ગુજરાતનું અણમોલ ઘરેણું લૂંટાઈ રહ્યું છે... 3 વર્ષમાં 216 સિંહોનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જૂનાગઢ: ગીરમાં છેલ્લા 14 દિવસથી સિંહનાં મોત થઇ રહ્યા છે. વનતંત્ર આ ઘટનાને ઇનફાઇટમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ સિંહનાં મોતનું કારણ ઇન્ફાઇટ નહીં, પરંતુ બીમારી અને વનતંત્રની લાપરવાહી છે. આ મુદ્દે તપાસ થવી જોઇએ. બીમારી અંગે હજુ વનતંત્ર રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે. જો ઇનફાઇટથી જ મોત થતાં હોય અને તેને વનવિભાગ અકુદરતી માનતું હોય તો તેને અટકાવવાનાં નક્કર પગલાં કેમ નથી લેવાતાં તેનો કોઇ જવાબ નથી. ફૂડ પોઇઝનિંગની શક્યતા પણ અહીં ધ્યાને નથી લેવાઇ. 
 

સિંહના મોતનું કારણ ઇનફાઈટ નહીં પણ બીમારી અને વનતંત્રની લાપરવાહી

 

છેલ્લા 3 વર્ષમાં 216 સિંહનાં મોત થયા છે. ચાલુ વર્ષે આ આંક 32 નો છે. તેમજ કુદરતી રીતે  સિંહબાળમાં 70 થી 72 ટકાનો મૃત્યુ દર જોવા મળે છે. એ અંદાજે ચાલુ વર્ષે 22 સિંહ બાળનાં મોત થયાનો અંદાજ વનવિભાગનાં સુત્રો આંકી રહ્યા છે.  ત્યારે ગિરમાં વર્ષો સુધી ફરજ બજાવી ગયેલા એક નિવૃત્ત આરએફઓ નામ ન આપવાની શરતે કહે છે કે, સિંહોની સંખ્યામાં વૃદ્ધિ તો સારી એવી થઇ ગઇ છે. પણ હવે તેને મેનેજ કેમ કરવી એ સમસ્યા છે. અત્યારે તો  સરકાર કે કોઇ અધિકારી પાસે તેનો સુઝાવ નથી. નવી ટીમને ખબરજ નથી કે, મેનેજ કેમ કરવું. કોઇ સિનીયર એસીએફ, ફોરેસ્ટર કે ગાર્ડની ટીમ બનાવી તેનો લાભ લેવામાં આવે એ અત્યંત જરૂરી છે. ઇન્ફાઇટનું કારણ સત્તાવાર રીતે આપ્યું છે, પણ એ અમારા ગળે ઉતરે એવું નથી. કોઇ અન્ય કારણ વિશે તટસ્થ તપાસ થવી જોઇએ. ફૂડ પોઇઝનીંગ કે વાયરલ બિમારીની શક્યતા વધુ છે. ઇન્ફાઇટ સાચું કારણ નથી. સિનીયર અધિકારીઓનાં મીસ મેનેજમેન્ટને લીધે આ સ્થિતી સર્જાઇ છે.


આ અંગે એક સિંહ પ્રેમીએ તો ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, ઇન્ફાઇટમાં બિમાર પડેલા સિંહને પકડવા ટ્રાન્ક્વિલાઇઝ એક નહીં બબ્બે વખત કરવાને લીધે સિંહનું મોત થયાની મેં તો ફરિયાદ પણ કરી છે. વળી ગિર પૂર્વમાં તો સિંહ જે માલઢોરનું મારણ કરે  તેની જાણ કરવા છત્તાં વનવિભાગ બે દિવસ સુધી ઘટનાસ્થળે ફરકતું નથી. પરિણામે બને છે એવું કે, સિંહ એક વખત મારણ આરોગ્યા પછી 24 કલાકે ફરી ત્યાં એ મારણ આરોગવા જાય છે. એટલા સમય સુધીમાં આળસુ પ્રાણીઓ એ માંસ આરોગતા હોય છે. આવા પ્રાણીઓમાં વાયરલ ઇન્ફેક્શન હોવાની શક્યતા સૌથી વધુ હોય છે. 24 કલાકે સિંહ ફરી એ મારણ આરોગે એટલે તેને ઇન્ફેક્શન થાય જ. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે, દલખાણિયા રેન્જમાં આવુંજ બન્યું છે. વાસી મારણ ખાવાને લીધે સિંહો બિમાર થયા. જો એકવાર આરોગી લીધા બાદ એ પશુને દાટી દેવાય તો સિંહે ખોરાક માટે ફરી તાજું મારણ કરવું પડે અને તે બિમાર ન પડે.

 

વધુ બે સિંહના મોત થયા

 

ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં 8 દિવસના ટૂંકા ગાળામાં 11 સિંહોના મોતની ઘટના બાદ વધુ બે સિંહના મોતના બનાવને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી. જે દરમિયાન વધુ 6 સિંહ બીમાર અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.  અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા પ્રમાણે મંગળવારે બપોર સુધીમાં 102 ટીમના 399 કર્મચારીઓ દ્વારા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં આવતા નેશનલ પાર્ક, સેન્ચૂરી તથા સંલગ્ન વિસ્તારો મળી કુલ 785 ચોરસ કિલોમીટરની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે.