સાસણને ‘ખુશ્બુ ગુજરાત કી’ ફળી, પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાસણમાં પર્યટકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો

-પાંચ દિવસમાં ૩૪ હજાર પર્યટકોએ સિંહદર્શન કર્યું: સહેલાણીઓનો સમંદર

સોરઠના સાવજો થકી સાસણ-તાલાલામાં સમૃધ્ધિનો સમંદર છલકાયો છે. સાસણ-ગીરનું જંગલ અને સાવજોએ દેશ-વિદેશના પર્યટકોને સોરઠ ભણી આકષ્ર્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન આ વર્ષે તો વિક્રમસર્જક સંખ્યામાં સહેલાણીઓનું આગમન થયું છે. ગત વર્ષના આ દિવસો સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે પર્યટકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે. સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓ માટે સિંહદર્શનના સમય અને વાહનોમાં વધારો કરવામાં આવ્યો છે. પર્યટકોના આવા અકલ્પય ધસારાને કારણે સાસણ-તાલાલામાં લાખો-કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું છે.એશિયાટિક લાયનના એકમાત્ર આશ્રયસ્થાન એવા સાસણ-ગીરનું આકર્ષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મમાં સાસણ અને સાવજો ચમકયા બાદ તો આ સ્થળને રાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ છે અને તેનો સીધો ફાયદો પર્યટન ઉદ્યોગને થયો છે.

આ વર્ષે ધારણા મુજબ જ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણમાં ઊમટી રહ્યા છે. સિંહદર્શન માટે સાસણની બુકિંગ ઓફિસે પર્યટકોની કતારો લાગેલી રહે છે. નાનકડાં સાસણ અને તાલાલાના માર્ગો પ્રવાસીઓ અને વાહનોથી ધમધમતા રહે છે. જંગલ ખાતાએ પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પરમિટો લઈને જતાં મોટાભાગના પ્રવાસીઓને જંગલમાં મુક્તપણે વિહરતા સાવજો નિહાળવા મળે જ એ માટે વનખાતાના કર્મચારીઓ સંનિષ્ઠ પ્રયાસો કરે છે અને પરિણામે પ્રવાસીઓ ખુશખુશાલ છે. સિંહદર્શન કરીને રોમાંચિત બનેલા દરેક પ્રવાસીના મુખે એક જ વાત હોય છે. આવા સાવજ ક’દી જોયા નહોતા. આવી મજા અગાઉ ક’દી માણી નહોતી.

સાસણમાં છેલ્લા પાંચ દિવસથી સહેલાણીઓના ધાડેધાડા આવી રહ્યા છે. દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. છેક વેકેશન પૂરું થાય ત્યાં સુધી એટલે કે તા.૨૦ સુધી હજારો પર્યટકો આવતા રહેશે અને સાસણ-તાલાલામાં સમૃધ્ધિ ઠાલવતા રહેશે.

આગળ જુઓ સાસણને પ્રવાસ ઉદ્યોગ ફળ્યો