ઘટના બને કે જેની કોઇએ પણ કલ્પના જ ન કરી હોય. આવું જ કંઇક જૂનાગઢમાં ખામધ્રોળ પાસેના 66 કે.વી.વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરીવાર સાથે થયું છે.

 

 આ પરીવારના ઝુંપડામાં આગ લાગતા ઝુંપડું ખાખ થઇ ગયું

 

પ્લાસ્ટીક વીણીને પેટીયું રળતા મકવાણા પરીવારની દીકરી માયાબેનના  આગામી તા.22 જાન્યુઆરીના લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. જે રીતે દરેક કન્યાને પોતાના લગ્નનો ઉત્સાહ હોય તેટલો જ માયાબેનનો હતો પરંતુ આ ઉત્સાહ લાંબો સમય ટકી ન શક્યો. આ પરીવારના ઝુંપડામાં આગ લાગતા ઝુંપડું ખાખ થઇ ગયું હતું અને તે સાથે આ પરીવાર રોડ પર આવી ગયો હતો અને સાથે પ્લાસ્ટિક વીણી વીણીને ભેગો કરેલો દીકરીના લગ્નનો કરીયાવર પણ આગમાં સ્વાહા થઇ ગયો હતો.

 

 

ત્યારે સત્યમ સેવા યુવક મંડળ, જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા માયાબેનને કબાટ, પલંગ સહિત જીવન જરૂરી 51 ચીજવસ્તુઓ સાથેનો કરીયાવર અર્પણ કરાયો હતો. આ તકે મનસુખભાઇ વાજા, હરસુખભાઇ વધાસીયા, લખુભાઇ સોલંકી, મનીષભાઇ લોઢીયા, કમલેશભાઇ વાજા, ડો.પાર્થ ગણાત્રા, મનોજભાઇ પરમાર સહીતના ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...