ઉના: 4 કલાકમાં 6 ઇંચ, કરંટ હોય દરિયાએ પાણી ન લેતા ઘરમાં ઘૂસ્યા પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના: સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ઉનાના દરિયાકાંઠાના ગામડાઓમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયામાં કરંટ હોવાથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે આથી ભરતીને કારણે વરસાદી પાણી દરિયામાં જતું ન હોવાથી ઘરમાં પાણી ઘૂસતા ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે. 

 

ઉનાના પાલડી ગામમાં 6 ઇંચ વરસાદથી ગામને પાણીએ બાનમાં લીધું 

 

ઉનાના પાલડી ગામમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદથી પાણીએ ગામને બાનમાં લીધું છે અને ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આ સિવાય દેલવાડામાં 5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ દરિયાકાંઠાના ગામડાઓમાં 4થી 5 ઇંચ વરસાદ પડ્યો છે અને હજી અવિરત ધોધમાર વરસાદ ચાલુ છે. દરિયાકાંઠાના ગામડાઓ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યા છે. લોકોએ ઘરમાં જ પૂરાવાનો વારો આવ્યો છે. આ અંગે સરકારી તંત્ર પણ ગામડાઓના સંપર્કમાં જોતરાઇ ગયા છે. 

 

જૂનાગઢમાં બે કલાકમાં 1 ઇંચ 

 

જૂનાગઢમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. જેમાં સવારના 10 થી 12 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જૂનાગઢમાં વરસાદ પડતાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. તેમજ ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગિરનારના પગથિયાં પર પાણી વહેવા લાગ્યા હતા. તેમજ સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું હતું અને દામોદર કુંડ છલકાય ગયો હતો. આ ઉપરાંત વંથલી અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

 

દીવમાં ધોધમાર વરસાદ, કાપડ બજાર ફેરવાયું બેટમાં 

 

ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દીવની કાપડ બજાર બેટમાં ફેરવાયું હતું. 

 

પ્રાચી: 6 ઇંચ વરસાદથી સરસ્વતી નદીમાં પૂર, માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો........

 

માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના/ સરમન રામ, જૂનાગઢ.