સોરઠમાં આ વર્ષે એકપણને એ-૧ ગ્રેડ નહીં, ૯૩.૮૭ ટકા પરિણામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨(સાયન્સ)ની પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનું ૯૩.૮૭ ટકા પરિણામ
- એ-૨ ગ્રેડમાં જિલ્લાનાં ૭૩ વિદ્યાર્થીઓ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૩માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લાનું સરેરાશ પરિણામ ૯૩.૮૭ ટકા આવ્યું છે. ધો. ૧૧ (સાયન્સ)ના બે અને ધો. ૧૨(સાયન્સ)નાં બે એમ કુલ ચાર સેમેસ્ટરની પરીક્ષામાં જિલ્લાનાં ૪૯૯૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

ગુ.મા.શિ. બોર્ડની માર્ચ ૨૦૧૩ની પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ કેન્દ્રમાંથી ૪૨૫૮ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૪૨૩૭ એ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૦૩૨ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૨૦૫ વિદ્યાર્થીઓને સુધારણાની જરૂરિયાત હોવાનું જણાવાયું છે. આ રીતે જૂનાગઢ કેન્દ્રનું પરિણામ ૯૫.૧૬ ટકા આવ્યું છે. જ્યારે જિલ્લાનાં વેરાવળ કેન્દ્રમાં ૧૧૯૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૧૮૭ એ પરીક્ષા આપી હતી. જે પૈકી ૧૦૬૩ ઉત્તીર્ણ થયા છે.

જ્યારે ૧૨૪ વિદ્યાર્થીઓને સુધારણાની જરૂરિયાત હોવાનું પરિણામમાં જણાવાયું છે. આ રીતે વેરાવળ કેન્દ્રનું પરિણામ ૮૯.૫૫ ટકા આવ્યું છે. જિલ્લાનાં કુલ ૪૯૯૫ વિદ્યાર્થીઓને ડી અથવા તેથી ઉંચો ગ્રેડ મળ્યો છે. જ્યારે કુલ ૩૨૬ વિદ્યાર્થીઓને સુધારણાની જરૂરિયાત હોવાનું જણાવાયું છે.

- જૂના કોર્સનું ૭૯.૦૫ ટકા

જૂના કોર્સની પરીક્ષા માટે જિલ્લામાંથી કુલ ૭૧૯ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૭૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૫૬૬ વિદ્યાર્થીઓને ડી અથવા તેથી વધુ ગ્રેડ મળ્યો હતો. જ્યારે ૧૩૩ વિદ્યાર્થીઓને સુધારણાની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. જૂના કોર્સમાં એ-૧ અને એ-૨ ગ્રેડ કોઇને નથી મળ્યો. જ્યારે ૨ વિદ્યાર્થીને બી-૧, પાંચ ને બી-૨, ૧૯ ને સી-૧, ૯ ને સી-૨ અને ૫૩૧ને ડી ગ્રેડ મળ્યો છે. એ સિવાયનાં ૨૦ ને પણ ઉત્તીર્ણ જાહેર કરાયા છે.

- પરિણામ વધ્યું, પણ એ-૧ નહીં

જૂનાગઢ શહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટેનું એક આદર્શ સ્થળ છેલ્લા દોઢ દાયકાથી બની રહ્યું છે. દર વર્ષે જૂનાગઢ કેન્દ્રનાં એકથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડમાં નંબર અચૂકપણે મેળવતા. ગ્રેડ પદ્ધતિ અમલમાં આવ્યા પછી પણ એ-૧ ગ્રેડ ઘણાંને મળેજ છે. પરંતુ આ વર્ષે એ ક્રમ તૂટ્યો છે. એ-૧ ગ્રેડ એકપણ વિદ્યાર્થીને નથી મળ્યો એ વાત નોંધવા જેવી છે.

- પદ્ધતિસરનું આયોજન કામ આવ્યું

મારા પિતા ચોરવાડમાં જનરલ સ્ટોર ધરાવે છે. સફળ થવા માટે પદ્ધતિસરનું આયોજન પહેલેથી જ કરી નાખ્યું હતું. જેનાં કારણે આજે મને આ સફળતાનાં મીઠાં ફળ ચાખવા મળ્યા છે. આગળ જઇ મેકેનીકલ ઇજનેર તરીકે કારકિર્દી ઘડવી છે.
- સાગર એલ. સોલંકી (એકલવ્ય પબ્લીક સ્કૂલ)
પર્સન્ટાઇલ : ૯૮.૮૮, ગ્રૃપ : એ, ગ્રેડ : એ-૨

- ‘ગોલ’ નક્કી જ હતો

મારી ઇચ્છા ઇજનેર બનવાની છે. બે વર્ષ પહેલા જ પ્રવેશ સમયે જવલંત પરિણામનો ગોલ નક્કી કર્યો હતો. જેમાં મારા માતા-પિતા સહિત શાળાનો મહત્વનો ફાળો રહ્યો છે.
- ઉર્મિલાબેન લાખાભાઇ બારડ (આલ્ફા હા.સ્કૂલ)
પર્સન્ટાઇલ : ૯૯.૭૯, ગ્રૃપ : એ, ગ્રેડ : એ-૨

- માછીમાર અને હિરાઘસુનાં પુત્રોએ મેળવ્યો એ-૨ ગ્રેડ

જૂનાગઢ : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં જૂનાગઢનાં હિરાઘસતા પરિવારનાં તથા ચોરવાડમાં માછીમારીનાં ધંધા સાથે જોડાયેલા પરિવારનાં છાત્રોએ ઉચ્ચ ગુણાંક સાથે જવલંત સિદ્ધી મેળવી છે.આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૨ (વિ.પ્ર.)ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સોરઠનાં બે સામાન્ય પરિવારનાં છાત્રો ઝળક્યા છે. જેમાં જૂનાગઢમાં રહેતા અને હિરાનાં કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી રોજીરોટી મેળવતા રમેશભાઇ ઉકાણીનો પુત્ર ચિંતન ૧૨ સાયન્સનાં એ ગ્રુપમાં ૯૮.૮૮ પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયો છે.

જ્યારે ચોરવાડમાં રહેતા અને માછીમારીની સાથે જનરલ સ્ટોર ધરાવતા લખમભાઇ સોલંકીનાં પુત્ર સાગરે ૯૮.૮૮ પર્સન્ટાઇલ સાથે એ ગ્રુપમાં એ-૨ ગ્રેડથી ઉતીર્ણ થયો છે. આ તકે તેમનાં પિતા લખમભાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અભણ છું. તેમજ મારો પુત્ર શું ભણે છે. તેની મને ક્યારેય પણ માહિતી ન હતી. પરંતુ ભણતર માટે જે વસ્તુ જોઇએ તે તત્કાળ હાજર કરી આપતા.