• Gujarati News
  • સુત્રાપાડા વેરાવળ ખાતે અભ્યાસ કરતાં છાત્ર છાત્રોએ કર્યુ આંદોલન

સુત્રાપાડા - વેરાવળ ખાતે અભ્યાસ કરતાં છાત્ર - છાત્રોએ કર્યુ આંદોલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા - વેરાવળ ખાતે અભ્યાસ કરતાં છાત્ર - છાત્રોએ કર્યુ આંદોલન

ભાસ્કરન્યૂઝ.સુત્રાપાડા

સુત્રાપાડાનાંવડોદરા(ઝાલા) ગામનાં છાત્ર - છાત્રાઓએ એસટી બસની અનિયમિતતા સામે આજે ભારે રોષ ઠાલવી બસને રોકી ચક્કાજામ કરી દેતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાર્થીઓ સુત્રાપાડા અને વેરાવળ અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય બસની અનિયમિતતાથી દરરોજ મુશ્કેલીમાં મુકાય છે.

સુત્રાપાડાનાં વડોદરા(ઝાલા) ગામનાં 200 જેટલા વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ સુત્રાપાડા અને વેરાવળ ખાતે બસમાં અપડાઉન કરી અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી એસટી બસ અનિયમિત આવતી હોય અને કયારેક તો આવતી નથી. આજે પણ સવારનાં 11 વાગ્યે આવતી બસ બપોરનાં 12.30 વાગ્યે આવતા રોજનાં ધાંધીયાથી કંટાળેલા છાત્ર - છાત્રાઓએ બસની આડા ઉભા રહી જઇ બસને રોકી ચક્કાજામ કરી જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બે કલાકની સમજાવટ બાદ છાત્રોએ બસને જવા દીધી હતી. છાત્રોનાં ઉગ્ર મિજાજથી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. દિવ્ય ભાસ્કરની ટીમે વિદ્યાર્થીઓ અને ગામ લોકોની મુલાકાત લેતા બસનાં ડ્રાઇવર અને કંડકટર ગેરવર્તન કરી માનસીક રીતે હેરાન કરતા હોવાનું જણાવ્યું હતું. પાસ ધરાવો છો એટલે ગામમાં બસ ટાઇમસર આવે એવું લખી દીધેલ નથી એવા ઉધ્ધત જવાબો આપે છે. ગામમાંથી ઘણા દર્દીઓ વેરાવળ, જૂનાગઢ અને રાજકોટ સારવાર માટે જાય છે પરંતુ બસની અનિયમિતતાથી સમયસર પહોંચી શકતા નથી. બસનો ડેપોમાંથી ઉપડવાનો સમય સવારનાં 10.15નો હોવા છતાં નિયત સમયે ઉપાડાતી નથી. બસની અનિયમિતનાં કારણે અમારા સંતાનો બીજા વાહનોમાં ટીંગાઇને જોખમી મુસાફરી કરે છે એમ ગ્રામજનોએ રોષ પૂર્વક જણાવ્યું હતું.

રોડ પર દેખાવો કરી ચક્કાજામ કરતા િવદ્યાર્થીઓ અને િવદ્યાર્થીનીઓ- સંજય ઝાલા

આજે ડેપો મેનેજરને રજૂઆત કરશું

આવતીકાલેઅમોગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વેરાવળ એસટી ડેપો મેનેજરને રૂબરૂ મળી પ્રશ્નનું િનરાકરણ લાવવા રજૂઆત કરશે અને ઉકેલ નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપીશું.

વડોદરા(ઝાલા)માં બસ રોકી કર્યો ચક્કાજામ

રોષ | અેસટી બસની અનિયમિતતા અને ડ્રાઈવર-કંડકટરનાં ઉધ્ધત વર્તન સામે છાત્રો વિફર્યા