જામનગર: નવા વિસ્તારનો ૯ મહિ‌ના બાદ કબજો મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ત્રણ મહિ‌નાથી આ હુકમ માટે પ્રયાસ થઇ રહ્યા હતા હવે નવા વિસ્તારોને સુવિધાનો માર્ગ મોકળો થશે

જામનગર:
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધારાના નોટિફીકેશનના નવ મહિ‌ના બાદ હવે વધારાની હદનો કબ્જો મળ્યો છે. આ માટે સતત જહેમત ઉઠાવાની હતી તેમાંય છેલ્લા ત્રણ મહિ‌નાથી તો સતાધારીઓએ સખત જહેમત હાથ ધરવી પડી હતી. ત્યારે આ કબ્જો મળ્યો છે, હવે આ અંતર્ગત આગળની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે અને મુળભૂત સેવાઓ પૂરી પાડવા માટેનો પ્લાન ઘડવામાં આવશે. જામનગર કોર્પોરેશન વિસ્તારના ૧૯ વોર્ડના ૩૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળ ઉપરાંતના નગરસીમના તથા આજુબાજુના ગામડાઓના વિસ્તારના સામાન્ય રીતે નગર સાથે જ વ્યવહારો જોડાયેલા રહયા છે.
ઉપરાંત નગરનો ચોતરફ વિકાસ પણ થઇ રહયો છે અને તે પણ જામનગરને લગત વેપાર-ધંધા સાથે સંકળાયેલો વિકાસ છે. ત્યારે આવા લગત વિસ્તારને જામનગર કોર્પોરેશનના વિસ્તારમાં ઉમેરી દેવામાં આવે તે અંગેની એક દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. જેના ઉપર પુખ્ય વિચારણાના અંતે ગત ૪ ઓકટો.-૨૦૧૩માં રાજય સરકારે જાહેરનામુ પ્રસિધ્ધ કરી જામનગર શહેરના નગરસીમના, નગરની વચ્ચેનાના પોકેટના તથા લગત ૧૬ ગામડાઓનો સીમતળનો વિસ્તાર જામનગર કોર્પોરેશનમાં ઉમેરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારબાદ આ વિસ્તારનો કબ્જો જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ પાસેથી ભેળવવાનો હતો. તે માટે ખૂબ જ વિલંબ થતાં રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મેયર દિનેશભાઇ પટેલ, સ્ટે. ચેરમેન દિવ્યેશ અકબરીએ આ અંગે વારંવાર સરકારમાં રજૂઆત કરી આખરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા અને કબ્જો મળે તે માટે તાત્કાલીક હુકમ થાય તેવી માંગણી કરી હતી. જેના પગલે ગત સપ્તાહમાં આ હુકમ થયો હતો. જેની કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે અને હવે કબ્જો મળતા નગરનું ક્ષેત્રફળ હવે ૧૨પ ચો.કિ.મી. નું થયું છે.

નવા ઉમેરાયેલા વિસ્તારો

જામનગર સીમ એટલે કે શહેર મામલતદારમાં ૧૯ વોર્ડ સિવાયનો વિસ્તાર સમાવષ્ટિ છે તે ઉપરાંત જુના નાગનાના સર્વે નં. ૧ થી ૨૧૯, નવાનાગના સર્વે નં. ૧ થી ૧૨૭, તથા વિભાપર, ધુંવાવ, મોરકંડા, કનસુમરા, નાઘેડી, ઢીંચડા, ગોરધનપર, દરેડ, દડિયા, ચેલા, ખીમલીયા, ઠેબા, હાપા અને ખીમરાણાની ગ્રામ પંચાયત હદ સિવાયના સીમ તળના વિસ્તારો ઉપર શહેરની વચ્ચે રહી ગયેલા તમામ પોકેટ સહિ‌તનો વિસ્તાર કોર્પોરેશનમાં ઉમેરાયો છે.

હવે વિકાસની પરવાનગી કોર્પો. આપશે

રાજય સરકારના તા.૮ના હુકમના પગલે મ્યુ. કમિશ્નરે આ માટે જરૂરી હુકમો બીએમસી અને ટાઉન પ્લાનીંગ બ્રાન્ચ ઉપર કરીને કબ્જો મેળવવા માટે જાડા સાથે કરવાની થતી પ્રક્રિયાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, નવા ઉમેરાયેલા સહિ‌તના હવે ૧૨પ ચો.કિ.મી. વિસ્તારમાં હવે વિકાસ પરવાનગીની પ્રક્રિયા કોર્પોરેશનમાં થશે તેથી કોર્પો. ઉપર કામનું ભારણ વધશે. સાથે -સાથે કોર્પો.ને આવક પણ વધશે. ઉપરાંત વેરાની આવક પણ વધશે.

પાયાની સુવિધાની જવાબદારી વધી

નવા વિસ્તારમાં પીવાના પાણી, સફાઇ, આરોગ્ય, રોડ, ગટર, સ્ટ્રીટલાઇટ સહિ‌તની પાયાની સુવિધા કોર્પોરેશને પુરી પાડવાની રહે છે. તે માટે છ મહીનામાં સમગ્ર માળખુ તૈયાર થશે તેવું અનુમાન છે. કેમ કે, છ મહીના બાદની સમીક્ષા વખતે કોર્પોરેશન સરકારની કસોટી ઉપર ખરૂ ઉતરવા સજજ રહેશે.

જાડાના ઠરાવ બાદ સરકારનો હુકમ

જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળે ગત જનરલ બોર્ડમાં આ અંગે ઠરાવ કરીને સરકારમાં દરખાસ્ત મોકલી હતી કે ઓકટોબર -૧૩ના જાહેરનામા મુજબ કોર્પોરેશનને નવો વિસ્તાર સોંપવાનો થાય છે. જેના આધારે કોર્પોરેશન સતાધારીઓના સતત ફોલોઅપના પડી છે. સરકારે હુકમ કર્યો છે.