હત્યાનો ભોગ બનનાર પ્રેમીથી અગાઉ સગર્ભા પણ બની હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હત્યાનો ભોગ બનનાર પ્રેમીથી અગાઉ સગર્ભા પણ બની હતી
- આપઘાતનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી હજુ પણ બેભાન હાલતમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ ખાતે મુસ્લિમ માતા-પુત્રીઓની હત્યા પ્રકરણમાં પરિણીતાની એક આરોપી સાથે અનૈતિક સંબંધ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ સાથે હત્યાકાંડ સર્જી, આરોપી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ પણ કરાયો હોવાનું બહાર આવ્યું હતું અને ત્રણેય મૃતદેહોને પોસ્ટર્મોટમ માટે જી.જી. હોસ્પિટલ જામનગર ખસેડાયા છે, તેમજ આરોપીએ ઝેર પી લીધુ હતુ તે જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અતિ ચકચારી ત્રિપલ મર્ડરની સનસનીખેજ વિગત મુજબ, સુરજકરાડીમાં ઉદ્યોગનગર વિસ્તારમાં હુશેની ચોક ખાતે જુમા મસ્જિદની બાજુમાં રહેતી ઝરીનાબેન ઇબ્રાહીમ શેખ નામની ૩પ વર્ષની મુસ્લિમ પરિણીતાએ આજથી આશરે સાતેક વર્ષ પૂર્વે છુટાછેડા લીધા બાદ તેણીના કહેવાતા પ્રેમી રમજાન ઉર્ફે મનન આમદભાઇ સોઢા નામના આશરે ૩૬ વર્ષની ઉંમરના ઓખા-ભુંગા વિસ્તારમાં રહેતા યુવાન સાથે હળતી-મળતી હોવાનું બહાર આવ્યું હતું. રમજાન દ્વારા ઝરીના સગર્ભા હોય, આ યુવાન દ્વારા તેણીના પતિને ઝરીનાના ગર્ભમાં રહેલ બાળક પોતાનું હોવાનું જણાવતા આશરે સાતેક વર્ષ પૂર્વે ડખ્ખો થયાનું પોલીસમાં ખૂલ્યું હતું. ત્યારબાદ પૈસા બાબતે રમજાન અને ઝરીના વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હોવાનું પણ વધુમાં જાહેર થયું હતું.

આ પરિસ્થિતિમાં રમજાને ઉશ્કેરાઇને ગત તા.૨૧મી અથવા ૨૨મી દરમિયાન ઝરીનાબેન તથા તેણીની બે પુત્રીઓ રૂકશાના ઉર્ફે શાયના અને બરીનાના ગળાના ભાગે તથા હાથના ભાગે તિક્ષ્ણ હથિયારો વડે હીચકારો હુમલોક કરી, ત્રણેયની હત્યા કર્યાની ધોરણસર ફરિયાદ આરંભડાની સીમમાં ઘટનાસ્થળ વિસ્તારમાં રહેતા જુબેદાબેન તૈયબભાઇ સલેમાન ચાવડા (ઉ.વ.૨પ)એ પોલીસમાં નોંધાયેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ-ત્રણ ઘાતકી હત્યાઓ બાદ રમજાન સોઢાએ પણ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેને હાલ ગંભીર હાલતમાં સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આરોપી રમજાન સોઢા પરિણીત હોવાનું તથા તેને સંતાનો પણ હોવાનું જાણવા મળેલ છે. હત્યાના ત્રણેક દિવસ બાદ સાંપડેલા માતા તેમજ બન્ને પુત્રીઓના મૃતદેહો અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં હોવાથી ત્રણેય લાશના પેનલ પી. એમ. માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

હજુ પીએમ રિપોર્ટ નથી આવ્યો : આરોપી બેભાન

આ ચકચારી ટ્રીપલ મર્ડરમાં આગળની કાર્યવાહીના ભાગરૂપે ત્રણેય મૃતદેહને પોસ્ટર્મોટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે. જયારે આરોપીએ જ દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને જામનગરમાં ક્રિટીકલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. તેમજ બેભાન હોવાનું પીએસઆઇ પરમારે જણાવ્યું હતું.