• Gujarati News
  • હડકાયેલી ગાયે ૩ વાહનોને હડફેટે લઇ ૪ને ઢીંકે ચઢાવ્યા

હડકાયેલી ગાયે ૩ વાહનોને હડફેટે લઇ ૪ને ઢીંકે ચઢાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં પંચહાટડી અને દાણાપીઠ વિસ્તારમાં આજે બપોરનાં સમયે એક ગાયને હડકવા ઉપડતા બન્ને વિસ્તારોને બાનમાં લઇ લીધા હતા. બન્ને વિસ્તારમાં ગાયે ધમાચકડી મચાવતાં દોડધામ મચી ગઇ હતી. ગાયે દોડાદોડી કરી ૩ વાહનોને હડફેટે લીધા હતા અને ૪ વ્યકિતને પછાડી દેતાં તેને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, કોર્પોરેશનની ટીમે સમયસર પહોંચી જઇ ગાયને પાંજરે પુરી દેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જૂનાગઢનાં પંચહાટડી અને દાણાપીઠ વિસ્તારમાં હંમેશાં ટ્રાફિકથી ધમધમતા હોય છે. આ વિસ્તારમાં રસ્તા પણ સાંકડા છે. તેમાં આડેધડ વાહનો પાર્ક કરેલા હોય છે. રસ્તા પર પણ દુકાનોનાં છાપરા નિકળતા હોઇ માર્ગોવધુ સાંકડા થઇ ગયા છે. આ રસ્તા પર ચાલવું પણ મુશ્કેલીભર્યું છે. ત્યારે આજે બપોરનાં સમયે એક ગાયને હડકવા ઉપડતાં પંચહાટડી અને દાણાપીઠ વિસ્તારમાં ધમાચકડી મચાવી દીધી હતી. ગાયે એક ગલીમાંથી બીજી ગલીમાં દોડાદોડી કરી મૂકતા લોકોમાં ભય છવાઇ ગયો હતો. તેમજ રસ્તા પર પાર્ક કરેલા ૩ વાહનો પણ પછાડી દીધા હતા. દોડાદોડી થતાં ૪ લોકો પડી ગયા હતા. અને તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. ગાયે આ વિસ્તારને બાનમાં લઇ લીધો હતો. બાદમાં કોર્પોેરેશનને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ પાંજરા સાથે પહોંચી ગઇ હતી. અને મહામહેનતે ગાયને પાંજરામાં પૂરી દીધી હતી. ગાય પાંજરામાં પૂરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.